• Gujarati News
  • National
  • Vadodara News Attached To The Hospital Near Watergate Save 30 Patients Including Patients 073645

પાણીગેટ પાસેની ફેથ હોસ્પિટલમાં અાગ : દર્દીઓ સહિત 30નો બચાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા, બુધવાર, 15 મે , 2019

ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

પાણીગેટ ટાંકી અાયુર્વેદિક ત્રણ રસ્તા પાસે અાવેલા ફેથ હોસ્પિટલમાં સાંજે 7:15 વાગે સોલાર પેનલમાં શોર્ટસર્કિટને પગલે લાગેલી અાગથી દોડધામ મચી હતી. ઇન્ડોર હોસ્પિટલમાં દાખલ મેડિસીનના 12 દર્દીઅોને અને 15 જણના સ્ટાફ સહિત 30 વ્યક્તિને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ અાગ પર કાબૂ મેળવ્યો હતો. અાગને પગલે કોઇને ઇજા પહોંચી નહોતી.

અાયુર્વેદિક ત્રણ રસ્તા પાસે અાવેલી ઇન્ડોર હોસ્પિટલના ચોથા માળે મંગળવારે રાત્રે 7:15 વાગે સ્ટોર રૂમ પાસે અચાનક લાગેલી અાગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અાગને પગલે ધુમાડાના ગોટા જોઇ લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલા તાવ -શરદી સહિતના 12 દર્દીઅો પૈકી અેક દર્દી ઉઠી શકે તેમ ન હોવાથી મુશ્કેલી વધી હતી. જોકે બાજુની મસ્જિદમાં નમાઝ પઢી રહેલા યુવાનો અને ટ્રાફિક પોઇન્ટ પર હાજર પોસઇ જે.જે. પરમારે બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાને પગલે ફાયર અોફિસર અેમ.અેમ. મોઢ સહિત દોડી અાવેલા સ્ટાફે અાગ પર કાબૂ મેળવવા 3 ફાયર ફાઇટર કામે લગાવ્યાં હતાં. અાગને પગલે રોડપર ટ્રાફિક જામ થતાં પાણીગેટ પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. સદ્નશીબે અાગમા કોઇને ઇજા કે હાનિ પહોંચી નહોતી. આગ લાગ્યા બાદ 30 વ્યક્તિઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

આગને પગલે તમામ દર્દીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા
સોલાર પેનલના કાચ અને બોટલ ચિંતાનો વિષય
ચોથા માળે લાગેલી અાગ બાદ ગ્લુકોઝના સલાઇન સ્ટોર રૂમમાં ફૂટી રહ્યા હતા. દરમિયાન ચોથા માળે અગાસીમાં અાવેલી સોલાર પેનલની નીચે અોક્સિજનના બોટલ હતા. અા બોટલ અને સોલાર પેનલના કાચ અને બારીના કાચ તૂટે તો સીધા રોડ પર પબ્લિકને ઇજા થાય તેથી પોલીસ દ્વારા લોકોને દૂર ખસેડ્યા હતા.

હોસ્પિટલ્સમાં ફાયર સેફટીની સુવિધા અંગે તંત્ર દ્વારા ચેકિંગ કરાતું જ નથી
અમદાવાદમાં એક દિવસ અગાઉ હોસ્પીટલ ઉપરના ભાગે આવેલા રેસ્ટોરન્ટમાં ગેસનો બોટલ ફાટતા આગની ઘટના બની હતી. મંગળવારે શહેરમાં પણ હોસ્પિટલમાં આગની ઘટના બનતા લોકોમાં ભારે ગભરાટ વ્યાપી જવા પામ્યો હતો. હોસ્પિટલના માલિક ડો.મોહમદ હુસૈનના જણાવ્યા અનુસાર ફાયર સેફટીના તમામ સાધનો હોસ્પિટલમાં ઉપલબ્ધ હતા. જોકે બીજી તરફ ફાયર બિગ્રડના સૂત્રોએ જમવાનું બનાવાની શકયતાઓના પગલે છમકલું થયું હોય તેવી શકયતાઓ નકારી ના હતી. ટયુશન કલાસીસની જેમ હવે હોસ્પીટલોમાં પણ ફાયર સેફટી અંગે ફાયર બિગ્રેડ દ્વારા ડ્રાઇવ ચલાવામાં આવે તેવી માંગણી ઉઠી છે. શહેરની ઘણી હોસ્પીટલોમાં ફાયર સેફટીની સુવિધા ના હોવા છતાં પણ ચેકીંગ થતું નથી.

પાણીગેટ રોડ પરની ફૈથ હોસ્પિટલમાં આગ લાગતાં લોકોના ટોળાં ઉમટ્યાં હતા. બે મકાન બાદ સર્જિકલ હોસ્પિટલ અાવેલ હોવાથી તેમાં દર્દીઅોને ત્યાં ખસેડવામાં અાવ્યા હતા.

18

અન્ય સમાચારો પણ છે...