• Gujarati News
  • National
  • ડીપીઆર અને ટેન્ડર વેલ્યુ વચ્ચેના તફાવતના કારણે પાલિકા પર 275 કરોડનું વધારાનું ભારણ

ડીપીઆર અને ટેન્ડર વેલ્યુ વચ્ચેના તફાવતના કારણે પાલિકા પર 275 કરોડનું વધારાનું ભારણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારી ગ્રાન્ટ આધારિત પ્રોજેકટના રિપોર્ટ આધારે 30 ટકાનો ફાળો પાલિકાના શિરે હોય છે ત્યારે તેમાં પણ પાલિકાના સત્તાધીશોએ વેઠ ઉતારી છે અને તેના કારણે 30 ટકાનો ફાળો 48 ટકા પર પહોંચી ગયો છે. આ વધારાના ફાળાના કારણે પાલિકા પર 275 કરોડ રૂપિયાનો બોજો વધુ આવ્યો છે. આ વધારાનો બોજાનાં નાણાંથી પાલિકા સ્વખર્ચે 183 કિલોમીટર નવા રોડ અથવા ત્રણ કિલોમીટરની લંબાઇમાં ફલાય ઓવર અથવા 4583 ટ્યૂબવેલ બનાવી શકે છે. એટલું જ નહીં, આ નાણાંની બચત કરવામાં આવે તો ત્રણ વર્ષ સુધી કોઇ વેરા નાંખવાની જરૂર પડે નહીં.

કેન્દ્ર સરકારની તત્કાલીન નૂર્મ યોજનામાં મૂળ ડીટેઇલ પ્રોજેકટ રિપોર્ટના 50 ટકા રકમ કેન્દ્ર સરકાર, 20 ટકા રાજ્ય સરકાર અને 30 ટકા ફાળો સ્થાનિક સંસ્થાનો રાખવામાં આવ્યો હતો. આ બાબતનો ઉદ્દેશ એવો હતો કે સ્થાનિક સંસ્થા વિકાસનાં કામો સરકારના ફાળાથી કરી શકે અને તેના આધારે ડીપીઆર બનાવવાનો હતો. પરંતુ, પાલિકાના સત્તાધીશોએ, બીએસયુપીના આવાસો, ફલાય ઓવર, પાણી પુરવઠા,સુવરેઝ,સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વરસાદી ગટરની કામગીરીના કુલ 1410.94 કરોડ રૂપિયાના ડીપીઆર બનાવ્યા હતા. જે મુજબ 50 ટકા લેખે કેન્દ્ર સરકારનો ફાળો રૂા.688.93 અને 30 ટકા મુજબ 354.11 કરોડ રૂા.નો ફાળો પાલિકાનો નિર્ધારિત કરાયો હતો.જ્યારે,રાજ્ય સરકારનો 20 ટકા ફાળો રૂા.282.19 કરોડ નિર્ધારિત થયો હતો.

પરંતુ, પાલિકાના જુદા જુદા વિભાગોના આવેલા લોએસ્ટ ટેન્ડર્સની કુલ વેલ્યુ રૂા.1870.59 કરોડ પર પહોંચી હતી અને તેના કારણે તેના તફાવતનાં નાણાનો તોતિંગ ભાર પાલિકાની તિજોરી પર આવ્યો છે. હાલમાં 1599.34 કરોડ રૂપિયાનું ચૂકવણું તબક્કાવાર રીતે કરી દેવાયું છે અને હજુ 138.85 કરોડ રૂપિયાનું ચૂકવણું નવા નાણાકિય વર્ષમાં થશે તેવો અંદાજ મૂકાયો છે.

પાલિકાએ 4583 ટ્યૂબવેલ્સ બને તેટલાં નાણાંનો વેડફાટ કરી નાખ્યો
જો આ નાણાંની બચત થઇ હોત તો પાલિકાને ત્રણ વર્ષ સુધી કોઇ વેરો ઉઘરાવવાે ન પડતો
કયા પ્રોજેકટમાં કેટલું ભારણ આવ્યું?
પ્રોજેકટ ડીપીઆર ટેન્ડર વેલ્યુ પાલિકાનો વધુ ફાળો

પાણીપુરવઠા Rs.4104.88 Rs.5667.97 Rs.2794.55

આજવા પ્રતાપપુરા Rs.2870 Rs.3042 Rs.172.17

પા.પુ સોર્સ ઓગમેન્ટેશન Rs.3688 Rs.3880.80 Rs.192.80

24 x 7 પાણી Rs.6345.70 Rs.11470.61 Rs.5124.91

પા.પુ સપ્લિમેન્ટરી Rs.2059.26 Rs.3737.26 Rs.1678

સુવરેઝ-1 Rs.10514.93 Rs.15153.72 Rs.4638.79

સોલિડ વેસ્ટ Rs.3098.54 Rs.3394.65 Rs.296.11

15 આંગણવાડી Rs.131.37 Rs.195.08 Rs.50.96

સરવે Rs.7 Rs.63.81 Rs.54.83

જેતલપુર બ્રિજ Rs.1968 Rs.2672 Rs.704.90

નવાયાર્ડ બ્રિજ Rs.1396 Rs.1853 Rs.457

લાલબાગ બ્રિજ Rs.4572 Rs.5571.16 Rs.502.16

કલાલી બ્રિજ Rs.4435 Rs.5856 Rs.1421

વરસાદી ગટર Rs.14594.56 Rs.23908.23 Rs.9313.67

વોટર સપ્લાય સિસ્ટમ Rs.12385.32 Rs.13787.05 Rs.1401.73

કેમ આવું થયું?
ખર્ચ આકારવામાં થાપ ખાઇ ગયા
સરકારમાં મંજૂરી માટે ડીટેઇલ્ડ પ્રોજેકટ રિપોર્ટ મૂકવાનો હોય ત્યારે બજારમાં ચાલતી સ્થિતિ મુજબ ખર્ચ આકારી તેના આધારે ટેન્ડર મંગાવવાનાં હોય છે. પરંતુ, બજારમાં ચાલતી સ્થિતિનો કયાસ મેળવવામાં પાલિકાનું તંત્ર ઊણું ઉતર્યું અને તેથી આર્થિક રીતે પાયમાલની દિશામાં આગળ ધપી રહેલી પાલિકાની તિજોરીમાં તફાવતનાં નાણાંનો બોજો આવ્યો. 1410.94 કરોડના ડીપીઆરના 30% મુજબ રૂા.354.11 કરોડનું ભારણ હતું, ટેન્ડર વેલ્યુ ઊંચી રહેતાં વધુ 275 કરોડનું ભારણ આવતાં કુલ ખર્ચ684 કરોડ થયો છે.

તમામ રૂિપયા લાખમાં

કેવી રીતે મૂકી ગણતરી?
1 કિમી ડામર રોડ બનાવવો હોય તો 1.50 કરોડ રૂા.નો ખર્ચ થાય છે. તે મુજબ 275 કરોડ રૂપિયાના ખર્ચે 183 કિલોમીટર પાકા રોડ બની શકે છે

એક ટ્યૂબવેલ બનાવવા પાછળ 6 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે તે મુજબ 4583 ટ્યૂબવેલ બની શકે છે

1 વર્ષમાં Rs.80 કરોડના વેરાના વધારા પ્રમાણે 275 કરોડની બચતમાંથી તો ત્રણ વર્ષ સુધી કોઇ વેરા ઝીંકવાની જરૂર પડે નહીં.

વિશ્વામિત્રી નદીમાં ગંદા પાણીનો નિકાલ કરવાનો ખર્ચ રૂા.40 કરોડનો થાય ત્યારે સાત વખત આ કામગીરી કરી શકાય તેટલો ખર્ચ વેડફાયો છે.

અન્ય સમાચારો પણ છે...