Home » Madhya Gujarat » Latest News » Vadodara City » શૌચાલયની દુર્ગંધથી મુલાકાતીઓ હેરાન, ઇ-ટોઇલેટ મહિનાઓથી બંધ

શૌચાલયની દુર્ગંધથી મુલાકાતીઓ હેરાન, ઇ-ટોઇલેટ મહિનાઓથી બંધ

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:06 AM

અવિચલ ઉદ્યાન

 • શૌચાલયની દુર્ગંધથી મુલાકાતીઓ હેરાન, ઇ-ટોઇલેટ મહિનાઓથી બંધ
  દિવાળીપુરાના અવિચલ ઉદ્યાનમાં સેંકડો મુલાકાતીઓ દરરોજ ઉમટી પડે છે. આ બાગના નિર્માણમાં સિનિયર સિટિઝન્સનો પ્રયાસ હોવાને લીધે તેમની અવરજવર વધુ હોય છે. બાગ હરિયાળો છે પણ સાથે જ તેની સમસ્યાઅો પણ વધુ છે. બીજા બાગની જેમ અહીં શૌચાલય ન હોવાની સમસ્યા નથી પણ જે શૌચાલય છે તેની સફાઇ નિયમિત થતી નથી.. મુલાકાતીઓ ઉપરાંત આસપાસના લારી-ખુમચાવાળાઓ પણ તેનો ઉપયોગ કરે છે. કેટલાક મહિનાઓ અગાઉ કોર્પોરેશને સિવિલ વર્કની કામગીરી માટે બાગમાં જેસીબી દાખલ કર્યું હતું. તેના માટે પાછળના ભાગે વાડ તોડી નાંખી હતી. આજ દિન સુધી વાડ રિપેર થઇ નથી અને ત્યાંથી રાત્રે નશેબાજો બાગમાં ઘૂસી જાય છે, તેમના કરતૂતોથી કેટલાક બાંકડા તૂટેલા દેખાય છે. બાગમાં સૂકાયેલા છોડવાઓ હટાવાયા નથી. કૂતરાંઓ બાગમાં ઘૂસી જઇને દોડધામ કરે તે દૃશ્ય સામાન્ય છે. બાગમાં ગાય ઘૂસવાને લીધે નાસભાગ થઇ હોવાનું પણ મુલાકાતીઓએ જણાવ્યું હતું. બગીચામાં લાઇટો ઘણી છે પણ ચાલુ જૂજ રહે છે. બાગના એક ખૂણામાં તો રાત્રે લાઇટ વિના અંધારા ઉલેચવા પડે છે. અન્ય બગીચાઓની જેમ આ બાગમાં પણ પાણીના નિકાલની વ્યવસ્થા નથી, પેવર બ્લોક્સ ઢીલા પડી ગયા છે. બાગમાં એક ઘડિયાળ મૂકાયું હતું પણ તે છેલ્લા ઘણા મહિનાઓથી બંધ છે.

  500

  રોજિંદા મુલાકાતીઓ

  બાગે બયાં... સિનિયર સિટિઝન્સ અને તેમના એસોસિયેશન દ્વારા જ મૂકાવેલા 250થી વધુ બાંકડા અવિચલ ઉદ્યાનમાં છે.

  તૂટેલી બાગની ફેન્સિંગ રિપેર ન થતાં રાત્રે પાછલા રસ્તે નશેબાજોનો પગપેસારો, બગીચાના કેટલાક ભાગોની બંધ લાઇટો શરૂ કરવા માગ

  દિવાળીપુરાનું અવિચલ ઉદ્યાન રસ્તા પરથી હરિયાળું દેખાય છે પણ નિયમિત આવતાં લોકોના મતે અહીં સમસ્યાઓ વધારે છે, અધિકારીઓ રૂબરૂ આવીને સમસ્યાઓ જોઇ ગયા છતાં મહિનાઓથી કોઇ કામગીરી કરવામાં આવી નથી

  વિસ્તાર : 7,901 ચોરસ મીટર

  13 વર્ષ જૂનો છે અા ગાર્ડન

  બાગનો ઇતિહાસ

  અવિચલ ઉદ્યાનનું ઉદઘાટન 10 ઓક્ટોબર, 2005ના દિવસે કરવામાં આવ્યું હતું. આ બગીચાના નિર્માણમાં બે દાતાઓએ અને પ્રાર્થના શેડ તથા બોરપંપ માટે દિવાળીપુરા સિનિયર સિટિઝન્સ એસોસિયેશન અને લાયન્સ ક્લબ ઓફ સ્ટડિયમ નામની સંસ્થાઓએ ફાળો આપ્યો હતો.

  બાગમાં આ સુવિધાની જરૂર છે

  મૂકાયેલું ઇ-ટોઇલેટ સત્વરે શરૂ કરવામાં આવે.

  બાગમાં પેવર બ્લોક્સની કામગીરીની જરૂર છે.

  બગીચામાં જ્યાં જ્યાં લાઇટો બંધ છે, શરૂ કરાય.

  ટોઇલેટમાં સફાઇ નિયમિતપણે થાય.

  પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવે.

  મુલાકાતીઓ કહે છે કે...

  શૌચાલયની સફાઇ થતી નથી, ફરિયાદ અર્થહીન

  આ બાગની સૌથી મોટી સમસ્યા જ શૌચાલયની સફાઇ થતી નથી તે છે. બીજી તરફ ઇ-ટોઇલેટ બંધ પડ્યું છે. ક્યારીના ભાગે સફાઇ કામગીરી દિવસો સુધી થતી નથી. બગીચાનો એક દરવાજો બંધ જ રહે છે કારણ કે તે તૂટેલો છે. કાંતાબહેન પટેલ, સ્થાનિક

  રાત્રે લાઇટો વિના જોખમરૂપ અંધારું

  રાત્રે લાઇટો બંધ હોવાની કમ્પ્લેઇન પણ અમે નોંધાવી છે પણ તે દિશામાં કોઇ કામગીરી થઇ નથી. પાર્ક્સ એન્ડ ગાર્ડનના સત્તાધીશો અહીં રૂબરૂ મુલાકાત લઇ ચૂક્યાં છે, કામગીરી થઇ જશે એવું કહ્યું હતું. પણ કોઇ કામગીરી કરવામાં આવી નથી. રાત્રે લાઇટ ન હોવાથી બાગમાં અઘટિત બનાવ બની શકે છે. હસમુખ શાહ, સ્થાનિક.

  સત્તાધીશો શું કહે છે...

  સિવિલ વર્કને અગ્રતાક્રમ અપાશે

  બગીચાની જે કાંઇ ફરિયાદો છે તેને દૂર કરવાના પ્રયાસો શરૂ કરાયા છે. બગીચાના દરવાજાનું અને ફેન્સિંગની કામગીરી શરૂ કરાશે. સિવિલ વર્કને લગતી કામગીરીને અગ્રતાક્રમ અપાશે. ભૂપેન્દ્ર શેઠ, ડાયરેક્ટર, પાર્ક્સ એન્ડ ગાર્ડન.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ