તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતનો ભોગ બનેલા અપંગ કૂતરાઓ માટે વિદ્યાર્થીએ વ્હીલચેર બનાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાઃ અકસ્માતનો ભોગ બનતા રખડતા કૂતરાઓ માટે મેકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ વ્હીલ ચેર બનાવી છે. પીવીસી પોલિમરમાંથી બનાવવામાં આવેલી વ્હીલ ચેરની ડિઝાઇનને વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટમાં આઇડિયા સ્ટેજ કેટેગરીમાં પ્રથમ નંબર મળ્યો છે. ભારતમાં વર્ષ દરમિયાન અંદાજિત 45 લાખ કૂતરાઓ અકસ્માતનો ભોગ બને છે.


ભારતમાં દર વર્ષે અંદાજિત 3 કરોડ રખડતા કૂતરાઓમાંથી 45 લાખ જેટલા કૂતરાઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. અકસ્માતના કારણે કૂતરાઓ હાઇન્ડ લિંબ પેરાલિસિસ,ન્યરોન ડિસફંકશન, એમ્યુટેશન, માઇલોપથિ અને ટ્રોમા જેવા રોગોનો શિકાર બનતા હોય છે જેના કારણે કૂતરાઓ ચાલી શકતા નથી અને કોઇની માલિકી ના હોવાના કારણે આ કૂતરાઓનું ધ્યાન રાખવામાં આવતું નથી. શહેરની એમ.એસ.યુનિવર્સિટીના મેકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી આદિત્ય દેવતાએ રખડતા કૂતરાઓ માટે પીવીસી પોલિમરમાંથી વજનમાં હલકી અને શક્તિશાળી વ્હીલચેર બનાવી છે. 


વિદ્યાર્થીના અનોખા આઇડિયાને વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટમાં આઇડિયા સ્ટેજ કેટેગરીમાં પ્રથમ નંબર મળ્યો છે. અાગામી 11,12,13 ઓકટોબરના રોજ યોજાનારી સિમિટમાં વિદ્યાર્થીને એવોર્ડ એનાયત કરાશે. આ ઉપરાંત ડિસેમ્બર મહિનામાં પંઢરપુર ખાતે યોજાનાર ટેક્નોસોસાઇટલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ વિદ્યાર્થીને પેપેર પ્રેઝન્ટેશન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 


સ્ટ્રીટ ડોગ માટે વ્હીલ ચેર ડિઝાઇન કરનારા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અત્યારે મુંબઇ,દિલ્હી અને બેંગ્લોર જેવાં શહેરોમાં મળતી ઇમ્પોર્ટેડ વ્હીલચેરની કિંમત 6500 થી 10,000 રૂપિયા સુધી હોય છે જે સંસ્થાઓને પોસાય તેવી હોતી નથી. હાલમાં ઉપલબ્ધ વ્હીલ ચેર સ્ટીલ અને એલ્યુમિનિયમની બનેલી હોય છે. મારા દ્વારા ડિઝાઇન કરેલી વ્હીલચેર પીવીસી પોલિમરમાંથી બનાવવામાં આવી છે જેનું વજન ખૂબ ઓછું હોય છે.


ઘસારો ન લાગે તે માટે ખાસ પેડિંગ રખાયા


સ્ટ્રીટ ડોગ માટે બનાવવામાં આવેલી વ્હીલ ચેરમાં પીવીસી મટિરિયલ હોવાથી તેની ઘનતા ઓછી છે. તે ઘરે પણ એસેમ્બલ કરી શકાય તેમ છે. કૂતરાઓના પાછળના ભાગે ઘસારો ના થાય તે માટે ખાસ પેડિંગ પણ રાખવામાં આવ્યાં છે.