- Gujarati News
- National
- Vadodara News 5 Sim Cards Received From Saleem Jarda In Jail Were Activated From Godhra 073605
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જેલમાં સલીમ જર્દા પાસેથી મળેલાં 5 સિમકાર્ડ ગોધરાથી અેક્ટિવ કરાયાં હતા
વડોદરા સેન્ટ્રલ જેલમાં ગોધરાકાંડનો આરોપી સલીમ યુસુફ જર્દા પાસેથી ઝડપાયેલા મોબાઈલ ફોનમાંથી કુલ 5 સીમકાર્ડ વપરાયા હતાં, તેમજ આ તમામ સીમકાર્ડ ગોધરાથી અેક્ટીવેટ કરાયા હોવાનું ક્રાઈમ બ્રાંન્ચની તપાસમાં બહાર આવ્યું છે. સલીમ જર્દા પાસેથી કુલ 5 મોબાઈલ ઝડપાયા છે,જે મોબાઈલના IMEI નંબર પરથી તપાસ કરતા 24 નંબર પર વાતો થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ક્રાઈમ બ્રાંન્ચે 9 અને 17 ડિસેમ્બરના રોજ જેલમાં ઝડપાયેલા 6 મોબાઈલ કેસમાં ગોધરાકાંડના આરોપી સલીમ જર્દાની ધરપકડ કરી હતી.પોલીસ પૂછપરછમાં જેલમાં મોબાઈલ ફોન પહોચાડનાર પાકા કામના કેદી અશોક વસાવા અને મોબાઈલ ખરીદી જેલ સુધી પહોચાડનાર ગોધરાના સોઅેબ અબ્દુલ રઝાક સમોલની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાંન્ચના જણાવ્યા અનુસાર, સલીમ જર્દા પાસેથી મળેલા મોબાઈલ અને તેમાંથી ઉપયોગ થયેલા સીમકાર્ડ ગોધરાથી અેક્ટિવેટ થયા હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ ગોધરા તપાસ કરતા આ સીમકાર્ડ સાદીક અબ્દુલ રઝાક નામે ખરીદાયેલા હતાં. જ્યારે સાદીક રઝાક 70 ટકા વિકલાંગ હોવાથી તેનો ભાઈ સોઅેબ અબ્દુલ રઝાક સમોલે તેના ભાઈના નામે જીઓ કંપનીના મોબાઈલ ફોન તથા સીમકાર્ડ ખરીદ્યાં હોવાનું બહાર આવ્યું હતું.
સાફ-સફાઈ માટે જેલ કંપાઉન્ડના મંદિરમાં આવતો અશોક વસાવા મોબાઈલ ઘુસાડતો
સલીમ જર્દાની સૂચના મુજબ ગોધરાનો સોઅેબ અબ્દુલ રઝાક જેલમાં મોબાઈલ પહોચાડવાનું કામ કરતો હતો. જેલમાં મર્ડરના ગુનામાં 7 વર્ષથી સજા ભોગવી રહેલો અશોક વસાવા રૂ.2 હજારમાં મોબાઈલ જેલમાં લાવવા માટે તૈયાર થયો હતો. અશોકને જેલના કંપાઉન્ડમાં આવેલા મંદિરમાં સાફ-સફાઈ કરવાનું કામ આપવામાં આવ્યું હતું. જેથી સોએબ એક વર્ષ પૂર્વે સિમકાર્ડ સાથેનો મોબાઈલ ફોન લઈ જેલ કમ્પાઉન્ડમાં છુપાઈનો ઉભો રહ્યો હતો. જ્યાં અશોક આવતા સોએબે તેના પગના ઢીંચણના નીચેના ભાગમાં દોરીથી મોબાઈલ ફોન બાંધી આપીને રૂ.2 હજાર આપી દિધા હતા. અશોકે પગમાં મોબાઈલ બાંધેલી હાલતમાં જેલનો મેઈન ગેટ ક્રોસ કરીને બેરેક સુધી પહોંચી ગયો હતો અને સલીમને ફોન આપ્યો હતો.
કેદીઓ ફોન પર ક્યારે અને કેટલો સમય વાત કરતા તે અંગે તપાસ શરૂ
ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે. જે. પટેલે જણાવ્યું હતું કે, કેદીઓએ સલીમ ઝર્દા પાસેથી મોબાઈલ મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી. તેમજ જેલના શંકાસ્પદ પોલીસ જવાનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં કેદીઓ ક્યારે ફોન કરતા હતા અને કેટલો સમય વાત કરતા હતા તે અંગે તપાસ ચાલી રહી છે.ક્રાઈમ બ્રાન્ચ સલીમ ઝર્દાની બીજા ચાર ગુનામાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાશે.
એક વર્ષમાં જેલમાંથી કુલ 31 મોબાઈલ ફોન મળ્યા, 22 ફરિયાદ, 26ની ધરપકડ
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી છેલ્લા વર્ષમાં કુલ 31 મોબાઈલ મળી આવ્યાં છે,જેમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં કુલ 22 અેફ.આઈ.આર દાખલ થઈ છે. જેમાં સલીમ જર્દા, સાજીદ અરબ, તૈસીફ મલેક,સોઅેબ સમોલ, મયુર ગાયકવાડ,આસીફ શેખ, અબ્દુલ શેખ, અશોક વસાવા,ફકીર હનીફ, મહેબુબ શેખ, હુસૈન સુન્ની, કાનારામ સુથાર,જીવણભાઈ સોલંકી,અક્રમ ચાવડા,ઈબ્રાહીમ મેમણ,જયંતી દફડા, ઈકબાર મન્સુરી,કિશન ખોખર,મયુર સીંધા, રૂબીન શેખ, મુકેશ ઠાકોર,નાગેરી છોટુમીયા,તૌફીક મલેક, ઈમરાન પોસ્તી, હસમુખ રાવળ,દિનેશ રાજભાર,સંજય ઠક્કર,પંકજ પલાસ, રમઝાનમીયા સીંધી, ફિરોઝ શેખ, કાદર શેખ, ખાલીદ શેખ અને મહોમદઈલીયાસ મળી કુલ 26 આરોપીની ધરપકડ કરી છે.
એક કેદી પાસે મહિને Rs.5 હજાર ચાર્જ લેતો
સોઅેબ જર્દા અેક કેદી પાસેથી મહિને રૂ.5000 જેટલો ચાર્જ લેતો હતો. જ્યારે જેલમાં બેઠા બેઠા તે તેના સગા સંબંધીના એકાઉન્ટ નંબર આપતો હતો અને તેના ખાતામાં ફોનના ચાર્જ પેટે લીધેલા પૈસા જમા કરાવડાવતો હતો.