તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભારતી સ્કૂલમાં છાત્રો વાલીઓમાં ડર યથાવત રહેતાં કાઉન્સેલિંગ શરૂ

ભારતી સ્કૂલમાં છાત્રો-વાલીઓમાં ડર યથાવત રહેતાં કાઉન્સેલિંગ શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

શુક્રવારે ભારતી વિદ્યાલયમાં થયેલા ધોરણ 9 ના વિદ્યાર્થીની હત્યા થયા બાદ સ્કૂલ પર સંકટનાં વાદળો ઘેરાયાં હતાં. ડરના માહોલ વચ્ચે બે દિવસ સ્કૂલ બંધ રહ્યા બાદ મંગળવારથી સ્કૂલ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં હજુ પણ ડરનો માહોલ યથાવત્ રહેતાં ડી.ઈ.ઓ કચેરી તરફથી એક ટીમ મોકલીને સ્કૂલમાં આવી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ભારતી વિદ્યાલયના વિદ્યાર્થી દેવ તડવીની હત્યા બાદ સ્કૂલમાં ખૌફનો માહોલ ઉભો થઇ ગયો છે. હત્યાની ઘટના બાદ કેટલાય વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલમાંથી એલ.સી લેવા માટે પણ દોડી આવ્યા હતા અને બે દિવસ સ્કૂલમાં રજા રાખ્યા બાદ મંગળવારથી સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. પહેલા દિવસે સ્કૂલમાં માત્ર ત્રણ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે બીજા દિવસે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં આંશિક વધારો જોવા મળ્યો હતો. હજુ પણ સ્કૂલના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ડર યથાવત્ રહેતાં ડી.ઈ.ઓ કચેરી તરફથી સ્કૂલમાં આવી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું કાઉન્સેલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ટીમ દ્વારા જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂૂમાં ન આવે ત્યાં સુધી દરરોજે સ્કૂલ પર જઈને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરીને તેમને જરૂરી માર્ગદર્શન આપશે.

ફાળો ઉઘરાવવા સ્કૂલોને પત્ર લખાયો
વડોદરા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૃતક દેવ તડવીના પરિવારજનોને નાણાકીય સહાય આપવા માટે દરેક સ્કૂલોના આચાર્યોને સ્કૂલમાંથી ફાળો ઉઘરાવવા માટે પત્ર લખવામાં આવ્યો છે. 30 જૂન સુધી દરેક શાળાઓ પાસેથી ફાળો એકત્ર કર્યા બાદ મૃતક દેવ તડવીના પરિવારજનોને આ નાણાકીય રકમ આપવામાં આવશે.

શાળાના વહિવટમાં સુધારો કરવા માટે ડીઈઓને રજૂઆત કરાઈ
હત્યાના બનાવ અગાઉ વર્ષ 2005માં ભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શાળાની શિક્ષિકાએ ઉઠકબેઠક કરાવી હતી. આ સાથે ભારતી વિદ્યાલયના વહીવટમાં અંધારપટ હોવાથી સામાજિક કાર્યકર અનિલ ગાડગીલે ડી.ઈ.ઓ કચેરી ખાતે સ્કુલનું સંચાલન અને વહીવટ સુધારવા માટે અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...