• Gujarati News
  • National
  • ફતેગંજમાં પિસ્તોલ અને 3 કારતૂસ સાથે યુવક પકડાયો

ફતેગંજમાં પિસ્તોલ અને 3 કારતૂસ સાથે યુવક પકડાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેગંજએમ્પરર બિલ્ડિંગ પાસે મંગળવારે રાત્રે સયાજીગંજ પોલીસે વાડી ચિત્તેખાનની ગલીના યુવકને પકડી જડતી લેતાં તેની પાસેથી દેશી પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ મળી આવ્યાં હતાં. પૂછતાછમાં પિસ્તોલ મ.પ્ર.ના શખ્સ પાસેથી લીધી હોવાની કેફિયત કરતાં પોલીસે ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતાં 3 દિ’ના રિમાન્ડ મંજૂર થયા છે.

સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ દીપકભાઇ સહિતના સ્ટાફે મંગળવારે રાત્રે બાતમીના આધારે ફતેગંજ એમ્પરર બિલ્ડિંગ પાસેથી એક શંકાસ્પદ યુવકની ઝડતી લેતાં તેની પાસેથી પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ મળી આવ્યાં હતાં. પૂછતાછમાં વાડી- ગેંડીગેટ રોડ ચિત્તેખાનની ગલીમાં રહેતો મોનીશ ઇબ્રાહીમ સૈયદ (ઉ.વ. 26) હોવાનું કહ્યું હતું.

પોલીસે રૂા.60,000ની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ, 3 જીવતા કારતૂસ અને મોબાઇલ સહિત રૂા.65,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેની વધુ પૂછપરછ કરતાં પિસ્તોલ મધ્યપ્રદેશના અલીરાજપુરથી આગળ સીધાણા ખાતે રહેતા જાલમસિંગ નામના શખ્સ પાસેથી લીધી હતી. તેની પાસેથી 5 કારતૂસ ખરીદ્યા હતા પરંતુ પોલીસને માત્ર 3 કારતૂસ મળી આવતાં અન્ય 2 કારતૂસ ક્યાં છે તેની શોધખોળ કરવા તેમજ અન્ય કોઇ આરોપીની પણ સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવા પીએસઆઇ આર.પી.ચૂડાસમાએ તેને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે મોનીસના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પિસ્તોલ મધ્યપ્રદેશના શખ્સ પાસેથી લીધી હોવાની કેફિયત

વાડી ચિત્તેખાનની ગલીમાં રહેતા મોસીન ઇબ્રાહીમની ધરપકડ

અગાઉ ચોરી, રાયોટિંગમાં પકડાયો હતો

સયાજીગંજ પોલીસે તપાસ કરતાં મોસીન સૈયદનો ગુનાઇત ભૂતકાળ બહાર આવ્યો છે. મોસીન અગાઉ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં લેપટોપ ચોરીમાં તેમજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જીવલેણ હથિયાર સાથે પકડાયો હતો. ઉપરાંત વાડી પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ તેમજ ઘરફાડ ચોરીમાં પણ પકડાયો હોવાથી પિસ્તોલનો ઉપયોગ પોતે કરવાનો હતો કે કોઇને વેચવાની હતી તેની સઘન પૂછતાછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...