તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News An 11 Year Old39s Happy Suicide Within 10 Minutes After Dad Drank Water In Gorwa 080506

ગોરવામાં પપ્પાને પાણી પીવડાવ્યાની 10 મિનિટમાં 11 વર્ષીય ખુશીનો આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરવાની માત્ર 11 વર્ષની વિદ્યાર્થિની પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન રવિવારે પોતાના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. યોગાનુયોગ તેની માતા પહોંચી જતાં તેને બચાવી લઇ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી પણ તે આખરે શુક્રવારે રાત્રે જિંદગી સામેનો જંગ હારી ગઇ હતી. કુમળી વયે છોકરીએ આત્મહત્યા કરી લેતાં સમગ્ર ટેલર પરિવારમાં શોકનું મોજું ફેલાઇ ગયું હતુંં.

ગોરવાની નર્મદાનગરી વિભાગ-3માં રહેતા નાગેશ ટેલરની દીકરી ખુશી ગોરવા વિસ્તારની એલેમ્બિક સ્કૂલના ધો.6માં અભ્યાસ કરતી હતી. ગત 22મી સપ્ટેમ્બરે બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં એકલી હતી. તેની માતા ભાવનાબહેન ઘરની સામે સોસાયટીના પ્લોટમાં આયોજિત રામકથામાં ગયાં હતાં. જ્યારે તેના પિતા નાગેશભાઇ નોકરીએ જવા નીકળ્યા હતા. નોકરીએ નીકળતાં પહેલાં તેમણે પોતાની દીકરી પાસે પાણી માગતાં તેણે પાણી પણ આપ્યું હતું. તેમના નીકળી ગયા બાદ યોગાનુયોગ વરસાદ શરૂ થતાં ખુશીની માતા ભાવનાબહેન ઘરના પાછળના ભાગે ગોદડીઓ સૂકાવવા મૂકી હોવાથી તેને લેવા દોડી ગયાં હતાં. તેમણે બારીમાંથી જોતાંં પોતાની વહાલીસોયી દીકરી ઓઢણી વડે પંખા પર ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી. તેમણે તુરત જ પાડોશીઓને એકત્ર કરતાં તેને નીચે ઉતારીને હોસ્પિટલ લઇ જવાઇ હતી પણ તબીબોના પ્રયાસો બાદ પણ તેની હાલત ખૂબ જ નાજુક બની જતાં અને રિકવરીના આસાર ન દેખાતાં પરિવારજનો ઘરે લઇ આવ્યાં હતાં. શુક્રવારે રાત્રે 10.30 વાગ્યે તે જીવન સામેનો જંગ હારી ગઇ હતી. ખુશીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

ખુશી બપોરે શ્રાદ્ધનું જમણ પણ કુટુંબનાં સભ્યો સાથે જમી હતી
ખુશીના પિતાએ જણાવ્યું કે, ‘ ખુશીને કોઇ વાતનું દુ:ખ ન હતું. તે ભણવામાં પણ તેજસ્વી હતી. શાળામાંથી પણ ક્યારેય કોઇ ફરિયાદ ન હતી. મોબાઇલ ગેમ્સને લીધે બનતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને અમે ક્યારેય મોબાઇલ પણ આપતા ન હતાં. ગોત્રી ઇએસઆઇ હોસ્પિટલમાં નોકરી માટે પહોંચ્યો, પંચ કર્યું અને પાંચ જ મિનિટમાં મને ખુશીએ જે કર્યું તેનો ફોન આવ્યો હતો. તેની પરીક્ષા ગુરુવારે શરૂ થઇ હતી. તેનાં ત્રણ પેપરો પણ સારાં ગયાં હતાં. મંગળવારે અમે પાવાગઢ ફરવા ગયાં હતાં ત્યારે પણ ખુશ હતી.’

આચાર્ય-શિક્ષકો પણ આવ્યાં
ખુશીએ ફાંસો ખાધો એ જ દિવસે એલેમ્બિક સ્કૂલના આચાર્ય અને શિક્ષકોને જાણ કરવામાં આવી હતી. આજે તેની અંતિમ ક્રિયા પૂર્વે તેના ઘરે શાળાના આચાર્ય ભરત પરમાર અને શિક્ષકો હાજર રહ્યાં હતાં. આચાર્યે જણાવ્યું હતું કે, ‘ ખુશી ભણવામાં તેજસ્વી હતી. તેના ક્લાસનાં ટોપ ટેન વિદ્યાર્થીઓમાં તેનો સમાવેશ થતો હતો.’

વિદ્યાર્થીઓની સહનશક્તિ ઘટી છે
ચાઇલ્ડ લાઇનના કોઓર્ડિનેટર ક્ષમાબહેન ઉપાધ્યાયે જણાવ્યું કે, ‘ આજે નાની વયનાં બાળકોમાં સહનશક્તિ ખૂબ જ ઘટી ગઇ છે. ત્યારે માતા-પિતા સતત સંવાદ પોતાનાં બાળકો સાથે રાખે તે જરૂરી છે. કંઇક ઠપકો પણ અપાય તો તેઓ એવું પગલું પણ ભરતાં અચકાતાં નથી, જેનાં પરિણામો ખૂબ માઠાં આવી શકે છે.’ ચાઇલ્ડ લાઇન પર આવતા કોલમાં ઘણાં બાળકો ફોન કર્યા બાદ ચૂપ પણ રહી જાય છે અથવા સાચી વાત પહેલા તબક્કે બતાવતાં નથી.

અન્ય સમાચારો પણ છે...