• Gujarati News
  • National
  • CA ફાઈનલ : ધૂંધળું આકાશ, 378માંથી 5 પાસ

CA ફાઈનલ : ધૂંધળું આકાશ, 378માંથી 5 પાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીએના વિદ્યાર્થીઓ ICAI વડોદરા ખાતે

40 વિદ્યાર્થીઓએ જુદા-જુદા એટેમ્પ્ટ કરી CAની ડિગ્રી મેળવી : ભણતર સાથે કવિતા કરનારા ટોપમાં રહ્યા
સિટી રિપોર્ટર | વડોદરા

સામાન્ય રીતે આંકડાઓ સાથે રમત રમતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓ પૈકી એવા વિદ્યાર્થીઓએ ફાયનલની પરીક્ષા પાસ કરી છે કે જેમણે આંકડા સાથે કળાને પણ મહત્વ આપ્યું છે. પરીક્ષાની તૈયારી દરમિયાન કવિતા, ગઝલ, સૂફી અને ગુજરાતી ગીતોનો સહારો લઇ વિદ્યાર્થીઓ જીત્યા છે. ગત મોડી રાત્રે જાહેર થયેલ સીએના પરિણામમાં શહેરમાં પ્રથમ આવનાર નુઝત તાઈ કહે છે કે, જીવન જયારે તમારી પાંખો કાપી નાખે, ત્યારે તમે દેખાડો કે હજુ તમે ઉભા રહી શકો છો. નુઝત બાદ શહેરમાં ટોપમાં આવનાર વિભુતી કોટક પોતાની કવિતા દ્વારા વિચારો વ્યક્ત કરતા જણાવે છે કે ‘શાંત બેસી સૌનું સાંભળી જીવે છે આખી દુનિયા, તું પણ આમ કરીશ, તો બદલિશ કેમ આ દુનિયાω, કહી દે આજે જે છે મનમાં ગુઝારીશ, કહી દે જગને, કે જિંદગી હું પણ જીવીશ’. આ કવિતા ટોપ કરનાર વિભુતીએ લખી છે. વડોદરાના કુલ 40 વિદ્યાર્થીઓએ CAનો ખિતાબ મેળવ્યો છે. જોકે એક જ ટ્રાયલમાં પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 5 રહી છે.

માતા-પિતાએ જીવનભર કુરિયર ડિલીવર કર્યા, દીકરીએ CA પાસ કરી જીવ ઠાર્યો
ભણવા ઉપરાંત અન્ય વાંચન અને આર્ટિકલ લખી રિલેક્સ થઇ
નુઝત તાઈ

શેફાલી પ્રજાપતિ, સીએ

મારા પિતા ઇલેક્ટિકલ એન્જીનીયર અને મોટા ભાઈ ડોક્ટર છે. સીએની પરીક્ષા આપવા રોજના 7થી 8 કલાકની મહેનત કરતી હતી. આ સાથે હું બીકોમની પણ તૈયારી કરતી હતી. બન્ને પરીક્ષાની તૈયારી કરતાં રિલેક્સ થવા માટે નોવેલ વાંચન અને આર્ટિકલ લેખન કરતી હતી. જેણે મારા ભણતર પર ઝાઝી સારી અસર પાડી છે.

કળા સાથે શિક્ષણ
મારા માતા અને પિતા મને અને મારા ભાઈ બહેનોને ભણાવવા છેલ્લા 15 વર્ષથી કુરિયર ડિલીવરી કરે છે. મારા પરિવારના સભ્યો, મિત્રો અને શિક્ષકો દ્વારા મને ઘણો સાથ અને સહકાર પ્રાપ્ત થયો છે. મારા દાદાની આર્થિક પરિસ્થિતિ સારી નહિ હોવાના કારણે મારા પિતા સીએ નહોતા બની શક્યા. મારા પિતાએ મારા ભણતર પાછળ અથાગ મહેનત કરી, જેથી હું આજે મારા પિતાના અધૂરા સ્વપ્નને પૂર્ણ કરી પ્રથમ પ્રયત્ને સીએ બની છું.

હાર્મોનિયમ વગાડ્યું, કવિતા લખી વિભૂતિએ CA પાસ કરી દીધું
પિતાનાં સપનાંઓ પૂરાં કરવાનો આનંદ જુદો છે
વિભૂતિ કોટક

એમ.કોમ એકાઉન્ટ અને ફાઇનાન્સ સાથે સીએ કરતી વખતે દિવસના 12થી 14 કલાકનું વાંચન કરતી હતી. એવા સમયે હું ક્યારેક મેડિટેશન અને યોગ દ્વારા મનને શાંત અને નિર્મળ રાખતી હતી. જ્યારે ક્લાસિકલ મ્યુઝિક અને ગુજરાતી સંગીત દ્વારા પણ મનને પ્રફુલ્લિત રાખતી હતી. હું ગાઇ શકું છું અને હાર્મોનિયમ પણ વગાડું છું.

વડોદરાનો ધબડકો
CAના ક્લાસીસ ન હોવાથી પરિણામ ઘટી રહ્યું છે : ચેરમેન
સિટી રિપોર્ટર | વડોદરા

નવેમ્બર 2017માં શહેરના 378 વિદ્યાર્થીઓએ CAના બંને ગ્રુપની પરીક્ષા એક સાથે આપી હતી. જેમાંથી ફક્ત 5 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વડોદરાનું સીએનું પરિણામ ફક્ત 1.32% જ આવ્યું છે. મે 2017માં લેવાયેલ પરીક્ષામાં 290 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 21 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતાં પરિણામ 7.24% આવ્યું હતું. ગત એક્ઝામ કરતાં પરિણામમાં 6%નો ઘટાડો આવ્યો છે જેનું કારણ દર્શાવતા આઈસીએઆઈ વડોદરા બ્રાન્ચના ચેરમેન હિતેશ અગ્રવાલે જણાવ્યુ હતું કે, સીએનો અભ્યાસ સ્કિલ બેઝ્ડ છે. જેમાં વિદ્યાર્થીએ જાતે જ ખુબ મહેનત કરવી પડતી હોય છે જેની માટે વિષયને અનુરૂપ મટીરીયલ ઈન્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવે છે. જો કે, મેટ્રો સીટી કરતા વડોદરામાં સીએને લગતા ઉત્તમ ક્લાસીસ ન હોવાને કારણે ભારતભરની સીએ બ્રાંચ કરતા શહેરનું પરિણામ એક થી પાંચ ટકા ઓછું આવે છે.

ICAI દ્વારા કોમર્સ વિઝાર્ડ 2018નું આયોજન કરાશે
કેરિયર કાઉન્સિલિંગ ગ્રુપ આઈસીએઆઈ દ્વારા આઈસીએઆઈ કોમર્સ વિઝાર્ડ 2018 અંતર્ગત ટેલેન્ટ સર્ચ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં ધોરણ 10, 11, 12, બીકોમ, બીબીએ અને બીએમએસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક થઈ જશે. બે લેવલમાં લેવામાં આવનાર આ પરીક્ષામાં ઉતીર્ણ થઈ પ્રથમ, દ્વિતીય અને ત્રીજા આવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે પંચોતેર, પચાસ અને પચીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...