• Gujarati News
  • National
  • રણોલીમાં ટેન્કરોનાં સીલ તોડી કેમિકલ ચોરતા 4 જણા ઝડપાયા

રણોલીમાં ટેન્કરોનાં સીલ તોડી કેમિકલ ચોરતા 4 જણા ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલાથી દહેજ ખાતે કેમિકલ લઇને જતી ટેન્કરોમાંથી મોટા પાયે કરાઇ રહેલી કેમિકલ ચોરીનો શહેર પોલીસે પર્દાફાશ કર્યો છે.રણોલી ગામમાં આવેલ એમ.કે. પટેલ એસ્ટેટમાં ટેન્કરોનાં સીલ તોડીને ચોરી કરાયેલા 800 લિટરના કેમિકલ સહિત 33 લાખના મુદ્દામાલ સાથે કેમિકલની ચોરી કરતી ટોળકીના 4 સાગરીતોને ઝડપી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

રણોલી ખાતે આવેલ એમ.કે. પટેલ એસ્ટેટના કમ્પાઉન્ડમાં કેમિકલ ભરેલી ટેન્કરોમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલતું હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે મંગળવારે મધરાતે દરોડો પાડતાં ચાર શખ્સ બે ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરતા ઝડપાઇ ગયા હતા. જીએમબીઆઇ નામનું કેમિકલ કંડલાથી દહેજ ખાતે લઇ જવામાં આવતું હતું. ટેન્કરોના ચાલકો સાથે કાલા સોનાની ચોરી કરતી ટોળકીએ હાથ મિલાવીને ટેન્કરોને રણોલી ખાતે આવેલ એમ.કે. પટેલ એસ્ટેટના કમ્પાઉન્ડમાં લઇ જવામાં આવતી હતી. જ્યાં કેમિકલ ટેન્કરના વાલ્વને તોડીને પાઇપ દ્વારા કારબાઓમાં કેમિકલ ભરીને ખુલ્લા બજારમાં વેચી મારતા હતા. કૌભાંડમાં ભરત ચાવડા, મનિષ પટેલ, ચાવીરામ ચૌધરી અને પન્નારામ ચૌધરીની ધરપકડ કરી છે. સાથે ટેન્કરોમાંથી ચોરી કરેલ 800 લિટર કેમિકલ ભરેલા બેરલ, 4 કારબા, 3 મોબાઇલ ફોન અને બે ટેન્કરો મળી 33,00,800 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોરી કરાતું કેમિકલ કઇ કંપનીમાં અને કયા ભાવે વેચતું તેની વિગતો બહાર આવી શકે છે.

જવાહરનગરમાં કેમિકલ ચોરી કરતા 4 ઝડપાયા, આરોપીઓ દહેજથી કંડલા જતી ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરતા હતા.

ચોરી થયેલું 800 લિટર કેમિકલ ક્યાં વેચવાનું હતું તેની તપાસ

એમ.કે.પટેલ એસ્ટેટમાં મોટા પાયે કેમિકલની ચોરી થતી હતી

અન્ય સમાચારો પણ છે...