તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara અનગઢના 21 વર્ષીય રાજેશ ગોહિલનું ઝેરી તાડી પીતાં મોત

અનગઢના 21 વર્ષીય રાજેશ ગોહિલનું ઝેરી તાડી પીતાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | રાજ્યભરમાં ચાલતા ગેરકાયદેસર વિદેશી દારૂના વેચાણ વચ્ચે, તાડીના વેચાણનું પ્રમાણ પણ ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહ્યું છે. જેનો એક તાજો દાખલો સામે આવ્યો છે. શહેર નજીકના અનગઢ સ્થિત રાજગઢ સ્કૂલ પાસે રહેતા યુવકે ઝેરી તાડી પીતાં તેનું મોત નિપજ્યું હોવાનો સ્થાનિકો અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

ચાર મહિના પહેલાં જ રાજેશના લગ્ન થયાં હતાં
જ્યારે પોલીસે યુવકના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં પી.એમ કરાવતાં મોતનુ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જેથી મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરાનાં સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

શહેર નજીક આવેલા અનગઢ સ્થિત રાજગઢ સ્કૂલ સામે રહેતા રાજેશભાઇ રમણભાઇ ગોહિલ (21) કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ચાર મહિના પહેલાં જ રાજેશ લગ્નગ્રંથિથી જોડાયો હતો. મંગળવારે સાંજે રાજેશ કામ પરથી ઘરે આવ્યો હતો. ત્યારે તેની તબિયત ઠીક ન હતી. જોકે બુધવારે તે ઘરે જ હતો પરંતુ થોડા સમય માટે બહાર જઇ પરત ઘરે આવી ગયો હતો. મોડી સાંજે રાજેશ ઘરમાં ચાલી રહ્યો હતો. દરમિયાન તે અચાનક ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.

યુવકના મોતના સમાચાર વાયુવેગની જેમ ગામમાં પ્રસરી ગયા હતા. જેથી મૃતક યુવકના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા યુવકનું મોત ઝેરી તાડી પીવાના કારણે થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર અનગઢ અને આસપાસનાં ગામોમાં તાડીનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જેથી મોટી સંખ્યામાં ગામના લોકો તાડી પીવાના રવાડે ચઢ્યા છે. રાજેશને પણ તાડી પીવાની લત લાગી ગઇ હતી. બનાવ સંદર્ભે નંદેસરી પોલીસે યુવકના મૃતદેહનું સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. પરંતુ પોલીસને પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવકના મોતનું કોઇ સ્પષ્ટ કારણ જાણવા ન મળતાં વિસેરા લઇ તપાસ માટે મોકલી આપ્યા હતા. જો કે, રાજેશ ગોહિલનું મોત ઝેરી તાડી પીવાના કારણે થયુ હોવાની વાત વાયુવેગની જેમ પ્રસરી જતા અનગઢ અને તેની આસપાસના ગામોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. તેમજ ગ્રામજનોમાં આ બાબતે વ્યાપક રોષ પણ જોવા મળ્યો હતો.

એક તરફ પોલીસ દ્વારા દારુના વેચાણ પર અંકુશ મેળવવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફથી અંતરયાળ વિસ્તારોમાં દેશી દારુ તેમજ તાડીનું વેચાણ પણ વ્યાપક પ્રમાણમાં વધુ રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. આ બાબતની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસે ચેકિંગ પણ હાથ ધર્યું હતું.

રાજેશભાઇ ગોહિલ

દારૂ પીધો હોત તો ગંધ આવતી પણ રાજેશે કોઇ બીજું જ કેફી પીણું પીધું હતું
રાજેશ મારો નાનો દીકરો હતો. હું બુધવારે સાંજે ઘરે આવ્યો ત્યારે મને મારી વહુએ કહ્યું કે રાજેશની તબિયત સારી નથી, રાત્રે પણ તેમને ઊલટી થઇ હતી. જોકે મોડી સાંજે રાજેશ ઘરમાં ચાલતાં ચાલતાં અચાનક ઢળી પડ્યો હતો. જેથી તેને રિક્ષામાં બેસાડી મેઇન રોડ સુધી લાવ્યા અને ત્યારબાદ 108 મારફતે હોસ્પિટલમાં લઇ જતાં તેને મૃત જાહેર કર્યો હતો. જોકે મારા પુત્રે કોઇ કેફી પીણું પીધું હોય તેવું લાગી રહ્યું હતુ. પણ તે દારૂ ન હતો. દારૂ હોત તો તેની ગંધ આવે પણ કંઇ બીજું જ હતું. જેને લીધે તે ઘેનમાં રહેતો હતો. રમણભાઇ ગોહિલ, મૃતક રાજેશના પિતા

પી.એમ રિપોર્ટમાં યુવકના મોતનું કારણ સ્પષ્ટ નથી,વિસેરાની તપાસ થશે : પોલીસ
યુવકનું મોત કયાં કારણોસર થયું છે તેનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. પરંતુ કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જેથી વિસેરા લઇ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોતનું કારણ સ્પષ્ટ થશે. ડી.એલ વસાવા, પી.એસ.આઇ, નંદેસરી પોલીસ સ્ટેશન

યુવકના મોત બાદ પોલીસ હરકતમાં આવી, તાડી વેચનારાઓની શોધખોળ
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અનગઢના યુવકનું ઝેરી તાડીના કારણે મોત થયું હોવાના આક્ષેપો થતાં પોલીસે અનગઢ, તેની આસપાસમાં આવેલા કોટના, રામગઢ અને ફાજલપુરમાં તાડી વેચનારાઓને શોધવા ડ્રાઇવ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...