• Gujarati News
  • National
  • જાપાનીઓને લાગ્યો કેસર હાફુસ કેરીનો ચટાકો

જાપાનીઓને લાગ્યો કેસર-હાફુસ કેરીનો ચટાકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિપ્તના રાજા જે ‘કિંગ ફારૂક’ તરીકે ઓળખાતા હતા તે થોડી સાહિત્યકાર જેવી ભાષા પણ બોલતા. તેમણે 10-4-1950ના કહેલું કે જગતમાં માત્ર પાંચ રાજાઓ રહેશે. એક તો ઇંગ્લેન્ડના રાજા કે રાણી હંમેશાં રહેવાના છે અને પછી ગંજીપાના ચાર એક્કા-હુકમના પાનાના કિંગ રહેવાના છે. પણ રાજા ફારૂકને કહેવાની જરૂર હતી કે હજી એક રાજા બાકી રહે છે અને તે છે ‘કિંગ ઑફ ફ્રૂટ’ ફળોનો રાજા કેરી છે અને તેમાં હાફુસ અને કેસર કેરી સદાય ફળના રાજા તરીકે જીવતી રહેશે. જાપાની લોકો જેમણે વર્ષો સુધી ભારતની કેરી માટે દરવાજા બંધ કર્યા હતા તેમણે હાફુસ અને કેસર કેરી માટે હવે દરવાજા ખુલ્લા કરી નાખ્યા છે. પાબ્લો પિકાસોએ કહેલું કે ટેસ્ટ ઇઝ એનિમી ઓફ ક્રિએટિવનેસ. સર્જકતાનો દુશ્મન માનવીની ખાવાની વાનગીનો સ્વાદ છે. ચીનાઓ અને જાપાનીઓ ખાવાના એટલા શોખીન છે કે મસાલો અને સૉસ નાખીને ગમે ખાઈ લે છે. જાપાનીઓને જ્યારે ભારતની કેસર કેરી અને હાફુસ કેરી ચખાડી ત્યારે તેણે ખાવાનો તંદુરસ્ત ટેસ્ટ જાણ્યો.

જગતમાં 1000 જાતની કેરી પાકે છે, પણ તેમાં ભારતની કેરીનો નંબર પ્રથમ છે. ભારતમાં 1.51 ટન કેરી પાકે છે. તેમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં 13 લાખ ટન કેરી પાકે છે. જાપાનીઓએ કેસર હાફુસ ઉપરાંત રાજાપુરી, તોતા, દશેરી, લંગડો, નીલમ અને બદામ, જમાદાર અને વનરાજ તરીકે ઓળખાતી કેરીનાં નામ શોધી કાઢ્યાં, પણ જાપાનીઓને લાગી હોય તો હાફુસ, જમાદાર, વનરાજ અને કેસર લાગી છે. વડોદરા રાજ્યની આસપાસ ‘વનરાજ’ કેરી પાકે છે અને વડોદરા રાજ્યનાં ગામડાંમાં કેરી ખૂબ ખવાય છે. ફળના રાજા કેરીનાં ઘણાં નામો ફરીથી યાદ કરો: આમ્રપાલી, લખનવી, રૂમાની, જહાંગીરી, શરબતી, રસગુલ્લા, કાજુ અને ખટ્ટામીઠા.

જાપાને આર્થિક રીતે મદદરૂપ થવા બાંગ્લાદેશની રંગપુર વિસ્તારની કેરીનો સ્વાદ ચાખવા પણ કબૂલ્યું છે અને બાંગ્લાદેશની ‘રંગપુરી કેરી’ આયાત પણ કરે છે. એમ તો બ્રાઝિલ, ક્યુબા અને ઓસ્ટ્રેલિયામાં પણ કેરી પાકે છે, પણ કેસર-હાફુસ સામે પાણી ભરે. ઓસ્ટ્રેલિયામાં એક અનોખી જાતની કેરીની હરરાજી થઈ, તો જાપાનીએ 3 લાખ યેનમાં 350 ગ્રામ વજનની બે કેરી ખરીદી હતી. કદાચ તે ધનિક જાપાનના રાજા કે રાણીને આટલી મોંઘી કેરી ભેટ આપવા માગતો હશે. 2008માં એક જાપાનીએ બે તરબૂચની કિંમત 25 લાખ યેન આપેલ હતી.

તિરુપતિના કેરીના નિકાસકારો એક જુદી વાત કહે છે, કે જાપાનમાં લોકો કેરી નહીં પણ કોઈ પણ રીતે આરોગ્યને હાનિ કરે તેવો કેરીનો તૈયાર રસ કેમિકલ અને મેડિકલ ટેસ્ટ કરીને આયાત કરે છે. કેરીનો તૈયાર રસ દ.આફ્રિકા, મેક્સિકો પણ જાપાનમાં નિકાસ કરે છે. તેના ભાવ એક કિલો કેરીના રસના ભાવ 1200 ડોલર લે છે. જાપાનનું કૃષિ અર્થતંત્ર જાણનારાઓ કહે છે કે જાપાન ખાદ્ય ચીજો અને ફળ-અનાજમાં માત્ર 40 ટકા સ્વાવલંબી છે. બાકીની ખાદ્ય ચીજો અને ફળો જાપાનમાં આયાત કરે છે. ભારતીય નિકાસકારોને જાપાનમાં કેરી નિકાસ કરવી ખૂબ ગમે છે. જાપાનનું આરોગ્ય ખાતુ ભારતીય કેરી તેમજ શાકભાજીને જાપાનમાં લઈ જતાં પહેલાં વેપર હીટ ટ્રીટમેન્ટ આપવાનો આગ્રહ રાખે છે. પ્રક્રિયામાં કોઈ કેમિકલ્સ વપરાતાં નથી. ‘વેપર હીટ ટ્રીટમેન્ટ’ પછી કેરી તેમજ ભારતના પપૈયા આયાત થાય છે. તેને પ્રથમ ગરમ પાણીની વરાળથી જંતુમુક્ત કરાય છે.

બધી માથાકૂટ કરીને ફળના રાજા કેરીનું અપમાન કરવા ભારતીય નિકાસકારો માગતા નહોતા, પરંતુ ‘એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી’ નામના ભારતીય તંત્રે આગ્રહ રાખ્યો કે જાપાનીઓ તેમજ જાપાનમાં વસતા ભારતીયો અને એશિયના તેમજ યુરોપિયનોને ભારતની કેરીનો સ્વાદ ચખાડવો જોઈએ. વેપર હીટ ટ્રીટમેન્ટ મોંઘી છે. પણ હવે નિકાસકારો મોંઘી પ્રોસેસ કરે છે. એટલે હવે હાફુસ, કેસર, બંગનપલ્લી, લંગડો અને મલ્લિકા જાતની પ્રોસેસ કરેલી કેરી જાપાન આયાત કરે છે તેમ અહેવાલો કહે છે. 2017માં 150 મેટ્રિક ટન કેરી કે કેરીનો પલ્પ (રસ) નિકાસ થશે! ‘ફૂડ સેફટી હેલ્પલાઈન’ નામની વેબસાઈટ કહે છે કે જાપાનમાં કેરી નિકાસ કરવી તે મોંઘો ધંધો છે પણ ભારતના નિકાસકારોને લાગેલું. પણ ગમે તેમ નિકાસકારોને જાપાનમાં કેરી નિકાસ કરવી છે અને જાપાનમાં રહેતા વિદેશીઓ અને ભારતીઓને ભારતની કેરી ખાવી છે. વાશી (મુંબઈ) નામના વિસ્તાર તેમજ નવી મુંબઈમાં અને ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ‘વેપર હીટ ટ્રીટમેન્ટ’ સરળ અને સસ્તી બનતાં છેલ્લા બે વર્ષથી જાપાનમાં આપણી કેરી નિકાસ થાય છે - એટલા માટે કેરી નિકાસ થાય છે કે જાપાનમાં મોંઘી વેપર ટ્રીટમેન્ટનો 90 ટકા ખર્ચ ભારતની કૃષિ સંસ્થા પણ ઘણી જગ્યાએ ઉપાડે છે. એગ્રિકલ્ચર પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સ્પોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી નામની કૃષિ સંસ્થાના સહકારથી ભારત આવીને જાપાનીસ હેલ્થ ઈન્સ્પેક્ટરો આવી પ્રોસેસ કરેલી કેરીનો સર્ટિફિકેટ આપે છે.

એગ્રિકલ્ચરલ પ્રોસેસ્ડ ફ્રૂડ પ્રોડક્ટ નિકાસ કરતી સંસ્થા ભારતની ખેતીને સારો સહકાર આપે છે. સંસ્થા ભારતના ફળો તેમજ કેરીની નિકાસ માટે નવીનવી માર્કેટો શોધે છે. અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ચીનમાં પણ આપણી કેરી ઉપરાંત બીજાં ફળો નિકાસ થાય છે. આપણી કૃષિસંસ્થા અમુક પ્રોસેસ માટે વર્ષે રૂ. પાંચ લાખ ખર્ચે છે, પણ જાપાની આયાતકારો જેને કેસર અને હાફુસનો સ્વાદ દાઢે વળગ્યો છે તે કોઈ પણ હિસાબે અને કોઈ પણ ભાવે આપણી બે જાતની કેરી મોટા પ્રમાણમાં આયાત કરશે જ.

અન્ય સમાચારો પણ છે...