બોટલ બંધ પાણીનો 50 લાખ લિટરનો પાણીદાર ધંધો: તંદુરસ્તી સામે ખતરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: શહેરમાં પાણીનો કકળાટ બારે મહિના હોય છે અને તેના પરિણામે રોજનું 30 લાખ લિટર ખાનગી ધોરણે 750 ટેન્કર મારફતે અને 20 લાખ લિટર 1 લાખ જગ મારફતે પૂરું પાડવામાં આવે છે. જોકે, આ રીતે પૂરા પડાતા પાણીની તંદુરસ્તીનો પ્રશ્ન મોટો છે. તેની ગુણવત્તા ચકાસવા માટે પાલિકા પાસે કોઇ સિસ્ટમ વ્યવસ્થિત નથી. િદવ્યભાસ્કરે પૂછપરછ કરી તો, આરોગ્ય િવભાગ, ફૂડ િવભાગ અને પાણી પુરવઠા વિભાગે તેની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હતા, અને એકબીજા ઉપર જવાબદારી ઢોળવા પ્રયાસ કર્યો હતો.  તપાસમાં ખબર પડી કે ફૂડ િવભાગ માત્ર પાણીના પાઉચ કે નાની બોટલોના પાણીની જ ચકાસણી કરે છે. 

 

પાણીની ગુણવત્તા ચકાસવાની સિસ્ટમ પાલિકા પાસે નથી, આરોગ્ય, ફૂડ અને પાણી પુરવઠા વિભાગ એકબીજાને ખો આપે છે

 

18 લાખની જનસંખ્યા ધરાવતા શહેરને પાલિકા તરફથી રોજનું સરેરાશ 46 કરોડ લિટર પાણી પૂરું પડાઇ રહ્યું છે. પાલિકાના વ્યવસ્થિત વિતરણના આયોજનના અભાવના ભોગે ખાનગી ધોરણે પાણી વેચનારા બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યા છે.


સેન્ટર ફોર કલ્ચરલ એન્ડ ડેવલપમેન્ટના અભ્યાસ મુજબ શહેરમાં રોજની 750 ખાનગી ટેન્કરોથી એજન્સીઓ પાણી વેચી રહી છે અને તેમાં ટેન્કર દીઠ 4000 લિટરની ક્ષમતા મુજબ દૈનિક 30 લાખ લિટર પાણી પૂરું પડાઇ રહ્યું છે. જોકે, આ પાણી ક્યાંથી લાવવામાં આવી રહ્યું છે અને તેની ગુણવત્તાની સચોટતા કે તેની તપાસ અંગે કોઇ સરકારી માપદંડ નથી. 20 લિટરની ક્ષમતાના 1 લાખ જગ પણ રોજના વેચાઇ રહ્યા છે અને તેની તંદુરસ્તી અંગે પણ મોટો પ્રશ્ન છે. િદવ્યભાસ્કરે  સંબંધિત એજન્સીઓ સાથે વાત કરી તો ખબર પડી કે, હવા પાણીની શુદ્ધતાનું મોનિટરિંગ કરવાની કોઇ સિસ્ટમ જ નથી.

 

પાલિકાના સ્ત્રોત સિવાય 200 કરોડ લિટર પાણી કયાંથી આવે છે ?


ખાનગી ટેન્કરો મારફતે 110 કરોડ લિટર અને જગ મારફતે 75 કરોડ લિટર પાણી વર્ષે પૂરુ પડાય છે.  પાલિકાના મૂળ સ્ત્રોત સિવાય પણ વર્ષે 200 કરોડ લિટર પાણી શહેરીજનોને વેચાઇ રહ્યું છે ત્યારે આ પાણી કયાંથી આવી રહ્યું છે તે તપાસનો વિષય છે.

 

આવી તો આરોગ્ય વિભાગ તપાસ કરી શકે

 

^પાણી પુરવઠા વિભાગ પાણી વિતરણ પર ધ્યાન આપતો હોય છે પરંતુ ખાનગી ધોરણે વેચાતા પાણીની ગુણવત્તા ચકાસવાની જવાબદારી અમારા વિભાગની નથી. આવી તપાસણી આરોગ્ય વિભાગ જ કરી શકે છે. > અલ્પેશ મજમુદાર, એડિશનલ સિટી એન્જિનિયર(પાણી પુરવઠા)

 

પાણીનું ચેકિંગ ફૂડ વિભાગ કરી શકે

 

^ આરોગ્યખાતું બીજી કામગીરી કરે છે અને ખાણી પીણીની ચીજવસ્તુઓનાં ચેકિંગ ફૂડ વિભાગ કરી શકે છે. તેઓ પાણીના પાઉચનાં સેમ્પલ લેતો હોય છે, ફૂડ વિભાગ ટેન્કરવાળા પાણીની ગુણવત્તાની તપાસ કરી શકે છે. > ડો.દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર

 

ફૂડના કાયદામાં આવા માપદંડ નથી

 

^ થોડા સમય પહેલાં પાણીનાં પાઉચ તેમજ સીલ પેક પાણીની બોટલના નમૂના લઇને ગુણવત્તા વગરનો જથ્થો નાશ કર્યો હતો. શહેરમાં આવા નવ યુનિટ નોંધાયેલા છે પરંતુ  ખાનગી ટેન્કર કે જગના પાણીની ચકાસણી કરવા માપદંડ ફૂડ સેફટી એક્ટમાં નથી. > ડો.મુકેશ વૈદ્ય, ફૂડ સેફટી વિભાગ

 

લીલ-કાદવ,પોરા હોય છે,તપાસ કરે કોણ? 

 

^ખાનગી ટેન્કરથી પૂરું પડાતું 50 થી 60 ટકા પાણી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં થાય તેવું હોય છે. તેમાં લીલ,કાદવ,પોરા અને અન્ય કચરો હોય છે અને ખાનગી સપ્લાયર પાણી મેળવે છે ક્યાંથી તે એક તપાસનો વિષય છે. જગના વેચાણના કિસ્સામાં ઘણી વાર માત્ર ગળણીથી ગાળીને પાણી ઠંડું કરી જગ ભરી દે છે. > ડો.જયેશ શાહ,રિસર્ચ કન્સલ્ટન્ટ,સેન્ટર ફોર કલ્ચરલ ડેવલપમેન્ટ

 

પાણીનો કારોબાર 

 

- 46 કરોડ લિટર પાલિકા દ્વારા પૂરો પડાતો દૈનિક પુરવઠો

- આજવા જળાશયમાંથી 15 કરોડ લિટર
- મહિસાગર ફ્રેન્ચવેલમાંથી 25 કરોડ લિટર
- ખાનપુર પ્લાન્ટમાંથી 6 કરોડ લિટર
- ફાયર બ્રિગેડ મારફતે વાર્ષિક વિતરણ 16 કરોડ લિટર

 

ખાનગી ટેન્કર મારફતે વાર્ષિક વેચાણ
110 કરોડ લિટર
જગ મારફતે વાર્ષિક વેચાણ 

75 કરોડ લિટર

 

 

અન્ય સમાચારો પણ છે...