તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોચી પૂરમાં 5મા માળે ફસાયેલ વડોદરાના બે વિદ્યાર્થીનું રેસ્ક્યૂ

કોચી પૂરમાં 5મા માળે ફસાયેલ વડોદરાના બે વિદ્યાર્થીનું રેસ્ક્યૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર. વડોદરા

કેરળમાં અતિવૃષ્ટિથી આવેલા ભયાનક પૂરમાં કોચીના અલુવા ખાતે ફસાયેલા શહેરના બે વિદ્યાર્થીઓને શનિવારે એનડીઆરએફ દ્વારા બોટ મારફતે રેસ્ક્યૂ કરાયા હતા. પૂરને પગલે વીસ ફૂટ પાણી ભરાતાં 6 દિવસથી ભૂખ્યા -તરસ્યા ફલેટમાં પાંચમા માળે બચાવદળની રાહ જોતા હતા.

શહેરના જૂના પાદરા રોડ ખાતે રહેતા પરીક્ષિત જયભાઇ પંડ્યા અને કારેલીબાગ મૃદંગ સોસાયટીમાં રહેતા મિત્ર ભૌમિક પ્રવીણભાઇ રાજ સાઉન્ડ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે કેરળ ગયા હતા. ગત 3 તારીખે કોચીના કોરાપુરમ્ ખાતે આવેલા અલુવા ખાતે વૈભવી વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખી રહેતા બન્ને વિદ્યાર્થીઓ વિનાશક પૂરમાં અટવાતાંં માતાપિતાનો સંપર્ક સાદ્યો હતો. ભૌમિકના પિતા પ્રવીણભાઇએ મદદ માગતાં સાંસદ રંજનબેને ગુજરાત સરકાર, એનડીઆરએફ અને આરએસએસની બચાવટુકડીનો સંપર્ક કરી તુરંત મદદ મળે તે માટે પ્રયાસ કર્યો હતો. શનિવારે બપોરે એનડીઆરએફ દ્વારા એડ્રેસ મેળવી બન્ને યુવકોનેે બચાવી લેવાતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

અમારા ગળે કોળિયો ઉતરતો ન હતો
ઘરના અંદરના રૂમમાં સજળ નેત્રે બેઠેલાં ભાવનાબેને જણાવ્યું હતું કે , મારો પુત્ર ભૌમિક 6 દિવસથી જમ્યા વગર હતો. તેની પાસે પાણી પણ નહોતું. અમે સંપર્ક કરવા માગતાં હતાં. પરંતુ તેના ફોનની બેટરી માત્ર 9 ટકા હતી. જેથી સંપર્ક શક્ય ન હતો. તેમના ફ્લેટમાં ગેસ ન હતો. ઇન્ડક્સન ઉપર જમવાનું બનાવતા હતા. જે લાઇટ ન હોવાથી બંધ હતું. બાળકો ભૂખ્યા -તરસ્યા હોવાથી મારા ગળે કોળિયો ઉતરતો ન હતો.

સુરક્ષિત હોવાની જાણ થતાં હાશકારો થયો
વડોદરાના બે યુવાનો કેરળમાં અટવાયાના સમાચાર વાયુ વેગે ફેલાતાં ભૌમિકના સ્વજનો તેના નિવાસ સ્થાને દોડી આવ્યા હતા.ચિંતાતુર સ્વજનો સવારથી ભીની આંખો સાથે કેરળના સમાચાર અને બચાવ દળ સાથે સંપર્ક કરી રહ્યા હતા. દરમિયાન બપોરે ભૌમિકનો સુરક્ષિત બચાવ થયોનો ફોન આવતાં સ્વજનો સાથે પરિવારે મોઢું મીઠું કર્યું હતું.

શહેરના બે યુવાનો કેરળ પૂરમાં ફસાયા હતા તેમને NDRFની ટીમે બચાવ્યાના સમાચાર ઘરવાળાને મળતાં જ તેઓ ખુશખુશાલ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...