તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકોટામાં કોંગ્રેસના દબાણથી ભાજપના અગ્રણીની દુકાન તૂટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના આગેવાનની અકોટા બ્રિજ પાસે આવેલી દુધની દુકાનના બાંધકામ મામલે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે ગાંધીનગર સુધી લડત આપતા આખરે પાલિકાની દબાણ શાખાએ દુકાનનુ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડયું હતું. તેવી જ રીતે, સમતા વિસ્તારમાં ગેરકાયદે ઢોરવાડો પણ તોડી નાંખ્યો હતો.

શહેર ભાજપના આગેવાન મદનમોહન શર્માની માલિકીનુ ક્રિષ્ણા દુગ્ધાલય અકોટા બ્રિજ પાસે આવેલું હતું. પાલિકાની દબાણ શાખાએ આઠ મહિના અગાઉ દાંડિયા બજાર અકોટા બ્રિજ પાસે રોડલાઇનમાં નડતરરૂપ દબાણોનો સફાયો બોલાવ્યો હતો અને તેમાં પૂર્વ કાઉન્સિલર ઇમ્તિયાઝ પટેલની હોટલનો પણ સમાવેશ થતો હતો. પરંતુ, આ તોડફોડમાં એક જ દુકાનનુ બાંધકામ યથાવત રહેતા વિવાદ સર્જાયો હતો.

જેથી, કોંગી આગેવાન ઇમ્તિયાઝ પટેલે પાલિકામાં તેમજ ગાંધીનગરમાં આ દુકાનનુ બાંધકામ ગેરકાયદેસર હોવાનો આક્ષેપ કરી તેને તોડી પાડવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. જેના પરિણામે, ગાંધીનગરથી પાલિકાના સત્તાધીશોને ઘટતી કાર્યવાહી કરવાની સૂચના મળી હતી. દુકાનનુ માર્જિનમાં બાંધકામ દુર કરવાની તાકિદ કરતી નોટિસ ઇસ્યુ કરી હતી.

આ નોટિસ બાદ ક્રિષ્ણા દુગ્ધાલયના સંચાલક એવા ભાજપી આગેવાન મદનમોહન શર્માએ બાંધકામ તૂટે નહીં તે માટે રાજકિય પ્રયાસો કર્યા હતા. જેમાં પ્રાથમિક તબક્કે સફળતા પણ મળી હતી પરંતુ વિવાદ વધુ વકરે તેવી આશંકા વહેતી થતાં દબાણ શાખાએ શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે આ દુકાનનુ માર્જિનમાં કરાયેલુ બાંધકામ પર જેસીબી ફેરવી દેતા વિવાદનો અંત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...