• Gujarati News
  • National
  • એરપોર્ટના રસ્તાનું પૂછી ગઠિયો ડિકીમાંથી 2.21 લાખ કાઢી ગયો

એરપોર્ટના રસ્તાનું પૂછી ગઠિયો ડિકીમાંથી 2.21 લાખ કાઢી ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુલતાનપુરામાંઆંગડિયા પેઢીના કર્મચારીને મને એરપોર્ટ જવું છે, રસ્તો બતાવો તેમ કહી હેલ્મેટધારી ગઠિયો સ્કૂટરની ડિકીમાંથી રોકડા રૂા. 2.21 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ જતાં વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ રાજસ્થાન શિરોહીના ભૂતગામમાં રહેતા મગનલાલ ગણેશભાઇ પ્રજાપતિ સુલતાનપુરામાં આવેલી રમેશ શંકરની આંગડિયા પેઢીમાં કામ કરે છે. ગત મંગળવારે આંગડિયા પેઢીનો કર્મચારી રાવપુરા મહાજનની ગલીમાં આવેલી પ્રીતિ કાર્ડ્સમાંથી રૂા.98,040 લઇને આવ્યો હતો. ત્યારબાદ તેણે જ્યુબિલીબાગ પાસેની આર. કાંતિ આંગડિયા પેઢીમાંથી રૂા. 1,23,780 લીધા હતા. બંને જગ્યાએથી લીધેલા રૂા. 2,21,820 તેણે એક્ટિવાની ડિકીમાં મૂકી સુલતાનપુરા સ્થિત પેઢી પર જવા નીકળ્યો હતો. સુલતાનપુરામાં ત્રિવેણી કોમ્પ્લેક્ષ પાસે એક્ટિવા પર સવાર 2 શખ્સો ઉભા હતા. સાંજે 7:15 વાગ્યાના સુમારે બંને પૈકી એક પ્રૌઢે મને એરપોર્ટ જવું છે, રસ્તો બતાવો તેમ કહ્યું હતું. કર્મચારી એક્ટિવા મૂકી ચાલતા ચાલતા આગળ જઇ રસ્તો બતાવતા હતા. દરમિયાન હેલ્મેટધારી અન્ય ગઠિયાએ તેમની નજર ચૂકવી એક્ટિવાની ડિકીમાં મૂકેલા રોકડા રૂા. 2,21,820ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીની ઘટનાની જાણ વાડી પોલીસને કરતાં પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ગઠિયા અગાઉથી પીછો કરતા હોવાની શંકા

વાડીપોલીસે સીસીટીવીનો અભ્યાસ કરતાં હેલ્મેટધારી શખ્સ આંગડિયા પેઢીના કર્મચારીનો પીછો કરતા હોવાનું જણાયું છે. સુલતાનપુરા આસપાસનો વિસ્તાર સીસીટીવી કેમેરાથી સજ્જ હોઈ પોલીસે જુદા-જુદા કેમેરાના ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે. અલબત્ત, હજુ સુધી કોઇની કડી નહિ મળી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી બંને ગઠિયાની શોધ આદરી

સુલતાનપુરામાં આંગડિયા પેઢીના કર્મચારીને ગઠિયાનો ભેટો

અન્ય સમાચારો પણ છે...