ભરૂચના ભાર્ગવ પરિવારને રાજસ્થાનમાં નડયો અકસ્માત, પિતા-પુત્રી સહિત 7ના મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચઃ ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલી એકદંત રેસીડન્સીમાં રહેતાં ભાર્ગવ પરિવારને રાજસ્થાનના શિરોહી નજીક અકસ્માત નડતા સાત સભ્યોના મોત થયાં છે. મૃતકોમાં ભરૂચ ખાતે રહેતા પિતા અને પુત્રીનો સમાવેશ થવા જાય છે. જયારે માતા અને પુત્રને ગંભીર ઇજા પહોંચી છે. ઉલ્લેખનીય છે કે જોધપુર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમની બોલેનો કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

 

લગ્નમાં હાજરીને પરત ફરી રહ્યો હતો પરિવાર

 

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી એકદંત રેસીડન્સીમાં ફલેટ નંબર 201માં રહેતા પ્રવિણ ભાર્ગવ ( ઉવ. 35), પત્ની ડીમ્પલ ( ઉવ.30) પુત્ર ચિરાગ ( ઉવ.12) અને પુત્રી શેરોન ( ઉવ.05) સાથે તેમના વતન જોધપુર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયાં હતાં. વ્યવસાયે જયોતિષ એવા પ્રવિણભાઇ 15મીએ જોઘપુર ગયા હતાં. શુક્રવારે સવારે તે જોધપુર ખાતે રહેતા અન્ય સંબંધીઓ સાથે બોલેનો કારમાં ભરૂચ આવવા માટે નીકળ્યાં હતાં.

 

સ્ટીયરીંગ પરનો કાબુ જતો રહેતા ગાડી પલટી ખઈને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ

 

શિરોહી- શિવગંજ ફોર લેન હાઇવે પર પોસાલીયા ગામ નજીક ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર પલટી જઇને રોંગ સાઇડ પર સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં પ્રવિણ ભાર્ગવ, શેરોન ભાર્ગવ સહિત કૈલાસબેન, સુમિત્રાબેન, ખુશ્બુબેન, રેખાબેન અને એક વર્ષની સાન્વીનું ઘટનાસ્થળે મોત નીપજયાં હતાં. ડીમ્પલ ભાર્ગવ અને ચિરાગ ભાર્ગવને ગંભીર ઇજા થતાં શિરોહીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ પ્રવિણ ભાર્ગવના ભરૂચ ખાતેના પાડોશીઓને થતાં તેઓ શોકમાં ગરકાવ થઇ ગયા છે. એકદંત રેસીડન્સીમાં ચાર સભ્યોનો પરિવાર છેલ્લા છ વર્ષથી રહેતો હતો.

 

આગળની સ્લાઈડ્સમાં જૂઓ તસવીરો...