18 વર્ષ પૂર્ણ નહીં થતા હોય તો પણ મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે, ચૂંટણી પંચની અનોખી પહેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીરનો પ્રતિકાત્મક ઉપયોગ - Divya Bhaskar
તસવીરનો પ્રતિકાત્મક ઉપયોગ

વડોદરાઃ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તા.15મી ઓક્ટોબર સુધી ચાલનાર મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં આગામી તા.1 જાન્યુઆરી 2019 સુધીમાં જે યુવાનોની ઉંમર 18 વર્ષ પૂરી થતી હોય તેવા યુવાનોનાં નામ ત્રણ મહિના પહેલાં જ મતદાર યાદીમાં નોંધવામાં આવશે. ચૂંટણીપંચ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવનાર છે.

 

 

1 જાન્યુઆરી 2019 સુધીમાં 18 વર્ષ પૂર્ણ થતાં હોય તો મતદાર યાદીમાં નામ નોંધાવી શકાશે

 

પહેલીવાર યુવાનીના ઉંબરે ઉભેલા યુવાનોનું ચૂંટણી પંચ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે. ચૂંટણીપંચ અને વહીવટી તંત્રના આ નિર્ણયના પગલે રાજ્યના યુવા વર્ગમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે ગત 1 સપ્ટેમ્બરથી ફોટાવાળી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 15મી ઓકટોબર સુધી આ કામગીરી ચાલશે. આ સમય દરમિયાન મતદાર યાદીમાં નામની નોંધણી,નામ અને સરનામાં ફેરફાર,ફોટામાં ફેરફાર કે સુધારા, નામ કમી કરાવવા વગેરેની કામગીરી હાથ ધરવામાં આવશે.

 

તા.30 સપ્ટેમ્બર અને 14 ઓક્ટોબરના રોજ મતદાન મથકો પર સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી બીએસઓ" મતદારોની તમામ અરજીઓ" સ્થળ પર સ્વીકાર કરશે. 1 જાન્યુઆરી 2019 સુધીમાં જે પણ યુવાનોનાં 18 વર્ષ પૂરાં થતાં હશે તે તમામનાં નામ મતદાર યાદીમાં નોંધવામાં આવશે. જેથી અગામી લોકસભાની ચૂંટણીમાં આ યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. યુવા મતદારોનાં નામ નોંધણી માટે કેમ્પસમાં પણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને વધારે પ્રમાણમાં યુવા મતદારો નામ નોંધણી કરાવે તેવા પ્રયાસો કરી મતદારયાદીમાં નામ નોંધાવ્યા પછી તેમનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરવા માટે વેબસાઇટ www.ceo.gujarat.gov.in પરથી જાણી શકાશે. આ ઉપરાંત ચૂંટણીની હેલ્પલાઇન પરથી જાણકારી મેળવી શકાશે.

 

જૂના ઓળખકાર્ડની જગ્યાએ નવું ઓળખકાર્ડ પણ મેળવી શકાશે

 

જૂના ઓળખકાર્ડની જગ્યાએ મતદારે નવું ઓળખકાર્ડ જોઈતું હશે તો તે પણ ચૂંટણી તંત્ર દ્વારા કાઢી આપવામાં આવશે. નવું કલર ફોટોગ્રાફવાળું પીવીસીનું ઓળખકાર્ડ માટે મતદાતાએ રૂ.30ની ફી ચૂકવવાની રહશે.