તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રથમ લાભાર્થીની વિનામૂલ્યે સારવાર કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: સાવલી તાલુકાના સામાન્ય પરિવારના રામેશ્વરભાઇ નાહલે ખભાના તૂટેલા હાડકાની મોંઘી ગણાય એવી ખર્ચાળ સારવાર લગભગ વિનામૂલ્યે મેળવી રહ્યા છે. તેઓ આયુષ્યમાન ભારત યોજના હેઠળ વિનામૂલ્યે ગંભીર બીમારીની સારવારનો લાભ મેળવનારા જિલ્લાના પ્રથમ લાભાર્થી બન્યા છે. આયુષ્યમાન ભારતની આયુષ્યરક્ષક જોગવાઇઓનો લાભ મળવાથી પરિવાર રાહતની લાગણી અનુભવી રહ્યો છે.


આયુષ્યમાન યોજના હેઠળ શ્રમજીવી પરિવારને મળી રાહત

 

વડોદરા જિલ્લાના પ્રથમ લાભાર્થી કહી શકાય એવા સાવલી તાલુકાની પસવા ગામની નર્મદા વસાહતના નિવાસી રામેશ્વરભાઇ સખારામ નાહલે નર્મદા વિસ્થાપિત છે. તેઓ મજૂરી કરીને જીવન વીતાવે છે. ખભાનું હાડકુ તૂટી જતાં તેઓ આટલો મોટો ખર્ચ કેવી રીતે કરવો એની મુંઝવણમાં હતા. એવા સંકટના સમયે જિલ્લા આરોગ્ય તંત્રની સક્રિયતાને લીધે આયુષમાન યોજના તેમની મદદે આવતા આ શ્રમજીવી પરિવારને ઘણી રાહત થઇ છે.

 

યોજનાથી લાભાર્થીને નાણાંકીય કટોકટી વગર જરૂરી આરોગ્યની સેવાઓ મળશે

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકારના આરોગ્ય વિભાગે,  વિવિધ રાજ્ય સરકારો અને આરોગ્ય તંત્રોની મદદથી લોકોને નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કર્યા વગર જરૂરિયાત પ્રમાણેની આરોગ્ય સેવાઓ સુલભ બને તેવા આશયથી આયુષમાન ભારત યોજના અમલમાં મૂકી છે. જેના કારણે લાભાર્થીઓના ખિસ્સામાંથી માંદગીઓની સારવાર માટે કરવો પડતો ખર્ચ ઘટશે અને પરિવારોને યુનિવર્સલ હેલ્થ કવરેજનો લાભ મળશે.

 

ગુજરાતના ૪૪.૮૫ લાખ પરિવારોને આ યોજનાથી થશે લાભ

 

ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ નોંધાયેલા ગુજરાતના ૪૪.૮૫ લાખ પરિવારોને માન્ય સરકારી અને ખાનગી દવાખાનાઓમાં રૂા. ૫ લાખ સુધીની સારવારનો લાભ મળી શકશે. કુટુંબની વ્યાખ્યામાં કોઇપણ મર્યાદા વગર તમામ સભ્યોને લાભ આપવાની તેમાં વ્યવસ્થા છે.

 

૧,૩૫૩ જેટલી વિવિધ પ્રકારની બીમારીઓની સારવારની તેમાં જોગવાઇ

 

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય તિલાવતે જણાવ્યું કે, આ યોજનાનો લાભ આપવાની વ્યવસ્થા હજુ જિલ્લામાં ગોઠવાઇ રહી છે. પરંતુ તેમના કેસના વિશેષ સંજોગોને અનુલક્ષીને છેક રાજ્યસ્તર સુધી જહેમતસભર કો-ઓર્ડીનેશન કરીને, તેમના કેસની મંજૂરી મેળવી શક્યા એનો જિલ્લા આરોગ્ય તંત્રને આનંદ છે. શહેર-જિલ્લા અને નગરપાલિકા વિસ્તારોના ૧.૯૪ લાખથી વધુ પરિવારોના ૧૦ લાખથી વધુ લોકોને આયુષમાન ભારતનો લાભ અપાવવાની કાર્યવાહી પુરજોશમાં ચાલુ છે. તેના હેઠળ વડોદરા શહેર-જિલ્લામાં ૩૪ ખાનગી અને ૧૯ સરકારી મળીને કુલ ૫૩ હોસ્પિટલ્સને સારવાર માટે માન્યતા આપવામાં આવી છે. જે પૈકી ધીરજ હોસ્પિટલમાં રમેશભાઇની પ્રથમ સારવાર કરવામાં આવી છે. ડૉ. તિલાવતના જણાવ્યા પ્રમાણે યોજના હેઠળ માથાના વાળથી પગની પાની સુધીની ૧૩૫૩ જેટલી વિવિધ પ્રકારની બીમારીઓની સારવારની તેમાં જોગવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...