- Gujarati News
- દાગીના ઉતરાવતી ગેંગના આરોપી સરફરાઝના 7 દિવસના રિમાન્ડ
દાગીના ઉતરાવતી ગેંગના આરોપી સરફરાઝના 7 દિવસના રિમાન્ડ
શહેરનાગોરવા વિસ્તાર સ્થિત આનંદવન કોમ્પ્લેક્ષ પાસેથી ગોરવા પોલીસે વોચ દરમ્યાન પોલીસના સ્વાંગમાં શહેરની સિનિયર સિટિઝનોને ભોગ બનાવીને તેમના દાગીના તફડાવનારી આતંરરાજ્ય ઈરાની ગેંગના એક આરોપી સરફરાઝ યુસુફ ઈરાનીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, 25 દિવસ અગાઉ ગોરવાની આચાર્ય હોસ્પિટલ પાસે એક વૃદ્ધાના દાગીના તફડાવ્યા હોવાનો બનાવ ગોરવા પોલીસ મથકે નોંધાયો હતો. બનાવના સીસીટીવી ફૂટેજના આધારે પી.આઇ. એમ.એમ.પુવારની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગોરવા પોલીસે ગુનામાં વપરાયેલા બાઇકનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમ્યાન આનંદવન કોમ્પ્લેક્ષ પાસે પેટ્રોલિંગ દરમ્યાન ગુનામાં વપરાયેલા બાઇક સાથે ચાર શકમંદ યુવકોને પોલીસે અટકાવ્યા હતા. જે પૈકી ચારેય યુવકો બાઇક મૂકી ભાગ્યા હતા. પોલીસે પીછો કરી એક યુવકને ઝડપી પાડ્યો હતો.
જોકે, બાકીના ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ઝડપી પાડેલા આરોપીની પૂછપરછ કરતાં તે યુવક સરફરાઝ યુસુફ ઈરાની અને મૂળ મહારાષ્ટ્રના કોલ્હાપુરનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. યુવકે પોલીસના સ્વાંગમાં છેલ્લા માસમાં શહેરના ગોત્રી, ગોરવા, કારેલીબાગ જેવા વિસ્તારોમાં વૃદ્ધાને નિશાન બનાવીને તેમના દાગીના તફડાવ્યા હોવાની કબૂલાત કરી હતી. ગુનામાં તેની સાથે તેનો મિત્ર સમીર યાવર ઈરાની (રહે. મહારાષ્ટ્ર), રાજુ શેખ તથા ગુલામ ઉર્ફે મોટે નામનો તેનો મિત્ર પણ હોવાનું કબૂલ્યું હતું. ત્રણેય આરોપીઓ હાલમાં ફરાર હોઈ તેમને પકડવાના બાકી તેમજ હજુ આરોપી પાસેથી રોકડા ~1500 તેમજ ~94 હજારના દાગીના રિકવર કરવાના બાકી હોઈ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.
સિવાય, આરોપી વિરુદ્ધ ગુજરાત સહિત મહારાષ્ટ્રના ભીવંડી, શાંતિનગર, પૂના, મુંબઈ જેવાં શહેરમાં ગુનો આચર્યા હોઈ તેમજ ગેંગનો મુખ્ય સૂત્રધાર કોણ છે તેની તપાસ કરવાની હોઈ પોલીસે કોર્ટમાં રજૂ કરી તેના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.