Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જમીનનું નકલી કુલમુખત્યારનામું કરી વેચાણ દસ્તાવેજ કરનારા 2 ઝડપાયા
કપુરાઇ ગામમાં આવેલી જમીનનું બોગસ કુલમુખત્યાર બનાવી તેના આધારે વેચાણ દસ્તાવેજ કરી લેનારા 4 જણા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા.
કપુરાઇ ગામમાં રહેતા ચંદુભાઇ શનાભાઇ પરમારે ક્રાઇમ બ્રાન્ચમાં રાજેન્દ્ર કનુભાઇ રબારી, હિતેશ કનુભાઇ રબારી, પ્રવિણ કરમશીભાઇ રબારી અને ચેતન નાગજીભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેમની કપુરાઇ ગામમાં વડીલોપાર્જિત ખેતીની જમીન આવેલી છે. આ જમીનનો હક્ક-હિસ્સો ડુબાડવા માટે ખેડૂતે કરેલા દરેક કરારો રદ કર્યા હોવા છતાં આ શખ્સોએ ખોટું કુલમુખત્યારનામું બનાવી તેના આધારે આ કુલમુખત્યારનામું ચાલુ હાલતમાં છે તેવું ખોટું સોગંદનામું તૈયાર કર્યું હતું અને ખેડૂતને તેની જાણ પણ ન હતી. ત્યારબાદ આ શખ્સોએ ખોટા સોગંદનામાનો ઉપયોગ કર્યો હતો. ખેડૂતે સરકારમાં પ્રીમિયમ ભરી નવી શરતની જમીન જૂની શરતની કરાવી હોવા છતાં આ શખ્સોએ બોગસ રદ કરેલું કુલમુખત્યારનામું સરકારી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. દસ્તાવેજમાં દર્શાવેલ અવેજની રકમના ખોટા ચેક નંબરો દર્શાવી તે અવેજની રકમના ચેકો તથા અવેજની રકમ ખેડૂતને મળી ન હોવા છતાં તે રકમ દસ્તાવેજમાં દર્શાવી વેચાણ દસ્તાવેજ કર્યો હતો. ખેડૂત સાથે વિશ્વાસઘાત થતાં તેમણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ મામલે ગુનો નોંધીને રાજેન્દ્ર ઉર્ફે રાજુ કનુ રબારી તથા હિતેશ કનુ રબારી (બંને રહે. કપુરાઇ ગામ)ને ઝડપી લીધા હતા અને અન્ય 2ની શોધખોળ શરૂ
કરી હતી.
ખેડૂતની કાયદાની અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવ્યો
ખેડૂતે પોલીસને જણાવ્યું હતું કે, તેમની નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાની હોવાથી તેમણે વર્ષોથી ઓળખીતા રાજુ રબારી અને હિતેશ રબારીનો સંપર્ક કરતાં બંનેએ જમીનના દસ્તાવેજો લઇ લીધા હતા અને ખેડૂતની કાયદાની અજ્ઞાનતાનો લાભ લઇને તેમની પાસેથી કુલમુખત્યાર પત્ર લખાવી દીધું હતું અને સહીઓ પણ લીધી હતી. ત્યારબાદ જમીન ફેરફારની કાર્યવાહી થઇ શકી નથી તેવું ખોટું બોલી તમારા દસ્તાવેજના કાગળો ફાડી નાખ્યા છે, તેમ જણાવ્યું હતું.
તમે અમને જમીન લખી આપી છે, તમારું કંઈ લાગે નહીં, કહી હુમલો કર્યો
ખેડૂતે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ટીપી સ્કીમનો ફાઇનલ પ્લોટ પડતાં તે તલાટી ઓફિસે જતાં રાજુ અને હિતેશ રબારી જમીનનો નકશો અને કાગળો લઇ ગયા છે તેવું જાણવા મળ્યું હતું. જેથી ખેડૂત બંને પાસે જતાં તેમણે આ જમીન તમે અમને લખી આપી છે, તમારું આ જમીનમાં કંઇ લાગે નહીં તેમ જણાવી તેના કટુંબીજનોએ ખેડૂત પર હુમલો કર્યો હતો. જે અંગે ખેડૂતે વરણામા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
ખેડૂતે કપુરાઈની જમીનનો હક્ક-હિસ્સો ડૂબાડવા કરેલા કરારો રદ કર્યા હતા
_photocaption_પોલીસે ઝડપેલા બે આરોપી.*photocaption*