• Gujarati News
  • National
  • Vadodara News Baglamukhi Temple In Pacific Underground In Case Of Cheating Of 2180 Lakh With Factory Owner 074147

ફેક્ટરી માલિક સાથે 21.80 લાખની ઠગાઇના કેસમાં બગલામુખી મંદિરનાે પ્રશાંત ભૂગર્ભમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વારસિયા રિંગ રોડના બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરુ ડો.પ્રશાંત ઉપાધ્યાયે શહેરના ફેકટરી માલિકને તેમનો ધંધો સારી રીતે ચાલે તે માટે રોકડા રૂપિયા અને સોનું લઇ બગલામુખી યંત્ર અને શ્રી યંત્ર બનાવી સ્થાપીત કરવું પડશે તેમ જણાવી 21.80 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ વારસિયા પોલીસમાં નોંધાયા બાદ પ્રશાંત ઉપાધ્યાય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસે મંદિર અને તેમના ઘર સહિતના સ્થળોએ તપાસ કરી હતી પણ તે મળી આવ્યા ન હતા.

બાસ્કામાં કાસ્ટિંગ મશીન પાર્ટસની ફેકટરી ધરાવતા દેવરાજભાઇ ભાનુભાઇ પંડયાને ધંધામાં 2 કરોડની ખોટ ગઇ હતી અને ત્યારબાદ મિત્રની સલાહથી તેઓ વારસિયા રિંંગ રોડ પરના બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યામંદિરમાં ગુરુ પ્રશાંત ઉપાધ્યાયને મળ્યા હતા. પ્રશાંત ઉપાધ્યાયે હું કહું ત્યાં મારા દ્વારા સિદ્ધ કરેલા યંત્રો મૂકવા પડશે તેમ જણાવ્યું હતું અને ધંધો સારો ચાલશે તેવી આશા અપાવી અલગ અલગ રીતે 21.80 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ તેમણે વારસીયા પોલીસમાં નોંધાવી હતી. ફેકટરી માલીકે પ્રશાંત ઉપાધ્યાયને વારંવાર પોતાનું કામ થયું ન હોવાનું જણાવી 21.80 લાખ પરત માંગતા પ્રશાંત ઉપાધ્યાયે ગુસ્સે થઇ બૂમો પાડીને ધમકાવ્યા હતા અને પૈસા માગ્યા તો કુટુંબ અને ધંધાની દશા બગાડી દઇશ તેવી ધમકી આપી હતી.

વારસીયા પીઆઇ આનંદે જણાવ્યું હતું કે પ્રશાંત ઉપાધ્યાય ફરાર છે અને તે કયાં છે તેની માહિતી હજુ મળી શકી નથી. પોલીસે મંદિર અને પ્રશાંતના ગોત્રી સ્થિત મકાનમાં તપાસ કરી પૂછપરછ કરી હતી પણ પતો મળી શક્યો નથી. મુંબઇ છે કે કોઇ અન્ય સ્થળે છે તેની કોઇ માહિતી મળી નથી.પોલીસે તેમના મોબાઇલ લોકેશનના આધારે શોધખોળ શરૂ કરી હતી.

ભોગ બનેલી 3 વ્યક્તિ સહિત 4નાં નિવેદન લેવાયાં

ફેકટરી માલીકે પોલીસને જણાવ્યું હતું કે તેમની સાથે 21.80 લાખની ઠગાઇ કરાઇ હતી પણ આ ઉપરાંત શિયાબાગમાં રહેતા ભુમિકા સંતોષભાઇ ભગત તથા હાલોલમાં રહેતા કલ્પના વિજયકુમાર શાહ તથા હિતેશ જયંતીલાલ સોની સાથે પણ પ્રશાંત ઉપાધ્યાયે તેમનો વિશ્વાસ સંપાદન કરી સોનું અને રુપીયા લઇ પરત કર્યા ન હતા અને ઠગાઇ કરી હતી. જેથી પોલીસે આ મામલે ભોગ બનેલા અન્ય ત્રણ જણા ઉપરાંત હરીશ પટેલના નિવેદન લીધા હતા અને તેમની સાથે કઇ રીતે ઠગાઇ આચરાઇ હતી તે વિશે પુછપરછ કરી હોવાનું પીઆઇ એસ.એસ.આનંદે જણાવ્યું હતું.

આજવા રોડ પર રહેતા અનુયાયીને ત્યાં પણ તપાસ

પોલીસે જણાવ્યું હતું કે પ્રશાંત ઉપાધ્યાય તેમના અનુયાયીઓને ત્યાં હોવાની શંકાના આધારે આજવા રોડ પર રહેતા એક અનુયાયીને ત્યાં તપાસ કરાઇ હતી પણ તે મળી આવ્યા ન હતા. તેમના મોબાઇલ ફોનના લોકેશનના આધારે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...