તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહેવાલાયક શહેરોના રેન્કિંગમાં વડોદરા @ 36 કારણ, તંત્ર તૈયાર નહોતું, પૂરતી માહિતીનો અભાવ હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેન્કિંગ મુજબ વડોદરા કરતાં સુરત અને અમદાવાદ વધુ રહેવાલાયક છે - Divya Bhaskar
રેન્કિંગ મુજબ વડોદરા કરતાં સુરત અને અમદાવાદ વધુ રહેવાલાયક છે

વડોદરા: તાજેતરમાં કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ‘દેશના સૌથી વધુ રહેવાલાયક શહેરો’ (ઇઝ ઓફ લિવિંગ)ના રેન્કિંગમાં વડોદરાનો ક્રમ દેશમાં 36મો આવ્યો છે. જ્યારે ગુજરાતમાં સુરત(19) અને અમદાવાદ (23) બાદ ત્રીજો છે. સરકારી એજન્સીઓની કામગીરીથી માંડીને શહેરમાં લોકોને મળતી શિક્ષણ સહિતની સુવિધાઓ, રોડ-રસ્તા જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રદુષણની માત્રા અને શહેરના હેરિટેજને સાચવવાના પ્રયાસોથી માંડીને ટુરિસ્ટની સંખ્યા જેવી જુદી જુદી બાબતો આ રેન્કિંગ માટેના સરવેમાં આવરી લેવામાં આવી હતી.

 

રહેવાલાયક શહેરોના નેશનલ રેન્કિંગની પ્રોસેસ શરૂ થતાં તંત્ર સફાળુ જાગ્યું હતું


આ રેન્કિંગ માટેના સરવેમાં જુદા જુદા જેટલા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના હતા પણ કોર્પોરેશન આ ડોક્યુમેન્ટ્સ પણ નિયત સમયમાં યોગ્ય રીતે ભેગું કરી શક્યું ન હતું. કારણ કે આ ડોક્યુમેન્ટ્સ પોલીસ, હોટેલ ઇન્ડસ્ટ્રીઝ જેવી અન્ય એજન્સીઓ પાસેથી ભેગા કરવાના હતા એવું કોર્પોરેશનના ઉચ્ચ સૂત્રે જણાવ્યું હતું. આ રેન્કિંગમાં ઉઘતા ઝડપાઇ જવાને લીધે રહેવાલાયક શહેરોના રેન્કિંગમાં વડોદરા પાછું પડ્યું હતું. આ રેન્કિંગમાં 15 કેટેગરી અને 78 ઇન્ડિકેટર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે આ વિશે આગામી રેન્કિંગ માટેની તૈયારીઓ કોર્પોરેશને અત્યારથી શરૂ કરી દીધી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અેકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના વડોદરા બ્રાન્ચના ચેરમેન ધીરેન પરીખના મતે છેલ્લા 10 વર્ષોમાં વડોદરાનો વિકાસ સારો થયો છે, સામાન્ય સુવિધાઓ વધી છે પણ હજી અમદાવાદ અને સુરતની સરખામણીમાં બિઝનેસ ઓછો છે.

 

સમય ઓછો મળ્યો હોવાથી તૈયારીઓ થઇ શકી ન હતી : VMC

 

આ મુદ્દે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી ડો.દેવેશ પટેલ દિલ્હીમાં યોજાયેલા એક દિવસીય સેમિનારમાં હાજરી આપી આવ્યાં છે. તેમણે જણાવ્યું કે, ‘ આ વર્ષનું રેન્કિંગ પહેલીવાર હોવાથી તૈયારીઓ માટે પૂરતો સમય ન મળતા તૈયારીઓ પૂરતી થઇ શકી ન હતી. કેટલાક ડોકયુમેન્ટ અન્ય વિભાગો અને અન્ય તંત્ર ((પોલીસ, વેપાર-ઉદ્યોગો)સાથે સંકલન સાધી ન શકવાને લીધે ઉપલબ્ધ થઇ શક્યા ન હતા. આગામી રેન્કિંગમાં સુધારો થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.’

 

હેપનિંગ સિટી બને તો રહેવાલાયક શહેર બની શકે 

 

અમદાવાદ, સુરત અને વડોદરામાં એક એક વર્ષ રહી ચૂકેલા અને મૂૂળે રાજકોટના રચિત અંતાણી કહે છે કે, વડોદરા હેપનિંગ સિટી નથી.વડોદરમાં ખૂબ ઓછા દિવસ લોકો એક સાથે ભેગા થઇને કોઇ દિવસ કે પ્રસંગની ઉજવણી કરે છે. મારા મતે સુરત સૌથી લાઇવ સિટી છે.

 

દાહોદનો રેન્કિંગમાં સમાવેશ શા માટે ?

 

ગુજરાતના પાંચ શહેરોમાં અમદાવાદ-વડોદરા જેવા મોટા શહેરોની સાથે દાહોદનો પણ રેન્કિંગમાં સમાવેશ કરાયો હતો. આ વિશે વાત કરતાં દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પી.જી. રાયચંદાણીએ જણાવ્યું કે,‘ દાહોદનો દેશભરમાંથી સરકારે પસંદ કરેલા મહત્વકાંક્ષી જિલ્લાઓમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત તે સ્માર્ટ સિટીની રેસમાં પણ છે. દાહોદ પછાત જિલ્લાઓમાં ઝડપભેર પ્રગતિ કરી રહ્યું છે. તેથી તેનો સમાવેશ કરાયો હતો.

 

વડોદરા ટ્રાફિક-પ્રદૂષણ ઓછા, લોકો મળતાવડા]

 

મૂળે સૌરાષ્ટ્રના અમદાવાદ અને વડોદરામાં રહ્યાં બાદ અંકલેશ્વર જીપીસીબીના અધિકારી આરબી ત્રિવેદી કહે છે કે, વડોદરાનું રેન્કિંગ 36થી આગળ હોવુું જોઇએ. કારણ કે ટ્રાફિક અને પ્રદુષણ સરખામણીમાં ઓછા છે. લોકો મળતાવડા છે. હું નિવૃત્તિ બાદ વડોદરા જ પસંદ કરીશ.

 

નાઇટલાઇફ નથી, પણ એજ્યુકેશન બેસ્ટ છે

 

છેલ્લા 7 વર્ષથી વડોદરાની વ્હિકલના ટ્રેકર બનાવતી મલ્ટીનેશનલ કંપનીના અધિકારી તેજસ માંકડ કહે છે કે,‘ વડોદરામાં નાઇટલાઇફ નથી, રાજકોટની સરખામણીમાં અહીં શિક્ષણ સારું હોવાથી લોકો વધુ પ્રોફેશનલ છે. પણ અેવરેજ વ્યક્તિ માટે વડોદરા વધુ રહેવાલાયક છે.

 

ગુજરાતનાં 5 શહેરોની પાલિકાઓના રેન્કિંગ

 

શહેરનેશનલસ્ટેટનેશનલસ્ટેટનેશનલસ્ટેટ
વડોદરા363313353
રાજકોટ384554424
સુરત191112111
અમદાવાદ23271222
દાહોદ795725955