• Gujarati News
  • National
  • પદમલામાં ઝડપાયેલા 10 લાખના દારૂના કેસમાં ફરાર હતો

પદમલામાં ઝડપાયેલા 10 લાખના દારૂના કેસમાં ફરાર હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યભરમાં દારૂ સપ્લાયનું કામ શરૂ કર્યું હતું

બાદશાહો ફિલ્મ જોઇને બહાર નીકળેલો બુટલેગર ઝુબેર ઝબ્બે

પોલીસે ઝુબેરને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા

તાજેતરમાં આમલીયારામાં કુખ્યાત બૂટલેગરો અલ્પુ સિંધી અને ઝુબેર મેમણનું દારૂનું ગોડાઉન સ્ટેટ વિઝિલન્સે ઝડપી પાડ્યા બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પદમલાની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાંથી ઝૂબેર મેમણનો રૂા. 10 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. વાડી નાલબંધવાડા ખાતે રહેતા ઝૂબેરની ક્રાઇમ બ્રાન્ચે ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ઝૂબેર તેના પરિવાર સાથે બારડોલી આવ્યો છે અને મલીનો સિનેમા થિયેટરમાં બાદશાહો ફિલ્મનો છેલ્લો શો જવાનો છે તેવી બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચે બારડોલી પોલીસની મદદ લીધી હતી. પોલીસની ટીમ છેલ્લા શોમાં જઇ ઝૂબેર હોવાની ખાતરી કર્યા બાદ બહાર વોચ ગોઠવી હતી. રાત્રે શો પૂરો થયા બાદ ઝુબેર બહાર આવતા પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

જુબેરની પૂછતાછ કરતાં દમણ અને સેલવાસથી દારૂ સપ્લાયનું કામ કરતાં વિપુલ કહાર પાસેથી દારૂ મેળવી રાજ્યભરમાં દારૂ સપ્લાય કરવાનું કામ કરતો હતો. તેની સામે છેલ્લા 5 વર્ષમાં કયા કયા પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા છે તેની પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. છેલ્લા ઘણા સમયથી તે અલ્પુ સિંધી સાથે દારૂનો ધંધો કરતો હતો. પોલીસે તેની સાથેના અન્ય સાગરિતોની પણ શોધખોળ ચાલી રહી છે.

રિક્ષા ડ્રાઇવર અને ઢાંકણાં ચોરમાંથી ઝુબેર લાખોના દારૂનો વેપારી બન્યો

વાડીનાલબંધવાડા પાસે રહેતો ઝુબેર મેમણ હાલ બારડોલીના આશિયાના નગરમાં રહતો હતો. અગાઉ તે ઓટો રિક્ષા ફેરવવાનું કામ કરતો હતો.તે વર્ષ 2004માં ગટરના ઢાંકણાની ચોરીમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો. ત્યારબાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ટુ વ્હીલરોની ડીકી ખોલી તેમજ ફોર વ્હીલર વાહનનો કાચ તોડી કિમતી સામાન ચોરી કરવાના ગુનામાં પણ પકડાયો હતો. અમદાવાદ ગ્રામ્ય અને આણંદ ખાતે પણ ચોરીના ગુનાઓ કરતાં તેમાં પકડાયો હતો. 5 વખત અલગ અલગ જેલોમાં પાસા હેઠળ પણ ગયો હતો. દમણથી કારમાં દારૂ લાવી સપ્લાય કરવાનું કામ કરતો હતો. ચીખલીમાં તેની 2 ગાડી પકડતા વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...