જામીન મળશે તો સાવંત વિદેશ ભાગી જશે : તપાસ અધિકારી
ઉલ્લેખનીય છે કે, એ.સી.બી.એ લાંચ કેસમાં મનસુખ શાહ તેમજ તેના મળતિયા વિનોદ ઉર્ફે ભરત સાવંત તેમજ અશોક ટેલરની ધરપકડ કર્યા બાદ હાલ ત્રણે જેલમાં છે. જેલમાં રહેલા ભરત સાવંતે જામીન અરજી દાખલ કરતાં આજે અદાલતમાં દલીલો થઇ હતી. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, બચાવ પક્ષના વકીલ કહે છે કે, ટ્રાયલ ક્યારે શરૂ થશે તેની જાણ નથી પરંતુ અમે ટ્રાયલ ચલાવવા માટે તૈયાર છીએ. એક આરોપી ભલે નાસતો ફરતો હોય પરંતુ ટ્રાયલ દરમિયાન 299 હેઠળ એવિડન્સ રેકોર્ડ કરી શકાય છે.
જામીન અરજીમાં તપાસ અધિકારી ટી.કે.પટેલે પણ સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં મુખ્યત્વે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ભરત સાવંત મનસુખ શાહ સાથે છેલ્લાં 22 વર્ષથી સંપર્કમાં છે. અરજદાર ભરત સાવંતે રૂા.20 લાખની રોકડ રકમ સ્વીકારી છે. તેની ઓફિસમાંથી નાણાં ગણવાનું મશીન પણ મળી આવ્યું છે.મનસુખ શાહનો રાજ્ય સેવક તરીકે સમાવેશ થાય છે અને અને તેણે ભરત સાવંત મારફતે લાંચની રકમ સ્વીકારી છે. મનસુખ શાહે માનવતા નેવે મૂકી વિદ્યાર્થીઓના ભવિષ્યને હોડમાં મૂકી વાલીઓ પાસેથી મોટી રકમ મેળવી છે અને તેમાં હાલના અરજદારે મદદ કરી છે.
અગાઉ મનસુખ શાહ અને અશોક ટેલરની જામીન અરજી નામંજૂર થઇ છે. ચેરિટી કમિશનર તેમજ ઇ.ડી. સહિતની અેજન્સીઓ દ્વારા હાલ તપાસ ચાલી રહી છે ત્યારે જો જામીન આપવામાં આવે તો સાક્ષીઓને ફોડી નાંખવામાં આવશે. અરજદાર સામે ગંભીર પ્રકારનો ગુનો છે અને જો તેને જામીન આપવામાં આવે તો તે વિદેશ ભાગી જાય તેવી સંભાવના છે.
ભરત સાવંતના જામીન અંગે 30મીએ ચુકાદો : મનસુખે માનવતા ના દાખવી
આરોપીને જામીન મળશે તો તે સાક્ષીઓને ફોડશે : સરકારી વકીલ