- Gujarati News
- National
- Vadodara News A Pair Of Gold Chains Who Stole Gold Chains Caught Sight Of Jewelers 080111
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જ્વેલર્સની નજર ચૂકવી સોનાની ચેઇન ચોરનાર તાંદલજાનું દંપતી ઝડપાયું
શહેરના મુજમહુડા વિસ્તારના સિલ્વર આર્કેડમાં આવેલ જ્વેલર્સ શોપમાં ગ્રાહક તરીકે ખરીદી કરવાના બહાને ગયેલા દંપતીએ દુકાન માલિકની નજર ચુકવીને સોનાની 13 ગ્રામની ચેઇનની ચોરી કરી હતી. જે.પી.પોલીસે આ મામલે તપાસ કરીને ચોરી કરનાર તાંદલજાના દંપતીને ઝડપી લીધા હતા. પોલીસે દંપતી પાસેથી ચોરીની ચેઇન ખરીદનારા સોનીને પણ ઝડપી લીધો હતો. દંપતીએ છેલ્લાં છ માસમાં અલગ અલગ 3 જ્વેલર્સ શોપમાં આ જ પ્રકારે ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અને માહિતી અનુસાર મુજમુહડા સિલ્વર આર્કેડ કોમ્પલેક્ષમાં આવેલ અર્બુદા જ્વેલર્સના માલિક રવિ જેસંગભાઇ ચૌધરીએ જે.પી. પોલીસમાં એક દંપતી સામે ફરિયાદ નોંધાવી હતી. ગત 11 જાન્યુઆરીએ તેમની દુકાનમાં એક મહિલા અને પુરુષ ગ્રાહક તરીકે આવ્યા હતા અને દાગીના ખરીદવાનું જણાવ્યું હતું.ત્યારબાદ તેમણે એક ચેઇન અલગ કાઢી રાખી રાખવા જણાવ્યું હતું અને બંને જતા રહ્યા હતા.
સાંજે માલિકના ધ્યાનમાં આવ્યું હતું કે આ દંપતીએ તેમની નજર ચુકવીને સોનાની 13 ગ્રામની ચેઇનની ચોરી કરી હતી. જે.પી. પીઆઇ ડી.કે.વાઘેલાએ આ મામલે ગુનો નોંધી તપાસ કરીને સીસી ટીવી કેમેરાના ફુટેજના આધારે ચોરી કરનાર દંપતી હરિમખાન ઉમરદરાજખાન પઠાણ (ઉ.53) તથા તેમની પત્ની મહેમુદાબાનુ રહિમખાન પઠાણ (ઉ.44, ઝમઝમ પાર્ક, તાંદલજા)ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી સોનાની ચેઇન તથા બાઇક અને 16 હજાર રૂપિયા રોકડા તથા મોબાઇલ ફોન મળીને કુલ 1.19 લાખ રુપીયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બંનેએ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તેમણે 13 ગ્રામની સોનાની ચેઇન ઘડીયાળી પોળમાં આવેલ સોની માનવ હરિષ બંધારાને વેચી હોવાનું જણાવતાં પોલીસે સોની માનવ બંધારાની પણ ધરપકડ કરી હતી.