Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરાયણ પૂર્વે ઊંધિયું, જલેબી, સેવ,ચટણી અને સ્વીટનું ચેકિંગ
ઉત્તરાયણના તહેવારનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે પાલિકાના ફૂડ વિભાગે ઊંધિયા,સેવ,જલેબી,ચીકી સહિતની બનાવટોના 20 નમૂના લેવાની સાથોસાથ સ્વચ્છતા ન જાળવવા બદલ પાંચ દુકાનદારોને અલ્ટિમેટમ અાપતી નોટિસ ફટકારી હતી.
ફૂડ ઓફિસરોની ટીમે શહેરના વિવિધ વિસ્તારની દુકાનોમાં આ તપાસ હાથ ધરી હતી.ફૂડ વિભાગે ચીકી બનાવવા માટે વપરાતો ગોળ, સિંગ અને તલની ચીકી, માવાની ચીકી, જલેબી, ઊંધિયા, સેવ, પાણીપુરીનું પાણી, આટા, ટોમેટો ગ્રેવી, દમ બિરયાની, કોરમા ગ્રેવી, ચટણી, બેસન અને અંજીર ડ્રાયફ્રૂટ સ્વીટ વગેરેના મળી 20 નમૂના લીધા હતા અને પૃથક્કરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.આ સિવાય માંજલપુરની ત્રણ, કોઠી ચાર રસ્તાની અેક અને સમાની એક મળી કુલ ત્રણ વિસ્તારની પાંચ દુકાનોમાં ગંદકી મળી આવતાં ફૂડ વિભાગે દુકાનદારોની ઝાટકણી કાઢી હતી અને સ્વચ્છતા જાળવી રાખવા નોટિસ ઇશ્યૂ કરી હતી.ફૂડ વિભાગે મનમોહન ભજિયાં, શુભમ્ સ્વીટ, હરિસિદ્ધિ વડાપાંઉ,ચટોરી, જલારામ ગૃહ ઉદ્યોગને ગંદકી બદલ નોટિસ આપી હતી.