પરીન ઠક્કર અમદાવાદમાં જ છુપાયો હોવાની પોલીસને શંકા
સસ્તા દરે વિદેશમાં પ્રવાસની લાલચ આપી રૂ.2 કરોડની છેતરપિંડી કરનારો પરીન ઠક્કર હાલ અમદાવાદમાં છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસની એક ટીમ અમદાવાદ પહોંચી છે. અમદાવાદમાં પરીનનાં આશ્રય સ્થાનોની તપાસ કરીને શોધખોળ શરૂ કરાઇ છે. પરીન ડાયાબિટીસથી પીડાતો હોવાનું પોલીસની તપાસમાં ખૂલ્યુ હતું.
સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક પરીન ઠક્કર અને નિર્મલ વ્યાસ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ બંને પરિવાર સાથે છૂ થઇ ગયા છે.
કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એ.જાડેજાના જણાવ્યા અનુસાર, પરીન ઠક્કર મૂળ અમદાવાદનો હોવાથી અને હાલ તે બીમાર હોવાથી અમદાવાદમાં જ છુપાયો હોવાની શંકાના આધારે ે એક ટીમ દ્વારા અમદાવાદમાં પરીનના સ્વજનોની તપાસ શરૂ કરાઈ છે. બીજી તરફ નિર્મલ વ્યાસનો પણ કોઇ પત્તો મળતો નથી. પરીન ગત 19મીએ ખોટા નામથી સમા સાવલીની હોસ્પિટલમાં સારવાર માટે ગયા બાદ જતો રહ્યો હતો. તેણે ભાડાની ઓફિસ અને દુકાન રાખીને ટ્રાવેલ્સનો વ્યવસાય શરૂ કર્યો હતો.
પરીન ઠક્કર
પરીન અને નિર્મલની કોલ ડિટેઇલ પણ પોલીસે મંગાવી છે. ફરાર થયા પહેલાં બંને કોના સંપર્કમાં હતા અને અત્યારે પણ તેમનું મોબાઇલ લોકેશન ક્યાં છે તે સહિતની તપાસ પોલીસે શરૂ કરી છે. મોબાઇલ લોકેશનના સહારે પણ બંને હાલ ક્યાં છુપાયા છે તેની તપાસ પોલીસે શરૂ કરી હતી.