ગરબા vs વરસાદ ‘ગ્રાઉન્ડ રિપોર્ટ’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | 29 સપ્ટેમ્બરથી નોરતાંનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે 3 સપ્ટેમ્બર સુધી વરસાદનું વિઘ્ન નડે તેવી હવામાન વિભાગની આગાહી છે. બીજી તરફ છેલ્લા આઠેક દિવસથી વરસતા વરસાદના પગલે મેદાનોમાં પાણી ભરાયાં છે. નવરાત્રીના આડે 1 દિવસ જ બાકી છે ત્યારે હજુ સુધી મેદાનો ખેલૈયાઓ માટે તૈયાર થઈ શક્યાં નથી. જેના પગલે અાયોજકો અને ખેલૈયાઓ હજુ પણ ગરબા રમી શકાશે કે નહીં તે અંગે અસમંજસમાં છે. ત્યારે જેટલા દિવસ વરસાદના કારણે ગરબા નહીં યોજી શકાય તેટલા દિવસ આયોજકો ખેલૈયાઓને રૂપિયા રિંફંડ આપશે કે કેમ તે અંગે આયોજકોને સવાલ પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં વીઅેનઅેફ અને યુનાઈટેડ વે જેવા મોટા આયોજકોઅે ગમે તેટલો વરસાદ વરસે તોપણ ખેલૈયાઓને ગરબા રમાડવામાં આવશે તેમ જણાવ્યું છે.

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ ઃ મેદાનો પર કાદવકીચડનું સામ્રાજય, હજી ફરાસખાનું ગોઠવી શકાયું નથી, લાઇટિંગ પણ બાકી
VNF | નોમિનલ ફી લેવામાં આવે છે,જેથી રિફંડનો કોઈ નિર્ણય કર્યો નથી
વીઅેનઅેફ દ્વારા ખેલૈયાઓ પાસેથી ફી સ્વરૂપે નાનકડી રકમ લેવામાં આવે છે. જેથી વરસાદમાં ગરબા ન રમાડી શકાય તો રિફંડ આપવાનો હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. જ્યારે વરસાદ પડશે તો પણ યોગ્ય વ્યવસ્થા કરીને પણ ખેલૈયાઓને ગરબા રમાડાય તેવો પ્રયાસ રહેશે. મયંક પટેલ,આયોજક,વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ

હેરિટેજ ગરબા | હજુ આ અંગે કાંઈ વિચાર્યું નથી
 વરસાદ પડે ત્યારે જો ખેલૈયાઓને ગરબા રમવા નહી મળે તો ટ્રસ્ટ દ્વારા રીફંડ આપવું કે કેમ તે અંગે હજુ સુધી કાંઈ વિચાર્યું નથી. વરસાદ નહી પડે તો ખેલૈયાઓને ગરબા રમાડવામાં આવશે. અને જો વરસાદ પડશે તો પણ યોગ્ય વ્યવસ્થા કરી ગરબા રમાડીશું. યોગેન્દ્ર ગાયકવાડ, હેરીટેજ ગરબા,નવલખી ગ્રાઉન્ડ

યુનાઈટેડ વે | બોર્ડ બેઠકમાં ડિસ્કશન બાદ ખેલૈયાઓને રિફંડ આપવા વિચારીશું
નોરતાં દરમિયાન ખૈલેયાઓને ગરબા રમવા ન મળે તો બોર્ડ બેઠકમાં ડિસ્કશન બાદ વિચારીશું કે રિફંડ આપવું કે કેમ ? જોકે ભૂતકાળમાં 2013-14માં અમે વરસાદમાં પણ ગરબા રમાડ્યા હતાં. જ્યારે ચાલુ વર્ષે પણ અમે ખેલૈયાઓને ગરબા રમાડાય તેવી વ્યવસ્થા કરીશું જ. હેમંત શાહ, ચેરમેન,યુનાઇટેડ વે

બીટા, અકોટા | બેઠકમાં ખેલૈયાઓને રિફંડ આપવા ગંભીરતાથી વિચારીશું
વરસાદના પગલે મેદાનોમાં પાણી ભરાઈ ગયા છે. પરંતું તેનો યોગ્ય નિકાલ કરી ગરબાનું આયોજન કરવામાં આવશે. પરંતું જો ગરબા નહી રમાડાય તેવી કંડીશન ઉભી થશે તો ખેલૈયાઓને રીફંડ આપવા બાબતે ગંભીરતાથી બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. જ્યારે સ્ટોલ ધારકોને તો રીફંડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. રશ્મીકાંત જોષી,આયોજક,બીટા-અકોટા

બીટા ગરબા, અકોટા
અકોટા સ્થિત બીટા ગરબા ગ્રાઉન્ડમાં શુક્રવારના રોજ પણ પાણી ભરાયેલા જોવા મળ્યાં હતાં. ગરબા આયોજકો દ્વારા પાણી અને કાદવ-કિચડને દૂર કરીને ગ્રાઉન્ડને ફરી વખત લેવલીંગ કરી ગરબા રમવા યોગ્ય બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જોકે વરસાદ વિરામ ન લેતા આયોજકોમાં પણ ગરબા રમાડાશે કે કેમ તે અંગે દ્વિધા છે.

યુનાઈટેડ વે
શહેરના પ્રખ્યાત યુનાઈટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં પણ વરસાદના પગલે પાણી ભરાઈ ગયા હતા. જોકે આયોજકો એ પાણીના નિકાલ માટે પંપની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પાણીને એક કેનાલ મારફતે કુવામાં નાંખવાની પણ યોજના બનાવવામાં આવી છે. જેના પગલે ખેલૈયાઓને વરસાદ બાદ પણ તરત મેદાન સાફ મળી શકે.

2 ઓક્ટોબર સુધી રાજ્યમાં પડી શકે છે વરસાદ
વેધર એક્સપર્ટ અંકિત પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાઈ રહ્યું છે જેની અસર હેઠળ વડોદરા સહિત 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિ વચ્ચે નવરાત્રિના આગલા દિવસે, પ્રથમ દિવસે અને ત્યાર બાદ બીજા નોરતાના દિવસે વરસાદ પડવાની સંભાવનાઓ છે.

હેરિટેજ ગરબા, નવલખી
નવલખી ગ્રાઉન્ડ ખાતે ચાલુ વર્ષે હેરીટેજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે શહેરમાં સતત 8 દિવસથી વરસતા વરસાદમાં નવલખીના મેદાનમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યાં હતાં. આયોજકો દ્વારા પાણીના નિકાલ માટે મશીનરી કામે લગાવી છે. જોકે વરસાદ વિરામ ન લેતા મેદાનમાં તૈયારીઓ હજુ અધુરી છે.

વીએનએફ
વડોદરા નવરાત્રી ફેસ્ટીવલના આયોજકો પણ વરસાદના પગલે દ્વિધામાં મુકાયા છે. મેદાનમાં પાણીથી કાદવ-કિચડ થઈ જતાં આયોજકોએ મશીનરી કામે લગાવી છે. જ્યારે મેદાનને ઝડપથી સુકાવા માટે સકર મશીનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...