વડોદરાના ગણેશ મંડળે વાંસ અને ન્યૂઝ પેપરના વેસ્ટમાંથી બનાવી શ્રીજીની બેસ્ટ ઇકો ફ્રેન્‍ડલી પ્રતિમા

વડોદરાના ગણેશ મંડળે વાંસ અને ન્યૂઝ પેપરના વેસ્ટમાંથી બનાવી ઇકો ફ્રેન્‍ડલી ગણેશની બેસ્ટ પ્રતિમા
વડોદરાના ગણેશ મંડળે વાંસ અને ન્યૂઝ પેપરના વેસ્ટમાંથી બનાવી ઇકો ફ્રેન્‍ડલી ગણેશની બેસ્ટ પ્રતિમા

DivyaBhaskar.com

Sep 12, 2018, 11:50 AM IST

વડોદરાઃ આવતીકાલે 13 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વડોદરાના 10 હજારથી વધુ ભક્તોએ પોતાના ઘરે માટીના શ્રીજી બેસાડી તેમનું ઘરમાં જ વિસર્જન કરવાનો સંકલ્પ લીધો છે. જ્યારે વડોદરાના 50 ગણેશ મંડળોએ માટીના શ્રીજી સ્થાપી ચાલુ વર્ષે પોતાની સોસાયટીમાં વિસર્જન કરવાની શરૂઆત કરી છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારના વલ્લભનગરના 10 લોકોએ ભેગા મળીને 40 દિવસમાં વાંસની લાકડીઓ, કાથી અને 15 કિલો ન્યૂઝ પેપરના વેસ્ટમાંથી 12 ફૂટની શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા તૈયાર કરી છે. જેનું વિર્સજન સોસાયટીમાં જ કરવામાં આવશે.

10 હજાર ભક્તોનો પર્યાવરણ બચાવવાનો સંકલ્પ

મોટાભાગના શ્રીજી ભક્તોએ સુરસાગરના બ્યુટિફિકેશનના કારણે અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે માટીના શ્રીજીનું ઘરમાં જ વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે. દાંડિયાબજાર અને ચાર દરવાજા વિસ્તારમાં રહેતા 20 મરાઠી તેમજ અન્ય સમાજના પરિવારોની સાથે વાતચીત કરતાં તેઓ પેઢીથી ઘરમાં જ શ્રીજીની માટીની મૂર્તિ બનાવીને ઘરમાં જ વિસર્જન કરતા આવતા હોવાનું જણાવ્યું હતું. વાઘોડિયા-આજવા રોડ પર આવેલ શ્યામલ રેસિડન્સીમાં રહેતા સચીનભાઈ પારીખે જણાવ્યું કે, પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે ગણેશ મંડળ દ્વારા પણ ચાલુ વર્ષે માટીના શ્રીજી સ્થાપી તેનું પ્રથમ વખત સોસાયટીમાં જ વિસર્જન કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત દાંડિયાબજારની શંકર ટેકરી ખાતે રહેતા રોહિતભાઇ ઘાઘે પણ પોતે 7 વર્ષથી પોતાના ઘરે માટીના જ ગણેશનું સ્થાપન કરે છે, પરંતુ છેલ્લાં 3 વર્ષથી પર્યાવરણ અંગે જાગૃત થઈને પોતાના ઘરે નાના વાસણમાં જ વિસર્જન કરવાનું શરૂ કર્યું છે. ફતેગંજની જયેશ કોલોનીમાં રહેતા યોગેશભાઈ શાહ પોતાના ઘરે માટીના શ્રીજીનું સ્થાપન કરી ઘરમાં જ વિસર્જન કરી પર્યાવરણની જાળવણી અંગે લોકોને જાગૃત કરતા આવ્યા છે.

મુસ્લિમ સમુદાયના જુમ્માદાદાએ 1901માં શહેરમાં માટીના ગણેશનું પ્રથમ સ્થાપન કર્યું હતું.

વડોદરાના સુરસાગર પાસે આવેલા શિર્કેના વાડામાં મુસ્લિમ સમુદાયના જુમ્માદાદાએ સાલ 1901માં માટીના ગણેશનું પ્રથમ વખત સ્થાપન કર્યું હતું. મહત્ત્વની વાત એ છે કે, 1904માં જુમ્માદાદાનું અવસાન થયા બાદ, તેમના શિષ્ય માણેકરાવે જુમ્માદાદા વ્યાયામ શાળામાં માટીના ગણેશના સ્થાપનાની પરંપરા ચાલુ રાખી હતી. હાલ જુમ્માદાદા વ્યાયામશાળાના સંચાલક દ્વારા એક ટ્રેન્ડ સેટ કરવા માટે ચાલુ વર્ષે માટીના ગણેશનું સંસ્થાના મેદાનમાં જ પાણીની ટેન્કમાં વિસર્જન કરાશે. પર્યાવરણની સુરક્ષા માટે અમે સુરસાગરમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરતા હતા, પરંતુ હવે સંસ્થાના મેદાનમાં પ્રથમ વખત વિસર્જન કરવામાં આવશે.
-રાજેન્દ્ર હરપળે, ટ્રસ્ટી, જુમ્માદાદા વ્યાયામ મંદિર

1960 સુધી વિશ્વામિત્રીમાં વિસર્જન કરતા, નદી ગંદી થતાં ઘરમાં વિસર્જન કરતા થયા

મારા પિતાજી 1960 સુધી માટીના ગણપતિનું વિસર્જન વિશ્વામિત્રીમાં કરતા હતા. ત્યારે વિશ્વામિત્રીનું પાણી ચોખ્ખું હતું. પરંતુ ધીરેધીરે વિશ્વામિત્રીમાં ગંદકી વધી જતાં મારા પિતાશ્રી તેમજ અન્ય લોકોએ પણ અપવિત્ર નદીમાં ભગવાનનું વિસર્જન કરવાનું ટાળ્યું. જ્યારે 1960 બાદ મારા ઘરમાં જ માટીના શ્રીજીનું વિસર્જન થતું આવ્યું છે.

-જીતેન્દ્ર ગવળી,સંચાલક, કમ્યુનિટી સાયન્સ સેન્ટર

શ્રીજીને ઘરમાં જ વિસર્જન કરી તેનાં પાણી-માટીને બગીચામાં પ્રવાહિત કરી શકાય છે

માટીના શ્રીજીને ઘરમાં વિસર્જન કર્યા બાદ તેના પાણીને બગીચા,કુંડાં અથવા તળાવ-નદીમાં પ્રવાહિત કરી શકાય છે. જ્યારે શ્રીજીની માટીને કુંડામાં અથવા બગીચામાં પણ મૂકી શકાય છે. મોટા ભાગના શ્રીજી ભક્તો કુંડામાં માટી નાખી તેમાં તુલસી કે અન્ય છોડ વાવતા હોય છે.

X
વડોદરાના ગણેશ મંડળે વાંસ અને ન્યૂઝ પેપરના વેસ્ટમાંથી બનાવી ઇકો ફ્રેન્‍ડલી ગણેશની બેસ્ટ પ્રતિમાવડોદરાના ગણેશ મંડળે વાંસ અને ન્યૂઝ પેપરના વેસ્ટમાંથી બનાવી ઇકો ફ્રેન્‍ડલી ગણેશની બેસ્ટ પ્રતિમા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી