• Gujarati News
  • National
  • વડોદરા | અલકાપુરી શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક સંઘ ખાતે આવતીકાલે સવારે

વડોદરા | અલકાપુરી શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક સંઘ ખાતે આવતીકાલે સવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | અલકાપુરી શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક સંઘ ખાતે આવતીકાલે સવારે 8.30 કલાકે જૈનાચાર્ય પૂ.વિજય રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજના સાંનિધ્યમાં ભગવાન માટે બનાવાયેલો કાષ્ટનો કલાત્મક રથ સંઘને અર્પણ કરાશે. વડોદરા શહેરના જૈન દેરાસરોમાં કાષ્ટમાંથી બનાવાયેલો કલાત્મક રથ સૌ પ્રથમ છે. જેનું મહત્વ જૈન સમાજમાં ઘણું છે. રથમાં સોના વરખનો પણ ઉપયોગ કરાયો છે.

અલકાપુરી જૈન સંઘના અગ્રણી પ્રશાંત બિપિનભાઇ શાહ તરફથી ભગવાનનો રથ બનાવવાનો સંકલ્પ કરાયો હતો. જે અંતર્ગત મહારાષ્ટ્રના નાસિક પાસે આવેલા વણી ગામ ખાતે કુશળ કારીગરો દ્વારા કાષ્ટનો કલાત્મક રથ તૈયાર કરવામાં આવ્યો છે. રથ બનાવવા માટે 2 વર્ષનો સમય લાગ્યો હતો. સાગ અને સેવન-શ્રીપર્ણીના લાકડાંમાંથી નિર્માણ કરાયેલા રથમાં ભગવાનની બેઠકનું સ્થાન બનાવવામાં સુખડના લાકડાંનો ઉપયોગ કરાયો છે. રથ ઉપર કાષ્ટમાં કલાત્મક કોતરણી ઉપરાંત સોનાના વરખથી કામગીરી કરાઇ છે. હાલતું-ચાલતું શિખરબંધી જીનાલય લાગતા કાષ્ટના રથની વિશેષતા છે કે, રથને વૃષભ દ્વારા ખેંચીને લઇ જઇ શકાશે.

ઉપરાંત પવિત્ર વસ્ત્રોમાં સજ્જ શ્રદ્ધાળુ શ્રાવકો પણ પ્રસંગોપાત ખેંચીને લઇ જઇ શકશે.

ઉલ્લેખનીય છે કે, જીનાલયોમાં રખાતા ભગવાનના રથનો ઉપયોગ વિવિધ ધાર્મિક ઉત્સવો દરમિયાન કરવામાં આવે છે. જે અંતર્ગત ભગવાનનું સામૈયું, દિક્ષાર્થીનો વરઘોડો, અનુષ્ઠાનનો વરઘોડો, પર્યુષણનો વરઘોડો, તપસ્વીનો વરઘોડો અને મહાવીર જન્મકલ્યાણક પ્રસંગે યોજાતા વરઘોડામાં ભગવાનને બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા યોજાય છે.

ઉલ્લેખનિય છે કે, અલકાપુરી શ્વેતાંબર જૈન મૂર્તિ પૂજક સંઘને કલાત્મક કાષ્ટનો રથ આવતીકાલે અર્પણ કરાયા બાદ હવે સંઘના વિવિધ કાર્યક્રમોમાં કાષ્ટના બનેલા રથનો ઉપયોગ કરવામાં આવશે. સેવન અને શ્રીપાર્ણીના લાકડાંમાંથી બનાવાયેલા રથનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

સાથે વડોદરાના જૈન દેરાસરોમાં કાષ્ટમાંથી બનાવાયેલો કલાત્મક રથ સૌ પ્રથમ છે. જેનું મહત્વ જૈન સમાજમાં ઘણું છે.

અન્ય સમાચારો પણ છે...