બોર્ડની હેલ્પલાઇન પર હોલ ટિકિટની ફરિયાદ થઇ શકશે
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા
છેલ્લા કેટલાક સમયથી ફી નહિ ભરી હોવાના કારણે શાળાના સંચાલકો દ્વારા આગામી દિવસોમાં યોજાનારી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી દેવાની ચીમકીઓ આપવાના કિસ્સા બન્યા હતા.શિક્ષણમંત્રી દ્વારા પણ શાળાઓને હોલ ટિકિટ ન રોકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આવા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.જેના પર વિદ્યાર્થીઓ ફરિયાદ કરી શકશે.
12મી માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે.જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે શાળાઓને 28મી માર્ચના રોજ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જિલ્લા વિતરણ કેન્દ્ર ખાતેથી મેળવી લેવાની સૂચના આપવામાં આવી છે.જ્યારબાદ 1 માર્ચના રોજ સવારે 11થી સાંજના 4 વાગ્યા સુધી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીએ ફી નહિ ભરી હોવાને કારણે કે પછી કોઈ પણ અન્ય કારણોસર હોલ ટિકિટ ન અપાય તો હેલ્પલાઇન 18002335500 પર ફરિયાદ કરી શકશે.
આજે સરકારી કચેરીઓમાં રજા હોવા છતાં હોલ ટિકિટ ન મળી હોય તેવા વિદ્યાર્થીઓની ફરિયાદ સાંભળવા માટે ડી.ઈ.ઓ કચેરી કાર્યરત રહી હતી.અધિકારીઓ પણ રજા હોવા છતાં આજે ઓફિસમાં હાજર રહ્યા હતા અને ડી.ઈ.ઓ ઓફિસ ખાતે ફરિયાદ કરવા માટેનું કાઉન્ટર કાર્યરત રહ્યું હતું.