Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે ખાસ સિન્ડિકેટમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી અંગે નિર્ણય લેવાશે
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા
મ.સ.યુનિ.ના વહિવટી તથા એકેડેમિક નિર્ણયો માટે યુનિ. સત્તા દ્વારા બુધવારે સ્પેશીયલ સિન્ડિકેટ બોલાવવામાં આવી છે. સ્પેશીયલ સિન્ડિકેટના એજન્ડામાં ચૂંટણીનો મુદ્દો સમાવવામાં આવ્યો નથી. પરંતુ આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થી સંઘની ચૂંટણી બાબતે મહત્વના નિર્ણયો સિન્ડિકેટમાં લેવામાં આવનાર છે.
યુનિ. દ્વારા બોલાવાયેલી સ્પેશીયલ સિન્ડિકેટમાં યુજીસીના નોટિફિકેશન્સ, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નવા નિયમો, એકેડેમિક બાબતો, શિક્ષકોની ભરતી, વિવિધ ગ્રાન્ટ તથા શિક્ષકોની રજાઓ જેવી બાબતો અંગે સમિતિઓના રિપોર્ટની ચર્ચા બાદ નિર્ણયો લેવા તા 20 જૂલાઇના રોજ બપોરે 3 વાગ્યે સ્પેશીયલ સિન્ડિકેટ બોલાવવામાં આવી છે. જો કે યુનિ.ના વિદ્યાર્થી આલમમાં સળગતો પ્રશ્ન અત્યારે વિદ્યાર્થીસંઘની ચૂંટણી છે. વિદ્યાર્થી સંગઠનો દ્વારા દિવસને આંતરે યુનિ.સત્તા સમક્ષ ચૂંટણી બાબતે રજૂઆતો કરવામાં આવી રહી છે. ત્યારે સ્પેશીયલ સિન્ડિકેટના એજન્ડામાં ચૂંટણીનો મુદ્દો સમાવવામાં આવ્યો નથી. પરંતુ ચૂંટણી બાબતે પણ ચર્ચા સિન્ડિકેટમાં થનાર છે અને મહત્વના નિર્ણયો લઇ સિન્ડિકેટ બાદ કોઇ ઠોસ જાહેરાત પણ કરવામાં આવે તો નવાઇ નહીં તેવી પણ સંકુલોમાં ચર્ચા છે.
યુનિ.ની ચૂંટણીના નિયમો અંગે સ્પષ્ટતા માંગવા એકજુટ થઇને તમામ વિદ્યાર્થી સંગઠનોએ સત્તા સમક્ષ રજૂઆત કરી હતી. માટે યુનિ.રજીસ્ટ્રાર દ્વારા વિદ્યાર્થીઓને આજે મંગળવારે બોલાવવામાં આવ્યા હતા. રજીસ્ટ્રારે તમામ વિદ્યાર્થીઓને તા 20 જૂલાઇના રોજ યોજાનાર સ્પેશિયલ સિન્ડિકેટ તથા ચૂંટણી સબંધી સમિતી સાથેની બેઠક બાદ ટૂંક સમયમાં વધુ સ્પષ્ટ ચિત્ર આપવાનું જણાવ્યું હતું.
રૂસા (રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન), યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન), તથા ગુજરાત સરકાર દ્વારા યુનિ.ને અપાયેલી વિવિધ ગ્રાન્ટના વિતરણ અને ઉપયોગ અંગે નિમાયેલી સમિતીના નિર્ણયોને બહાલી, શિક્ષકો તથા અન્ય એકેડેમિક સ્ટાફની નિમણુંક માટે લઘુત્તમ લાયકાત તથા યુનિ.ના ધોરણને જાળવી રાખવા અંગેના પગલાં બાબતે યુજીસીના નવા ગેજેટમાં પ્રસિધ્ધ કરાયેલ નોટિફિકેશન અંતર્ગતના નિયમો અંગે વિચારણા, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર એમ.એસ.યુનિમાં શિક્ષકોની ખાલી સીટો ભરવા અંગે નિર્ણયો, હાયર પેમેન્ટ એડવાઇઝરી બોર્ડના વિવિધ મુદ્દાઓને બહાલી આપવા, હાયર પેમેન્ટ એડવાઇઝરી બોર્ડની યોજાયેલી બેઠકમાં હાયર પેમેન્ટ પ્રોગ્રામ બાબતે સુધારાયેલા દિશાનિર્દેશોનો અમલ કરવા સાથે યુનિ.સિક્યુરિટીના કોન્ટ્રાક્ટના એક્સ્ટેન્શન જેવી બાબતોને સ્પેશીયલ સિન્ડિકેટના એજન્ડામાં સમાવવામાં આવી છે.
યુનિ.રજીસ્ટ્રારે વિદ્યાર્થીઓને બોલાવી તેમની રજૂઆતો સાંભળી
એજન્ડામાં ઈલેકશન મુદો હોવા છતાં ચર્ચા થયા તેવી શકયતા