વડોદરા નગરીના નવનાથ પૈકીના કલાલી-વડસર રોડ પર આવેલા જાગનાથ મહાદેવના નવનિર્મિત સંકુલમાં આવતીકાલે ગણેશ ચતુર્થીના રોજ મહારાજાના હસ્તે મંદિરના કપાટ ખોલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્રણ દિવસ સુધી યોજાનાર ગણેશયાગમાં સવારે મુખ્યમંત્રી તેમજ વિધાનસભાના અધ્યક્ષ હાજર રહેનાર છે. માત્ર એક જ આરસના પથ્થરને કોતરીને બનાવવામાં આવી હોય તેવી આ દેશની પહેલી ગણપતિજીની મૂર્તિ હશે. માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જાગનાથ મહાદેવ સંકુલમાં 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આહુતિ આપવા માટે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી પણ હાજર રહેશે. જ્યારે વડોદરાને નવનાથ મહાદેવથી રક્ષિત કરનાર રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે સાંજે બડા ગણેશજીના મંદિરના કપાટ ખુલ્લા મૂકવામાં આવશે. ધારાસભ્ય યોગેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં વર્ષોથી સાવલીવાળા સ્વામીજીની ઇચ્છા હતીકે વડોદરામાં આ પ્રકારે ગણપતિજીનું મંદિર બને અને તેના માટે અથાક પ્રયત્નો બાદ જયપુરમાં કારીગરો દ્વારા એક જ આરસના પથ્થરમાંથી બડા ગણેશની મૂર્તિનું નિર્માણ કરાયું હતું. ગત વર્ષે આ મૂર્તિને જાગનાથ મહાદેવના મંદિરમાં સ્થાપન કરી વિધિવત્ રીતે અર્ચન-પૂજન કરવામાં આવ્યું હતું. ગણેશચતુર્થીના દિવસે જાગનાથ મહાદેવના સંકુલમાં બડા ગણેશજીના મંદિરના કપાટ ખોલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો