• Gujarati News
  • National
  • મંગળબજારમાંથી 2 ટ્રક ભરી અડચણરૂપ સામાન જપ્ત કર્યો

મંગળબજારમાંથી 2 ટ્રક ભરી અડચણરૂપ સામાન જપ્ત કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાભરચક એવા મંગળબજાર વિસ્તારમાં રસ્તો ખુલ્લો કરાવવા માટે દબાણ શાખાએ સપાટો બોલાવીને બે ટ્રક ભરીને માલસામાન જપ્ત કર્યો હતો.

શહેરના જદા જુદા વિસ્તારમાં રસ્તારેષા તેમજ ફૂટપાથની જગા ખુલ્લી કરાવવા માટે સેવાસદનની દબાણ શાખા પુન: એકશનમાં આવી છે. જે અંતર્ગત રોજેરોજ લારીગલ્લા સહિતનાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.

શહેરની મધ્યમાં આવેલા મંગળબજાર વિસ્તારનો આંતરિક માર્ગ લટકણિયાં, પથારાથી ઘેરાયેલો રહેતો હોય છે. જેના કારણે, મંગળબજારમાંથી લહેરીપુરા દરવાજા તરફ કે બાજવાડા તરફ ચાલીને જવું હોય તો કોઠા વીંધીને જવું પડે તેવી હાલત હોય છે અને વાહન લઇને તો ત્યાંથી પસાર થવું હોય તો વાહનચાલકને આંખે અંધારાં આવી જતાં હોય છે.

જેથી, સેવાસદનની દબાણ શાખાએ મંગળવારે પોલીસ બંદોબસ્ત સાથે મંગળબજારમાં અેન્ટ્રી લીધી હતી અને રસ્તામાં અડચણરૂપ પથારા-લારી ગલ્લા અને લટકણિયાંનો સફાયો બોલાવતાં હંગામી દબાણકારોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, ફતેગંજમાં લારીવાળાએ શરીર પર કેરોસીન નાંખી આત્મવિલોપનના કરેલા પ્રયાસનું પુનરાવર્તન થાય તે માટે તકેદારી રાખી હતી.

સેવાસદનની દબાણ શાખાની ટીમે મંગળવારે બપોર સુધીમાં બે ટ્રક ભરીને માલસામાન જપ્ત કરતાં આસપાસના તમામ રસ્તા ખુલ્લા કરાવી દીધા હતા. જોકે, મંગળબજારના ભરચક વિસ્તારમાં રસ્તા પરનાં દબાણોનું પુનરાવર્તન થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...