તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીજીનું મકાન વેચી દેનાર સેજલ-સમાની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાઃ પૂજ્ય જીજીની માલિકીનું માંજલપુરનું મકાન ટ્રસ્ટનું હોવાનું કહી વેચી દેનાર 2 સેવિકા બહેનો સેજલ દેસાઇ અને સમા શાહની ક્રાઇમ બ્રાન્ચે શનિવારે સવારે ધરપકડ કરી છે. કોર્ટે તેમને 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ કહ્યું કે, કમળાબહેન લાડ અને મહેન્દ્રભાઇ ધ્રુવને ટ્રસ્ટીઓ સમા પીયૂષ શાહ, સેજલ કિરીટ દેસાઇ અને ધર્મેશ રમેશ મહેતાએ માંજલપુર હવેલી પાછળનું મકાન રૂા. 82 લાખમાં વેચ્યું હતું. 


જીજીની માલિકીનું આ મકાન ચંદ્રગોપાલજી મહારાજ તેમજ બીજા 6 જણનાં નામે છે તેમ છતાં આ મકાન ઇન્દિરાબેટીજી વલ્લભ સેવા ટ્રસ્ટ અને ઇન્દિરાબેટીજી માનવ કલ્યાણ ટ્રસ્ટના નામે ટ્રાન્સફર થઇ ગયું હોવાનું કહી વેચાણ કર્યું હતું. રૂા. 80,90,000 કેશ અને ચેકથી ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા અને વિડ્રો પણ થયા હતા. બન્ને સેવિકાઓની પોલીસે  નીચે પ્રમાણે પુછપરછ કરી હતી.


સેવિકાઓ સાથે સવાલ અને જવાબ 


સવાલ  : ઇન્દિરાબેટીજી સાથે ક્યારથી પરિચિત હતાં ?
સેવિકાઓ : પૂજ્ય જીજીની સેવામાં એક 30 વર્ષથી અને એક 19 વર્ષથી છીએ.

 

સવાલ : મકાન ટ્રસ્ટના નામે નથી તે તમે જાણતાં હતાં  જો હા તો કેમ વેચ્યું ?
સેવિકાઓ : જીજીએ ઠરાવ કર્યો હતો કે તેમના બાદ અમુક મિલકતો વેચી આ રકમમાંથી 40 ટકા વલ્લભ સેવા અને 60 ટકા માનવ સેવામાં વાપરવી. મકાન ટ્રસ્ટના નામે ટ્રાન્સફર કરવાની પ્રોસિઝર ચાલુ હતી અને ખરીદનાર મહેન્દ્રભાઇને પણ તેની જાણ કરેલી હતી અને એટલે જ વેચ્યું હતું.

 

સવાલ :  તમે વારસદારોને વિશ્વાસમાં લીધા સિવાય આ પગલું ભર્યું ?
સેવિકાઓ : ના, વ્રજરાજબાવાને પણ બધું જાણમાં જ છે, તેમને નોટિસ પણ મોકલી હતી પરંતુ કેસ કરવા પાછળનું કારણ બીજું જ છે. જીજીએ મિલકતોનું શું કરવાનું છે તેનું વીલ કરેલું જ છે પરંતુ વ્રજરાજકુમારજી અને તેમના પિતા બધા પર વારસાઇ હક્ક કરે છે.

 

સવાલ :  તો તમારા મતે સાચું કારણ શું છે ?
સેવિકાઓ : સાચું કારણ વૃંદાવનની 9 એકર જમીનનું છે. આ જમીન પર ઇન્દિરાબેટીજી વલ્લભ સેવા ટ્રસ્ટ અને ઇન્દિરાબેટીજી માનવ કલ્યાણ ટ્રસ્ટ તેમની ઇચ્છા મુજબનું સંકુલ ઉભું કરવા માગે છે જ્યારે વ્રજરાજકુમારજીને તેમની મરજીનું કરવું છે. અમને દબાણમાં લેવા  મકાનનો કેસ કરાયો છે. 

 

સવાલ : મકાન પેટે લીધેલા રૂા. 82 લાખનું શું કર્યું ?
સેવિકાઓ : મકાન પેટે અમને ટ્રસ્ટનાં બે બેંક ખાતાંમાં રૂા. 80,90,000 જમા થયા હતા. અમે આ રૂપિયામાંથી વૃંંદાવનની કરોડોની જમીનની સ્ટેમ્પ ડ્યૂટીના રૂપિયા ભર્યા છે. તેમાં અમારો કોઇ પર્સનલ સ્વાર્થ નથી.

 

સવાલ :  તમે સોશિયલ મીડિયામાં પણ ધર્મગુરુ માટે અશોભનીય લખાણ લખ્યું છે ?
સેવિકાઓ :  હા, ફેસબુકના માધ્યમથી અમે વિશ્વભરના વૈષ્ણવોને અમારી વાત કહેવા માગીએ છીએ. તેમણે અમારી વિરુદ્ધ ન્યૂઝપેપરો અને મેગેઝિનોમાં છપાવ્યું એટલે અમે સોશિયલ મીડિયાનો સહારો લીધો.


જીજીએ 1978માં વૃંદાવનની જમીન 10 લાખમાં લીધી હતી, હાલ 200 કરોડની થઇ

 

પોલીસ સૂત્રો અનુસાર, ઇન્દિરાબેટીજી 1978-79માં ગોવર્ધન પરિક્રમા કરવા ગયાં ત્યારે 10 લાખનું દાન મળ્યું હતું. આ રકમ વૃંદાવનમાં જ આપવા માટે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું કહ્યું હતું. જોકે, સ્થાનિકોએ તેમને આ રૂપિયા અન્ય કાર્યમાં ઉપયોગ કરવાનું કહેતાં જીજીએ રૂા. 10 લાખની વૃંદાવનમાં 9 એકર જમીન લીધી હતી. આ જમીનનો ભાવ 200 કરોડ સુધી પહોંચી ગયો છે.


રાજકોટમાં કૃષ્ણ માય વર્લ્ડનો પ્રોજેક્ટ 10 વર્ષે નથી થતો તો વૃંદાવનમાં ક્યારે કરશે 


સેવિકા મોનિકાએ કહ્યું કે, વૃંદાવનની જમીન માટે આ થઇ રહ્યું છે. ઇજનેરીનો અભ્યાસ કરનાર સેજલ દેસાઇ 19 વર્ષનાં હતાં ત્યારે જીજીથી પ્રેરાઇને અમેરિકાથી તેમની સાથે આવી ગયાં હતાં. સમાબહેન 22 વર્ષથી પરિવાર છોડી જીજીની સેવા કરતાં હતાં. રાજકોટમાં કૃષ્ણ માય વર્લ્ડનો પ્રોજેક્ટ 10 ર્ષે પણ થયો નથી. ત્યારે ત્યારે વૃંદાવનમાં ક્યારે કરાશે તે પણ એક સવાલ છે.


જીજીના અવસાન બાદ બંને બહેનોએ ટ્રસ્ટ બનાવતાં તેનો હેતુ શું તેની તપાસ કરાશે


પોલીસે સેજલ દેસાઇ અને સમા શાહને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે એવી દલીલ કરી હતી કે, સેજલ અને સમા સગી બહેનો છે.સમા લગ્નજીવન ગુજારે છે જ્યારે સેજલ અપરિણીત છે. બંનેએ ઇન્દિરાબેટીજીના અવસાન બાદ બંને ટ્રસ્ટો બનાવેલાં છે તેનો હેતુ જાણવા તેમજ સમા શાહ ટ્રસ્ટી છે જ્યારે સેજલ દેસાઇ નથી તેની પણ તપાસ કરાશે.