તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા ગેસ લિમિટેડે પાઈપ લાઈનથી અપાતા ગેસના ભાવમાં 3.26 રૂપિયાનો કર્યો વધારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: યુએસ ડોલરની સામે રૂપિયો નબળો પડતાં વડોદરા ગેસ લિ.એ પ્રતિ યુનિટે રૂા.3.26નો વધારો કરતાં નવો ભાવ રૂા.28.50નો આવ્યો છે અને મહિને સરેરાશ 16 યુનિટના વપરાશકર્તા પરિવારના માસિક બિલમાં રૂા.52.16નો વધારો આવ્યો છે. જોકે, પાઇપ્ડ ગેસના રૂા.456ના નવા બિલની સામે ગેસ સિલિન્ડર રૂા.527માં પડતાં પાઇપ્ડ ગેસ નાગરિકોને હજુ સસ્તો પડશે.

 

 અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય તરફથી અગાઉ તા.28 માર્ચના રોજ ગુજરાતની ગેસ કંપનીઓને પત્ર મોકલવામાં આવ્યો હતો. દર છ મહિને પાઇપ્ડ ગેસના ભાવોની સમીક્ષા કરવામાં આવી હતી અને તેના કારણે એપ્રિલથી સપ્ટેમ્બર 2018ના સમયગાળા દરમ્યાન એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇઝ મિકેનિઝમ મુજબ રાંધણગેસના બેઝિક ભાવ 2.89 યુએસ ડોલરથી વધીને 3.06 યુએસ ડોલર (એમએમબીટીયુ) થયા હતા.

 

આ સમીક્ષા પુન: કરવામાં આવી હતી અને તેમાં ઘરેલુ ગેસના ભાવમાં ફરીથી 3.06 યુએસ ડોલરથી 3.36 યુએસ ડોલર(એમએમબીટીયુ)નો નવો ભાવ આવ્યો છે. આ સિવાય, છેલ્લા ત્રણ મહિનાથી રૂપિયો નબળો પડતાં ઘરગથ્થુ ગેસના દરમાં રૂા.3.26 (તમામ ટેક્સ સાથે) પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો છે.  વડોદરા ગેસ લિ.ના વડોદરા શહેરના 1.25 લાખ ગ્રાહકો કે જે અત્યાર સુધી રૂા.25.24  તમામ પ્રકારના ટેક્સ સાથે પ્રતિ યુનિટ આપતા હતા તેના હવે રૂા.28.50 પ્રતિ યુનિટ મુજબ ચૂકવવા પડશે.

 

રૂપિયો નબળો પડવાથી કેવી રીતે ભાવ વધારો થયો

 

વડોદરા ગેસ લિ. દ્વારા પાઇપ્ડ ઘરેલુ ગેસની ખરીદીનું ચૂકવણું યુએસ ડોલરમાં કરવામાં આવે છે. છ મહિના પહેલાં ગેસની ખરીદી માટે 3.06 યુએસ ડોલર એમએમબીટીયુ મુજબ ચૂકવણું કરાતું હતું તે હવે 3.36 ડોલરના ભાવે પહોંચ્યું છે. બીજું, આ ખરીદી કરાઇ ત્યારે ડોલરનો ભાવ 65 રૂપિયાનો હતો તે આજે 73 રૂપિયા પર પહોંચી ગયો છે અને તેના કારણે ઘરેલુ પાઇપ્ડ ગેસના ભાવમાં વધારો કરવો પડ્યો છે. -શૈલેશ નાયક, ડાયરેકટર,વડોદરા ગેસ લિમિટેડ

 

વધારા માટે શું અપાયાં કારણો

 

ગેઇલ દ્વારા ગેસ ટ્રાન્સફર કરવાના ભાડામાં વધારો કરાતાં તેની અસર રૂપે ભાવ વધારો  

છેલ્લા ત્રણ મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય ઘટતાં ગેસની ખરીદી મોંઘી પડી અને તેના કારણે ભાવ વધ્યો