ચણિયાએ 40 મિનિટ ટ્રેનનાં 2400 યાત્રીના જીવ અધ્ધર કર્યા

DivyaBhaskar News Network

Sep 16, 2018, 04:01 AM IST
Vadodara - ચણિયાએ 40 મિનિટ ટ્રેનનાં 2400 યાત્રીના જીવ અધ્ધર કર્યા
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

જામનગરથી સુરત જતી ઇન્ટરસિટી એકસપ્રેસ ટ્રેનના એન્જિનના પાછળના પેન્ટોગ્રાફ (એન્જિન અને ઓવરહેડ લાઇન વચ્ચે સંપર્ક સાધતી કડીની સિસ્ટમ)માં આજે બપોરના સમયે મહેમદાવાદ રેલવે સ્ટેશન ખાતે ચણિયો પડતાં ટ્રેનને રોકવી પડી હતી,જેના પગલે વડોદરા રેલવે ડિવિઝનના ટેક્નિકલ વિભાગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જો કે,આણંદ રેલવે સ્ટેશન ખાતે રેલવેના ટેક્નિકલ સ્ટાફે ચણિયાને પેન્ટોગ્રાફમાંથી સુરક્ષિત રીતે ઉતારી લીધો હતો . જામનગરથી સુરત- બાન્દ્રા જતી ઇન્ટરસિટી એકસપ્રેસ (ટ્રેન નં.22960) આજે સવારના સમયે અમદાવાદથી ઉપડી મહેમદાવાદ પહોંચી હતી ત્યારે રેલવે સ્ટેશનના ફૂટ ઓવર બ્રિજ પર સૂકવેલો ચણિયો એન્જિનના પાછળના પેન્ટોગ્રાફ પર પડ્યો હતો.જેના કારણે એન્જિનના લોકોપાઇલટ અને આસિસ્ટન્ટ પાઇલોટે તુરંત જ પેન્ટોગ્રાફ પરથી ચણિયો હટાવવા પ્રયાસ કર્યો હતો.પરંતુ ચણિયો ના હટાવી શકાતાં તુરંત જ વડોદરાના પ્રતાપનગર ખાતેના રેલવે કંટ્રોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.કારણ કે પેન્ટોગ્રાફમાં અટવાયેલી ચીજવસ્તુ કાઢવાનો ડેપો અને ટેક્નિકલ સ્ટાફ છેક આણંદમાં હતો.જેના પગલે ટ્રેનના બીજા પેન્ટોગ્રાફને થોડોક સમય ચાલુ રાખીને ટ્રેનને આણંદ રેલવે સ્ટેશન ખાતે લઈ જવાઈ હતી જ્યાં ટેક્નિકલ સ્ટાફે ચણિયાને સુરક્ષિત રીતે ઉતારી પેન્ટોગ્રાફને હેમખેમ રાખ્યું હતું.જેના કારણે ટ્રેનને આણંદ ખાતે 14 મિનિટ રોકવામાં આવી હતી.તેમજ ઇન્ટરસિટી એકસપ્રેસનાં 2400 મુસાફરોના જીવ મહેમદાવાદથી આણંદ સુધી 40 મિનિટ સુધી તાળવે ચોંટ્યા હતા. જાણકારેા કહે છે કે આવા સંજોગોમાં કેટલીક વખત ઓવર હેડ લાઇનનાે વીજ પ્રવાહ પણ ખોરવાઈ શકે છે.

ભાસ્કર વિશેષ

સેફ ઓપરેશન કરવામાં આવ્યું-ડીઆરએમ

આ ઘટનાથી ટ્રેન મોડી ના પડે અને કોઈ અન્ય અપ્રિય બનાવ ના બને તે માટે રેલવે તંત્ર દ્વારા તુરંત કાર્યવાહી કરાઈ હતી.આણંદમાં પેન્ટોગ્રાફને ક્લિયર કરાયું હતું.આ એક સેફ ઓપરેશન હતું જેને સફળતાપૂર્વક પાર પડાયું હતું. દેવેન્દ્રકુમાર,ડીઆરએમ,વડોદરા

બે મહિના પહેલાં મોર પેન્ટોગ્રાફમાં ફસાઈ જતાં રેલવે ટ્રેન મોડી પડી હતી

બે મહિના પહેલાં મહેમદાવાદ રેલવે સ્ટેશન ખાતે એક ટ્રેનના એન્જિનના પેન્ટોગ્રાફમાં મોર ફસાઈ જતાં તેનું મોત થયું હતું.મોર રાષ્ટ્રીય પક્ષી હોવાથી યોગ્ય નીતિ નિયમ મુજબ તેની અંતિમ ક્રિયા કરી દફનાવવામાં આવ્યો હતો.અંતિમ ક્રિયા સુધી ટ્રેનને રોકી રાખવામાં આવી હતી.

X
Vadodara - ચણિયાએ 40 મિનિટ ટ્રેનનાં 2400 યાત્રીના જીવ અધ્ધર કર્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી