• Gujarati News
  • National
  • સ્વામિનારાયણ મંદિરમાં 72મો પાટોત્સવ યોજાયો

સ્વામિનારાયણ મંદિરમાં 72મો પાટોત્સવ યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બી.એ.પી.એસ.ના સ્થાપક પૂ.શાસ્ત્રીજી મહારાજ દ્વારા સૌપ્રથમ પાંચ મંદિરોનું નિર્માણ કરાયું હતું. જેમાં બોચાસણ, સાળંગપુર, ગોંડલ, ગઢડા તથા અટલાદરાનો સમાવેશ થાયે છે.12 જુલાઈ 1945ના રોજ સ્થપાયેલા અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિરનો 72 મો પાટોત્સવ તિથિ મુજબ આજે સોમવારે ઉજવાયો હતો.

સંસ્થાના સદગુરુ સંત પૂ.ત્યાગવલ્લભ સ્વામી તથા અટલાદરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી ભાગ્યસેતુ સ્વામીના સાંનિધ્યમાં યોજાયેલ પાટોત્સવ પ્રસંગે ઠાકોરજીની પ્રતિમાને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પંચામૃત અભિષેક તથા મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપૂજામાં 1500થી વધુ હરિભક્તો સામેલ થયા હતા. ત્યારબાદ પાટોત્સવની મહાસભામાં સંસ્થાના સંતોએ હરિભક્તોને સંબોધન કર્યું હતું. સંબોધન કરતાં પૂ.ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, 72 વર્ષમાં મંદિરનો વિકાસ તો થયો છે. સાથે સાથે મંદિર થકી હરિભક્તોના ચારિત્રનું ઘડતર પણ થયું છે. શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાથી સંસ્થા દ્વારા છેલ્લાં 72 વર્ષોમાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યાં છે. જેનો લાભ શહેરના હજારો લોકોને મળ્યો છે તથા આવનારા દિવસોમાં પણ પ્રકારે સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રહે તેવી આશા છે.

અટલાદરા સ્થિત બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન(બી.એ.પી.એસ.) દ્વારા સંચાલિત સ્વામિનારાયણ મંદિરની સ્થાપના પૂ.શાસ્ત્રીજી મહારાજના હસ્તે કરવામાં આવી હતી. અટલાદરા સ્વામિનારાયણ મંદિરને પૂ.શાસ્ત્રીજી મહારાજ, પૂ.પ્રમુખસ્વામી મહારાજ તથા પૂ.મહંત સ્વામી જેવા મહાનુભાવોની પધરામણી તથા ઉપસ્થિતીનો લાભ મળ્યો છે. અટલાદરા સ્વામિનારાયણ મંદિરની પ્રવૃત્તિઓને પૂ.ત્યાગવલ્લભ તથા કોઠારી પૂ.ભાગ્યસેતુ સ્વામીએ વાગોળી હતી.

અટલાદરા મંદિરની સ્થાપના સાત દસકા પહેલાં શાસ્ત્રીજી મહારાજ દ્વારા કરાઇ હતી

અટલાદરામાં પંચામૃત અભિષેક તથા મહાપૂજા કરાઇ

પાટોત્સવમાં 1500થી વધુ હરિભક્તોએ લાભ લીધો