• Gujarati News
  • ચૂંટણી વિલંબમાં પડે તેવી શક્યતાથી ભાજપના ટિકિટદાવેદારો દ્વિધામાં

ચૂંટણી વિલંબમાં પડે તેવી શક્યતાથી ભાજપના ટિકિટદાવેદારો દ્વિધામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાજિલ્લા ભાજપ દ્વારા વડોદરા જિલ્લા પંચાયત તેમજ આઠ તાલુકા પંચાયત અને બે નગર પાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા નિરીક્ષકો મારફતે પૂરી કરી દેવાઈ છે. પરંતુ ચૂંટણી વિલંબમાં પડે તેવી શક્યતાને કારણે નિરીક્ષકોની કાર્યવાહી બાદ યોજાનાર તાલુકા સંકલન સમિતિની બેઠક મુલતવી રખાતાં ઉમેદવારો પસંદ કરવાની આગળની પ્રક્રિયા ટલ્લે ચઢે તેવો ઘાટ સર્જાયો છે.

વડોદરા જિલ્લા પંચાયતની 36, જિલ્લાની 8 તાલુકા પંચાયતની 176 બેઠક અને 2 નગર પાલિકાના 16 વોર્ડની 64 બેઠક માટે ઉમેદવારો શોધવા માટેની કવાયત ભાજપ દ્વારા હાથ ધરાઈ હતી. જે અંતર્ગત વડોદરા જિલ્લા ભાજપ દ્વારા તા.15, 16 અને 17 સપ્ટેમ્બરે નિરીક્ષકોની 10 ટીમ તાલુકા મથકો ખાતે મોકલીને ચૂંટણી લડવા ઇચ્છુક વ્યક્તિઓને સાંભળવામાં આવી હતી. ઉપરાંત યોગ્ય ઉમેદવાર કયો હોઇ શકે તે માટે 2580 વ્યક્તિઓની રજૂઆતો સાંભળવામાં આવી હતી. કુલ-276 બેઠકો માટે 1136 વ્યક્તિઓએ ચૂંટણી લડવા માટેનો દાવો નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યો હતો.

વડોદરા જિલ્લામાં અગાઉના આયોજન મુજબ નિરીક્ષકોની પ્રક્રિયા બાદ તા.19-20-21 સપ્ટેમ્બરે તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાવાની હતી. બેઠકમાં નિરીક્ષકો પાસે ચૂંટણી લડવા માટેની આવેલી રજૂઆતો-દાવાઓની સ્ક્રૂટિની કરી ત્યારબાદ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં મોકલવામાં આવનાર હતી. જેમાં બેઠકદીઠ 3 થી 5 વ્યક્તિઓની પેનલ તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવાની પ્રક્રિયા થનાર હતી.

પરંતુ રાજ્યમાં કોર્પોરેશનની ચૂંટણી અટવાઈ પડતાં રાજ્ય સરકાર કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાનું જોખમ ખેડવા તૈયાર હોવાનું સપાટી પર આવ્યું છે. એક તરફ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન અને પાટીદારો પર પોલીસના અત્યાચારના મુદ્દે પાટીદાર સમાજ ભાજપથી નારાજ છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર ચૂંટણીમાં પાટીદારોના રોષનો ભોગ બનવું પડે તેની પૂરેપૂરી તકેદારી લઇ રહી છે. સંજોગોમાં રાજ્યમાં પંચાયતની ચૂંટણી હાલના તબક્કે નહીં યોજવા ભાજપનું એક જૂથ માની રહ્યું છે. જેથી પંચાયતની ચૂંટણી પણ વિલંબમાં પડે તેવી શક્યતા જોવાઇ રહી છે.

રાજ્યમાં કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણી હાલ નહીં યોજાય તેવી ચાલી રહેલી અટકળોને લઇ વડોદરા જિલ્લા ભાજપ દ્વારા તાલુકા સંકલન સમિતિની બેઠક હાલ પૂરતી મુલતવી કરી દેવાઇ હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે નિરીક્ષકો દ્વારા કરાયેલી ઉમેદવારો પસંદગી કરવાની પ્રક્રિયા બાદ ઉમેદવારોની પસંદગીેની આગળની કાર્યવાહી રાજ્યની વિપરીત રાજકીય પરિસ્થિતિને કારણે સ્થગિત થતાં રાજકીય નેતાઓની ભાજપમાંથી ચૂંટણી લડવાની મુરાદ હાલ પૂરતી બર નહીં આવે તેવું ચિત્ર ઉપસ્યું હોઇ સરકાર કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાનું જોખમ ખેડવા તૈયાર હોવાનું સપાટી પર આવ્યું છે.

ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારી કરનારા આગેવાનો

{ દિલુભા ચુડાસમા પૂર્વ ધારાસભ્ય

{ ઉપેન્દ્રસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય

{ ઇલાબા જાડેજા પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ

{ ઘનશ્યામ પટેલ-અંકોડિયા (વાઘોડિયા વિધાનસભા ચૂંટણીના જી.પી.પી.ના ઉમેદવાર)

{ કમલેશ પટેલ જિ.પં.સભ્ય-કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન

{ અશ્વિન પટેલ કોયલી, પૂર્વ ચેરમેન જિ.પં.કારોબારી સમિતિ

{ ધર્મેશ પંડ્યા મહામંત્રી જિલ્લા ભાજપ

{ કમલેશ પરમાર ઉપપ્રમુખ, જિલ્લા ભાજપ

{ શશીકાંત પટેલ મંત્રી-જિલ્લા ભાજપ

{ ડૉ.જશભાઇ પટેલ ઉપપ્રમુખ-જિલ્લા ભાજપ

{ ભવાનીસિંહ પઢિયાર દંડક-જિલ્લા પંચાયત

ઉમેદવારો પસંદ કરવા માટેની પ્રક્રિયા હવે ટલ્લે ચઢે તેવો ઘાટ સર્જાયો

વડોદરા જિલ્લામાં નિરીક્ષકોની કાર્યવાહી બાદ તાલુકા સમિતિની બેઠક મુલતવી