Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નગર પ્રાથ. શિક્ષણ સમિતિના 1750 શિક્ષકો પેન્શનથી વંચિત
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા
ગુરુપૂર્ણિમાપર્વે નિવૃત્ત શિક્ષકો-અધ્યાપકોનું સન્માન-પૂજન કરવાની પરંપરા છે. પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નિષ્કાળજીને કારણે ગુરુપૂર્ણિમા પર્વે શિક્ષણ સમિતિના નિવૃત્ત 1750 શિક્ષકો અર્થાત્ ગુરુજનોને જૂનના પેન્શનથી વંચિત રહેવાનો વારો આવતાં શિક્ષણ સમિતિના સત્તાધીશો ગુરુપૂર્ણિમા પર્વની મહત્તા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાની ચર્ચા વ્યાપી હતી.
વડોદરા પાલિકા સંચાલિત પ્રા.શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાંથી નિવૃત્ત થયેલા અંદાજે 1750 શિક્ષકો છે. તેઓને દર મહિને તા.1 થી 5માં પેન્શન આપી દેવાની જોગવાઇ છે. પરંતુ સમિતિ દ્વારા કોઇ ને કોઇ બહાને પેન્શન સમયસર કરાતું નથી. જેથી શિક્ષકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. શિક્ષણ સમિતિ દ્વારા તેઓના પગારનો ચેક બીઓબીમાં જમા કરવા મોકલ્યો હતો. પરંતુ શિક્ષકોના પગારનો ચેક ક્લીયર કરી પગાર કરી દેવાયો હતો. જ્યારે નિવૃત્ત શિક્ષકોના પેન્શનનો ચેક હજુ ક્લીયર નહીં કરાતાં તેઓ હજુ પણ પેન્શનથી વંચિત છે.
સમિતિના સ્ટાફની આળસથી પેન્શન નહીં
પેન્શનના વિલંબ માટે તપાસ કરાવીશ
^નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પેન્શનર્સના પેન્શન અંગેના તમામ દસ્તાવેજો પર સહીંઓ કરી દીધી છે. તેમ છતાં કયા કારણથી નિવૃત્ત શિક્ષકોનું પેન્શન થયું નથી અને પેન્શનમાં વિલંબ કેમ થયો તેની હું તપાસ કરાવીશ. > યુ.જી.શાહ,શાસનાધિકારી,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
^જુલાઇ માસના 19 દિવસ થયા તેમ છતાં હજુ સુધી નિવૃત્ત શિક્ષકોને પેન્શનની રકમ મળી નથી. પેન્શન વિલંબથી થવા માટે શિક્ષણ સમિતિના સ્ટાફની આળસ અને બેંકની આડોડાઇ જવાબદાર છે. શિક્ષણ સમિતિનો સ્ટાફ બેજવાબદારીપૂર્વક કામગીરી કરતો હોઇ તેનો ભોગ નિવૃત્ત કર્મીઓ બન્યા છે. > મણિભાઇપટેલ, મંત્રી-પેન્શનર્સ કર્મચારી મંડળ
પ્રાથ. શિક્ષણ સમિતિની નિષ્કાળજીથી શિક્ષકોને અસર