ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

વિદ્યાર્થીના મોતની ઘટનાથી લોકોનો રોષ પારખી ગયેલી પોલીસે રવિવારે અમિતનગર સર્કલ પાસે ટ્રાફિક જામ કરીને ઉભી રહેતી શેરીંગ ટેક્સીને હટાવવાનું શેરી નાટક ભજવ્યું હતું. જોકે, માત્ર અમિતનગરથી જ 100 થી વધુ શેરીંગ ટેક્સી ચાલકો વડોદરા-અમદાવાદ વચ્ચે ફેરી મારી રહ્યા છે. જે પેટે પોલીસના ખિસ્સામાં મહિને રૂા. 5.50 લાખથી વધુ જઇ રહ્યા છે. એક અંદાજ મુજબ, એક કારમાં એક મુસાફરનો જીવ જોખમમાં મુકવાનું રોજ 18 રૂપિયાનું ભરણ પોલીસ લઇ રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અમિતનગરથી દરરોજ વડોદરાથી અમદાવાદ વચ્ચે દોડતી શેરીંગ ટેક્સીનું વડોદરા પોલીસ રૂા. 3000 અને અમદાવાદમાં રૂા. 2500 નું પોલીસ ભરણ લઇ રહી છે. મહિને રૂા. 5500ના ભરણમાં પોલીસે ટેક્સી ચાલકોને લીલીઝંડી આપી છે. એટલે કે રોજના રૂા. 183ના ભરણમાં કાર ચાલક પોલીસની હાજરીમાં 10 મુસાફરોની બિન્દાસ્ત ફેરી મારી શકે છે, જેથી રોજનું માથાદીઠ 18 રૂપિયાના સરવૈયાનો અંદાજ છે. આમ તો, વડોદરાથી અમદાવાદ વચ્ચેનું રૂા. 80નું ભાડુ હોય છે. જોકે, શનિ-રવિના રજાના દિવસમાં અા ભાડુ 120 થી 150 રૂપિયાનું વસૂલાતનું બોનસ પણ મળતું હોવાનું સૂત્રોઅે કહ્યું છે. વડોદરામાં આ ભરણ સયાજીગંજ, સમા, ટ્રાફિક અને જિલ્લા પોલીસમાં વહેંચાઇ રહ્યું છે જ્યારે અમિતનગર પોઇન્ટ હરણી પોલીસ સ્ટેશનમાં આવે છે પણ હાલ હરણી પોલીસે ભરણને સ્ટોપ સિગ્નલ આપ્યું હોવાનું સૂત્રોઅે જણાવ્યું હતું.જે પૈકી સમા પોલીસનું ભરણ રવિરાજ અને અન્યનું જગમાલ નામનો શખ્સ ઉઘરાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...