એકમાત્ર મુસ્લિમ વિદ્યાર્થિનીને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 66મા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી રહ્યા છે. ત્યારે એમ.કોમમાં અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થિની મસરત સુરતીની પસંદગી ચાન્સેલર મેડલ માટે કરવામાં આવી છે. આ એક માત્ર વિદ્યાર્થિનીને રાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડ મેડલ આપવામાં આવે એવી શક્યતા છે. ત્યારબાદ અન્ય વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવાનો કાર્યક્રમ ઓૈપચારિક બની રહેશે. મસરતનું સી.એ. બનવાનું સ્વપ્ન છે અને સફલતાનું શ્રેય તે પોતાના પરિવારજનોને આપે છે.


મસરતે શહેરની ઝેનિથ સ્કૂલમાંથી12મા ધોરણ સુધીનું ભણતર પૂરું કર્યું હતું. 12મા ધોરણમાં 80 ટકા આવ્યા પછી પણ તેણે કોમર્સ સ્ટ્રીમની પસંદગી કરી હતી. બી.કોમ.માં 84 ટકા લાવીને ઉત્તીર્ણ થયા બાદ તેણે એમ.એસ.યુનિમાં જ એમ.કોમ એકાઉન્ટમાં એડમિશન લીધુંં હતું. મસરત સુરતીના કુટુંબમાં તેમના પિતા મહેબુબ સુરતી દુકાન ધરાવે છે. તેમની માતા ગૃહિણી છે. તેમના ભાઇ એમ.બી.એ ભણીને હાલ ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા છે.


તેણે જણાવ્યું હતું કે, 4-5 દિવસ પહેલા યુનિવર્સિટીમાંથી ફોન કરીને જણાવવામાં આવ્યું હતું. અભ્યાસ પૂર્ણ થયા પછી ફાઇનાન્સ અાસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. ઘરેથી ભણવા માટે મોટિવેશનલ વાતાવરણ મળી રહેતું હતું એટલે જ આ સ્તરે હું પહોંચી શકી. વધુમાં જણાવ્યું હતું કે, મને ભણવા સિવાય મૂવી જોવું અને ગીતો સાંભળવાં ગમે છે. રેગ્યુલર સ્ટડી કરવાથી પરીક્ષા સમયે સ્ટ્રેસ ફ્રી રહી શકું છું. આજે છોકરીઓ પણ મહેનત કરીને આગળ વધી રહી છે. યુનિવર્સિટીમાં પ્રોફેસરો સારી રીતે ભણાવતા હોય છે. એમ.કોમ.માં ભણવા માટે માત્ર યુનિ.માં ચાલતાં લેક્ચર જ પૂરતાં છે. મન ન હોય તો વાંચન ટાળવું જોઇએ. આગળ સી.એના કોર્સમાં જોઇન થવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...