• Gujarati News
  • National
  • Vadodara News Drainage Work To Meet In 3 Months On Vip Road Is Not Completed Even After Five Months 073158

વીઆઇપી રોડ પર 3 મહિનામાં પૂરી કરવાની ડ્રેનેજની કામગીરી પાંચ મહિને પણ પૂરી ન થઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારેલીબાગ વીઆઇપી રોડ સ્થિત વીઆઇપી કોમ્પ્લેકસ પાસે ડ્રેનેજ લાઇનના જોડાણની કામગીરી પાંચ મહિનાથી પૂરી થવાનુ નામ લઇ રહી નથી અને તેના કારણે રોજના 25 હજારથી વધુ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

કારેલીબાગ વીઆઇપી રોડ અને તેની આસપાસના વિસ્તારના રહેણાંકોમાં ડ્રેનેજના દુષિત પાણી ભરાઇ રહેતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના ઉકેલ માટે પાલિકાના ડ્રેનેજ પ્રોજેકટ વિભાગે પંપીગ સ્ટેશન પાસે ડ્રેનેજ લાઇન અને તેના જોડાણની કામગીરી ચાલુ વર્ષના પ્રારંભે હાથ પર લીધી હતી.

આ કામગીરી ત્રણ મહિનામાં પૂરી કરવાનો લક્ષ્યાંક આપી દેવાયો હતો અને તેના માટે 20 લાખ રૂપિયાનુ ટેન્ડર મંજુર થયુ હતુ. જેના કારણે, અમિતનગર સર્કલથી વુડા સર્કલ તરફ જવાનો રસ્તો આ ભાગ પૂરતો બંધ કરી દેવાયો હતો.

હેવી મશીનરી અને મજુરોની સંખ્યાને ધ્યાનમાં રાખી વીઆઇપી વ્યૂ કોમ્પ્લેકસ પાસેનો રસ્તો વાહનચાલકોની અવરજવર માટે બંધ કરી દેવાયો હતો અને તેના કારણે વાહનચાલકોને અમિતનગર બ્રિજનો અથવા આનંદનગર થઇને વુડા સર્કલ તરફ જવાનો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

આ કામગીરી માર્ચ મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં પૂરી થઇ જશે તેવી આશા હતી પરંતુ મે મહિનાના બીજા સપ્તાહ સુધી આ કામગીરી પૂરી થઇ નથી અને હજુ ઓછામાં ઓછા પંદર દિવસનો સમય લાગે તેવી શકયતા છે.

ડ્રેનેજ લાઇનની કામગીરી દરમ્યાન રાયકા દોડકાથી શહેર તરફ આવતી પાણીની 900મીમી મુખ્ય નળિકામાં ભંગાણ પડતા પાલિકા માટે બાર સાંધે ને તેર તૂટે જેવી હાલત ઉભી થઇ હતી. આ લાઇન બંધ કરીને તેનુ ચેકીંગ કરવામાં આવતા 22 મીટર જેટલો ભાગ જર્જરિત હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને તેના પરિણામે પાણીની 22 મીટરનો ભાગ નવો નાંખવો પડે તેવી સ્થિત ઉભી થઇ છે.

પંદર દિવસમાં જ કામગીરી પૂરી કરી દેવાશે
આમ તો ત્રણ મહિનામાં ડ્રેનેજ લાઇન નાંખવાની હતી પણ પાણીની ફીડર લાઇનમાં ભંગાણ પડયુ હતુ અને 22 મીટર જેટલો ભાગ જર્જરિત નીકળ્યો છે. આ કામગીરીના કારણે હવે મહત્તમ 15 દિવસમાં ડ્રેનેજ જોડાણની કામગીરી પૂરી કરી દેવાશે અને બંધ રસ્તો ખુલ્લો કરી દેવાશે. રાજેશ શિમ્પી, કાર્યપાલક ઇજનેર(ડ્રેનેજ પ્રોજેકટ)

અન્ય સમાચારો પણ છે...