ઉંદરોનો ત્રાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનીહેડ ઓફિસમાં ઉંદરોનો ત્રાસ વધ્યો છે. છેલ્લા કેટલાય સમયથી હેડ ઓફિસમાં પોતાનો અડ્ડો બનાવીને રહેતા મહાકાય ચાર પગવાળા ઉંદરોએ ફાઇલો અને તેમાં મૂકેલા અગત્યના કાગળો કોતરી ખાતાં અંતે યુનિ.ના સત્તાધીશોએ ઉંદરને પકડવા માટે પાંજરું મૂકાવતાં હાલ કુતૂહલનું કેન્દ્ર બન્યું છે.

સમગ્ર યુનિ.માં ઉંદરોનો આતંક છે. એમાંય યુનિ.ની હેડ ઓફિસ ખાતે મહાકાય કહી શકાય તેવા ચારપગવાળા ઉંદરોનો ત્રાસ વધ્યો છે. ઉંદરો પોતાના ખોરાકની શોધમાં યુનિ.ની ઓફિસોમાં ધૂસી જઇને અગત્યની ફાઇલો તથા તેમાં મૂકેલા કાગળો કોતરી નાંખે છે. ઘણા કિસ્સામાં ઉંદરો ઓફિસની રૂમમાં એક છેડેથી બીજા છેડે ફરીને કર્મચારીઓને પણ ડરાવતા હોવાની ઘટના બહાર આવી છે. એક-બે કિસ્સામાં તો ઉંદરો કર્મચારીઓને પગમાં કરડી ખાધા હોવાની પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ઉંદરોના ત્રાસથી ત્રસ્ત બનેલા યુનિ.ના કર્મચારીઓ-અધિકારીઓએ પોતાની ઓફિસમાં તેને પકડવા માટે પાંજરાં મૂકવાની શરૂઆત કરી છે.

હાલમાં યુનિવર્સિટીના વીસી પ્રો. પરિમલ વ્યાસની કેબિનને અડીને બેસતા તેમના પી.એ તથા પી.એસની ઓફિસમાં પણ ચાર પગવાળા મહાકાય ઉંદરો ધસી આવીને ફાઇલો કોતરી ખાય છે. ઉંદરોના ત્રાસથી બચવા માટે આખરે યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસના પી.એ તથા પી.એસએ પોતાની કેબિનમાં ફાઇલોની નજીક ઉંદરને પકડવા માટે પાંજરું મૂક્યું છે. પાંજરાથી હાલમાં ઓફિસની મુલાકાત લેતાં આગંતુકો-મુલાકાતીઓમાં અચરજ ફેલાયું છે. યુનિ.માં વધેલા ઉંદરાના ત્રાસને લઇને પણ અનેક અટકળો યુનિ.નાં શૈક્ષણિક વર્તુળોમાં ઉઠવા પામી છે. પાંજરા જોઇને યુનિ.ની હેડ ઓફિસની મુલાકાત લેતાં સેનેટ, સિન્ડિકેટ સભ્ય તથા વિવિધ ફેકલ્ટીના ડીન-અધ્યાપકોમાં પણ હાસ્ય-મોજનું કારણ બની છે. ફાઇલો અને મહત્વના કાગળોને નુકશાન થાય તે માટે ઉંદરોનો ત્રાસ નાથવા પાંજરા મૂકવા પડયા છે.

યુનિ ની હેડ ઓફિસ ખાતે ઉંદર પકડવાનું પીંજરું મુકાયું હતું.

ઉંદરોને પકડવા મૂકેલા પાંજરાથી હેડ ઓફિસમાં આવતા મુલાકાતીઓમાં અચરજ ફેલાયું

યુનિ.ઓફિસને પેપરલેસ બનાવવા ઉંદરોનું અભિયાન

અન્ય સમાચારો પણ છે...