• Gujarati News
  • National
  • બાંગ્લાદેશી ગેંગને મકાન ભાડે અપાવનાર શખ્સોની શોધખાેળ

બાંગ્લાદેશી ગેંગને મકાન ભાડે અપાવનાર શખ્સોની શોધખાેળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| ઓછી કિંમતમાં રિયાલ આપવાનું જણાવી છેતરપિંડી આચરતી બાંગ્લાદેશી ગેંગના ચાર સાગરીતોની ગઇકાલે પોલીસે ધરપકડ કરાયા બાદ આજે આ તમામ આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરી હતી. રિમાન્ડની માગણી કરતાં જ્યુ.મેજિ.એ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઓછી કિંમતે રિયાલ આપવાનું જણાવનાર મુખ્ય સૂત્રધાર ફરાર
પોલીસે બાતમીના આધારે ગઇકાલે વાસણા રોડ પર પંચમુખી હનુમાનજી મંદિર પાસે વોચ ગોઠવી મોહંમદ મુશરફ લેસકોર મુતબર, અસલમ નરુદ્દીન એકોન, રોની સોહરાબ મુનશી અને નુરજમાલ મહંમદ જોઇન મુલ્લા (તમામ રહે, બાંગ્લાદેશ)ને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી 4 પાસપોર્ટ, 4 મોબાઇલ અને 27700 રોકડા ઉપરાંત અલગ અલગ કંપનીનાં 36 સિમ કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ તથા 100 રિયાલની 10 નોટ, 20 ડોલરની 26 નોટ, બાંગ્લાદેશી ચલણ 100 ટકાની 3 નોટ અને 20 ટકાની 1, 5 ટકાની 1 નોટ તથા કોરા કાગળોનું રીલ જપ્ત કર્યું હતું.

પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ શખ્સોએ વિઝિટર વિઝા મેળવી ચાર માસ પહેલાં બસ દ્વારા ભારતમાં પ્રવેશ કર્યો હતો અને કોલકાતા, દિલ્હી, બેંગ્લોર અને વડોદરા જેવાં શહેરોમાં ફરી કોરા કાગળોનાં બંડલો પર રિયાલની બે થી ત્રણ સાચી નોટ મૂકી લોકોને ઓછી કિંમતમાં વેચી દઇ મોટી રકમ પડાવતા હતા.

આજે આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતાં રજૂઆત કરી હતી કે, છેતરપિંડીની રકમ રિકવર કરવાની બાકી છે. આરોપીઓએ શહેરના તાંદલજા વિસ્તારમાં મકાન ભાડે રાખ્યું હતું તો આ મકાન ભાડે તેમણે કેવી રીતે લીધું હતું અને તેમાં અન્ય કેટલા શખ્સ સામેલ છે ω તે દિશામાં તપાસ કરવાની છે.

અત્રે ઉલ્લેખનિય છે કે વિદેશી કરન્સી ક્યાંથી લાવવામાં આવી હતી ω અને મુખ્ય સૂત્રધાર સિકંદર ફરાર હોઈ તેની તપાસ કરવાની છે. જ્યુ.મેજિ.એ તમામ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પાસપોર્ટ મળતાં આરોપીઓની શોધખોળ
પોલીસે ગઇકાલે રેડ પાડતાં મકાનમાંથી કેટલાક બાંગ્લાદેશી પાસપોર્ટ પણ મળી આવ્યા હતા પરંતુ જે શખ્સોના પાસપોર્ટ મળી આવ્યા હતા તે શખ્સો ઝડપાયા ન હોવાના કારણે પોલીસે તેમની પણ શોધખોળ હાથ ધરી છે. તેમજ આ તમામ બાંગ્લાદેશી શખ્સોની પ્રવૃત્તિ અંગે પણ પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

ડોક્યુમેન્ટ ક્યાં બનાવ્યા તે તપાસનો વિષય
પોલીસે આરોપીઓ પાસેથી ભારત દેશના પુરાવાઓ તરીકે માન્ય આધાર કાર્ડ અને પાન કાર્ડ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હોવાના કારણે આ પુરાવાઓ ક્યાં અને કેવી રીતે તેમજ કોની પાસે બનાવવામાં આવ્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓની ઓળખ પરેડની પણ કાર્યવાહી હાથ ધરી છે.