તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોરવાથી લક્ષ્મીપુરાના રોડ પર ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરવા વિસ્તારમાં સપનાના વાવેતર પાર્ટી પ્લોટથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વચ્ચેનો રસ્તો છેલ્લા કેટલાક મહિનાથી એક્સિડેન્ટ ઝોન બન્યો છે. અા રસ્તાની વચ્ચો વચ્ચ ડિવાઇડરથી બેત્રણ ફૂટ દૂર વીજથાંભલાઓ ઊભા છે. તેની સાથે રાત્રીના સમયે, વરસાદમાં વાહનો અથડાઇ રહ્યાં છે. એટલું જ નહીં અા રસ્તાથી અજાણ્યા હોય તેવા વાહનચાલકો તો રીતસરના ગભરાઇ જાય છે. સ્થાનિક લોકોએ વોર્ડ ઓફિસને રજૂઆત કરી છે પણ કોઇ ઉકેલ આવ્યો નથી.

તાજેતરમાં 6ઠ્ઠી સપ્ટેમ્બરે રાત્રે સાત વાગ્યે ધોધમાર વરસાદમાં એક કાર થાંભલા સાથે અથડાઇ ગઇ હતી. જોકે કારની સ્પીડ ઓછી હોવાથી ચાલકને નજીવી ઇજાઓ થઇ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ અગાઉ એક એક્ટિવાચાલક અને એક મારૂતિ ચાલક પણ આ થાંભલાઓ સાથે અથડાયા છે.બીજા નાના અકસ્માતો પણ થયા છે. અહીં નજીકમાં જ સ્કૂલ પણ છે. આ સ્કૂલ માટે પણ અનેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને વાનચાલકો આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે તેમને ભારે સાવધાની રાખવી પડે છે. કારણ કે અહીં રખડતા ઢોરનો પણ અડિંગો પણ રસ્તાની વચ્ચોવચ્ચ હોય છે.સ્થાનિકોએ જણાવ્યું કે, અહીંથી રખડતા પશુઓ ક્યારેય પકડવામાં આવતા નથી.

ડિવાઇડરની બાજુમાં વીજ થાંભલા, અકસ્માતોથી સ્થાનિકોમાં ફફડાટ
ડિવાઇડરની એક તરફ રસ્તાની વચ્ચે આ થાંભલો, પાસે ડિવાઇડર પાસે થાંભલો અને પશુનો જમાવડો

વૃંદવિલા સામે 50 મીટરનું મુખ્ય રસ્તાની બાજુમાં નકામું ડિવાઇડર બનાવ્યું
આ મુખ્ય માર્ગ છે

MGVCLમાં નાણાં ભર્યાં છે : પાલિકા
આ વિશે રોડ વિભાગના એક્ઝિક્યુટિ એન્જિનિયર ધાર્મિક દવેએ જણાવ્યું કે, ‘ડિવાઇડર ભવિષ્યમાં આગળનો રસ્તો ખુલે તે ગણતરીથી કોન્ટ્રાક્ટર પાસે બનાવાડ્યું છે. આ ઉપરાંત જે થાંભલાઓની રહીશો વાત કરી રહ્યાં છે. તે થાંભલાઓ ખસેડવા માટે એમજીવીસીએલમાં નાણાં પણ કોર્પોરેશને ભરી દીધા છે તેવું મારા ધ્યાને છે. છતાં આવતીકાલે આ વિશે તપાસ કરીશ.’

આ રસ્તા પર વૃંદવિલા, રાજરત્ન અને ક્રિશ્ના બંગલોઝ આવેલા છે. વૃંદવિલાની સામે હાલમાં મુખ્ય રસ્તાની બાજુમાં બંને છેડે કોઇ રસ્તો ન હોવા છતાં પણ ડિવાઇડર બનાવવામાં આવ્યું છે. આ ડિવાઇડર પર નકામો સામાન મૂકવામાં આવે છે. કોર્પોરેશનમાં આ ડિવાઇડર અંગે પૂછતાં એન્જિનિયરે જણાવ્યું કે, આ ડિવાઇડર ભવિષ્યમાં રસ્તો ખુલે તેવી ગણતરીથી બનાવવામાં આવ્યું છે. જોકે છેલ્લા 20 વર્ષથી આ મુદ્દે કોઇ નિર્ણય કોર્ટમાં પણ આવ્યો નથી.

સ્થાનિકો કહે છે કે..
આ વિસ્તારમાં પોતાની ઓફિસ ધરાવતા જયેશભાઇ પ્રજાપતિ કહે છે કે, ‘અહીં વીજથાંભલાને ધ્યાનમાં લીધા વિના જ ડિવાઇડરો આડેધડ રાતોરાત ઊભા કરવામાં આવ્યાં છે, જો આ થાંભલાઓને ધ્યાનમાં લીધા હોત તો આ સ્થિતિ સર્જાત નહીં.’

અા મુદ્દે પાલિકાને ઓનલાઇન ફરિયાદ કરનાર દીપ પરીખ કહે છે કે, ‘મેં ફરિયાદ અેમજીવીસીએલને પણ કરી હતી. તેનો સ્ટાફ થાંભલાઓ પાસે આવીને કંઇક કામગીરી કરતાં મેં ફોટો પાડીને ટ્વીટર પર મૂકીને પ્રસંશા પણ કરી હતી. પણ પછી તેમણે કોઇ કામગીરી ન કરતાં હું હતાશ થયો છું.’

‘મારો જીવ તો માંડ બચ્યો, પણ હજીય થાંભલા દૂર થયા નથી’
જ્યારે આ થાંભલાને લીધે કાર અકસ્માતનો ભોગ બનનાર ચાલક શિવાજી રાજપૂતે (વિનંતીથી નામ બદલ્યું છે) જણાવ્યું કે, તે દિવસે વરસાદ ધોધમાર હતો. હું રસ્તા પર ડિવાઇડરથી બે ફૂટ દૂર સમાંતરે જ કાર ચલાવતો હતો કારની ઝડપ ધીમી હતી છતાં થાંભલો જોવાયો નહીં. હું 16 વર્ષથી ડ્રાઇવિંગ કરું છું પણ શહેરમાં આવો રસ્તો પહેલીવાર જોયો છે. આજે અકસ્માતને 21 દિવસ થયા પણ હજીય થાંભલા દૂર થયા નથી.

અન્ય સમાચારો પણ છે...