માંજલપુરમાં કબીર સમાધિ મંદિરનો ઉદઘાટન મહોત્સવ
વડોદરાશહેરના માંજલપુર વિસ્તારમાં હિમજા તળાવ પાસે નવનિર્મિત સદગુરુ કબીર સમાધિ મંદિરના ઉદઘાટન તેમજ મૂર્તિ સ્થાપના મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવની સાથે પૂ.ગુરુદેવ મહંત શ્રી મુક્તજીવનદાસજી સાહેબના ભંડારા પ્રસંગ તેમજ શીયાબાગ મંદિરના પૂર્વ ગુરુજનોની સ્મૃતિમાં એકોતરી આરતી પણ યોજાનાર છે. સોમવાર તા.2 થી ગુરુવાર તા.5 ઓક્ટોબર સુધી યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં સંતો-મહંતો તેમજ રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.
મહંત પ્રિતમદાસજીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,માંજલપુર સ્થિત સદગુરુ કબીર મંદિરનું નવનિર્માણનું કાર્ય પૂરું થયું છે. જેથી શીયાબાગ કબીર મંદિરના ગુરુજનો, ભક્તજનો અને આયોજન સમિતિ દ્વારા નવનિર્મિત મંદિરનો ઉદઘાટન તેમજ મૂર્તિ સ્થાપના મહોત્સવ, પૂ.મુક્તજીવનદાસજી સાહેબનો ભંડારા પ્રસંગ અને પૂર્વ ગુરુજનોની સ્મૃતિમાં એકોતરી આરતીનું આયોજન કરાયું છે.
માંજલપુર કબીર સમાધિ મંદિરનું ઉદઘાટન તેમજ મૂર્તિ સ્થાપના મહોત્સવ કબીરપંથ આચાર્ય પૂ.અર્ધનામ સાહેબ તથા પૂ.ધર્માધિકારી શ્રી સુધાકર શાસ્ત્રી તેમજ કબીરપંથ સમાજના મહંત સાહેબોના સાંનિધ્યમાં ઉજવાશે. બુધવાર તા.4 ઓક્ટોબરે યોજાનાર કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજ, વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી, હરિધામ સોખડાના પૂ.હરિપ્રસાદ સ્વામી, અટલાદરા બીએપીએસ મંદિરના કોઠારી પૂ.ભાગ્યસેતુ સ્વામી, પૂ.દર્શન વલ્લભ સ્વામી અને ભાવદાસ સ્વામિની જગ્યાના પૂ.કુલદીપ સ્વામી મહારાજ ઉપસ્થિત રહેશે.
ઉપરાંત તા.4 ઓક્ટોબરે યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા, જશવંતસિંહ ભાભોર, રાજ્ય સરકારના મંત્રીઓ ગણપત વસાવા, રાજન્દ્ર ત્રિવેદી, બચુભાઇ ખાબડ તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ભાગ લેશે.તા.5 ઓક્ટોબરે પૂ.મહંતશ્રી મુક્તજીવનદાસજી સાહેબની પુણ્યતિથીનો અવસર ઉજવાશે. મહોત્સવના પ્રારંભે સોમવાર તા.2જી ઓક્ટોબરે સવારે 9.30 કલાકે પોલો મેદાન ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પરથી પસાર થઇ માંજલપુર કબીર મંદિર આવશે. મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભાગ લેશે તે આયોજકોએ જણાવ્યું હતું.
તા.2 થી 5 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે
સોમવારે પોલો ગ્રાઉન્ડ પરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે