Home » Madhya Gujarat » Latest News » Vadodara City » vadodara AP center in lrd paper leak scam, police found yashpal vadodara connection

યશપાલ પાછળ દિલ્હી સુધી છેડા ધરાવતા સ્થાનિક ભાજપના નેતાની સંડોવણી ?, ઇન્દ્રવદન અને અશ્વિને રૂા.6 લાખમાં શિકાર શોધ્યા

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 09:26 AM

પેપરલીક કૌભાંડમાં વડોદરા એપી સેન્ટર: યશપાલને જરોદની ફેક્ટરીમાં છૂપાવ્યો, ઇન્દ્રવદને દિલ્હી જવા પૈસા આપ્યા

 • vadodara AP center in lrd paper leak scam, police found yashpal vadodara connection

  વડોદરા: લોકરક્ષકની પરીક્ષાના પેપરલીક કૌભાંડમાં વડોદરા કેન્દ્રસ્થાને રહ્યું છે. કૌભાંડનો કિમિયાગર યશપાલસિંહ સોલંકીનું વડોદરા કનેકશન નીકળ્યા બાદ રૂા. 5-6 લાખમાં પેપર ખરીદે તેવા ઉમેદાવારો ભેગા કરવાનું કામ કરતાં 2 શખ્સો પૈકી એક ગોત્રી અને બીજો બોડેલીનો નીકળ્યો છે. બોડેલીના શખ્સને પણ એટીએસએ દબોચી લીધો છે. દિલ્હીની ગેંગે યશપાલ સહિતનાને જવાબો આપવા માટે બોલાવ્યા બાદ કાગળ પેન લાવવાની મનાઇ કરી હતી. તમામ જવાબો યાદ રાખવાના હતા. જો કે યશપાલ આન્સરશીટની પાછળ પ્રશ્નો લખીને ચબરખી વેફરના પેકેટમાં લાવ્યો હતો.

  લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું દિલ્હીથી ફૂટેલું પેપર વડોદરા આવ્યું હતું. વડોદરા કોર્પોરેશનના સેનેટરી વિભાગમાં નોકરી કરતો યશપાલસિંહ સોલંકી 29મી નવેમ્બરે પરીક્ષાના પેપરના જવાબ દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવ્યો હતો. અહિથી તેણે અરવલ્લી ભાજપના કાર્યકર મનહર પટેલને આ જવાબો વેચ્યા હતાં. માંડ 8-9 હજારનો પગારદાર યશપાલનું પેપર કૌભાંડમાં નામ ઉછળતા તેની પાછળ વડોદરાના જ અન્ય કોઇનો હાથ હોવાની શરૂઆતથી જ પોલીસને શંકા હતી.બુધવારે પોલીસે શહેરના ગોત્રી સ્થિત ગોકુલ ટાઉનશીપમાં રહેતા ઇન્દ્રવદન પરમારને પકડ્યો હતો.

  મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે નોકરી કરતા ઇન્દ્રવદને પૈસા કમાવવા માટે યશપાલને પેપર લેવા દિલ્હી મોકલ્યો હતો. તે પેપર ખરીદે તેવા ઉમેદવારોને ભેગા કરતો હતો. તેની સાથે બોડેલીનો અશ્વિન નામનો શખ્સ પણ સંકળાયેલો હોવાનું તપાસમાં બહાર આવતાં એટીએસએ તેને પણ પકડી લીધો છે. આ શખ્સ અમદાવાદમાં શિક્ષક હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. અગાઉ પોલીસે મનહર પટેલને વાઘોડિયાના ખંધા ગામેથી પકડી પાડ્યો હતો જ્યારે સૂત્રધાર યશપાલ સોલંકીને પણ જરોદની કંપનીમાં 2 દિવસ સંતાડી રખાયો હોવાની વિગતો પોલીસને મળી છે. તેની પાછળ વડોદરા ભાજપના એક નેતાની સંડોવણી હોવાનો પણ ગણગણાટ શરૂ થયો છે. આ સમગ્ર ગતિવિધી જોતા પેપરલીક કૌભાંડમાં વડોદરાનું કનેકશન ગાઢ રહ્યું છે.

  યશપાલ પાછળ સ્થાનિક ભાજપના દિલ્હી સુધી છેડા ધરાવતા નેતાની સંડોવણી ?

  પેપર લીક થવાની ઘટનામાં પાલિકાના કોન્ટ્રાકટ પરના તત્કાલિન હેલ્થ વર્કર યશપાલ પાછળ દિલ્હી સુધી સંપર્ક ધરાવતા ભાજપના એક આગેવાનનુ નામ રાજકિય મોરચે ચર્ચામાં રહેતા ચકચાર મચી જવા પામી છે. પેપરલીકમાં પાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કોન્ટ્રાકટ પર ફરજ બજાવી ચૂકેલા યશપાલસિંહ સોલંકી(ઠાકોર)નુ નામ ખુલ્યું છે અને તેની શોધખોળ બાદ પોલીસે તેને દબોચી લીધો છે.

  એલઆરડી પેપર લીક કૌભાંડના સૂત્રધાર યશપાલને પાલિકામાં વડોદરાના મોટા ગજાના ભાજપના એક નેતાના આર્શિવાદ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. પાલિકાથી લઇને દિલ્હી સુધી દબદબો ધરાવતા ભાજપના આ પ્રથમ હરોળના નેતાની ભલામણથી પાલિકામાં યશપાલ સોલંકીને નોકરી અપાઇ હોવાનુ પણ ચર્ચાઇ રહ્યુ છે. ભાજપના આ નેતા પ્રદેશમાં પણ વગ ધરાવે છે અને ભૂતકાળમાં શૈક્ષણિક સંવર્ગની ભરતી કૌભાંડમાં તેમના નામજોગ ઉલ્લેખ સાથેનો ઓડિયો વાયરલ થયો હતો.

  ગામના છોકરાને મદદ કરવામાં હું ફસાયો : ઇન્દ્રવદન
  મૂળ સાબરકાંઠાના કેસરપુરા ગામનો અને હાલ ગોત્રી રામેશ્વર સ્કૂલ પાસેની ગોકુલ ટાઉનશીપમાં રહેતો ઇન્દ્રવદન પરમારે માસ્ટર્સ સુધીનો અભ્યાસ કર્યો છે. આજવા રોડ પરની કંપનીમાં મેડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે ફરજ બજાવે છે. તેની પત્ની પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સૂત્રો અનુસાર, પેપર વેચવા માટે ઉમેદવાર ભેગા કરવાનું તેનું કામ હતું. રૂા. 5 થી 6 લાખનો ભાવ હતો. ગામના છોકરાઓને મદદ કરવામાં હું ફસાઇ ગયો તેમ કહ્યું હતું. પોલીસે અત્યાર સુધી એકાદ-બે કરોડ કમાઇ ગયો હશે ω તેમ પૂછતા તેણે સાહેબ 50 હજાર પણ નથી મળ્યા તેમ જણાવ્યું હતું.

  પોલીસને ગુમરાહ કરવા ઇન્દ્રવદને ખોટું કહ્યું
  સૂત્રો અનુસાર, પોલીસે ઇન્દ્રવદન પરમારની પૂછતાછ કરતાં શરૂઆતમાં તો પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા યશપાલ સોલંકી અને યશપાલ ઠાકોર એક જ નહિ અલગ અલગ હોવાનું કહ્યું હતું. યશપાલ સોલંકી પરીક્ષામાં ઉમેદવાર હતો અને યશપાલ ઠાકોર કૌભાંડનું પ્યાદુ છે. તેવું પણ જણાવ્યું હતું. બીજી તરફ બંને એક જ હોવાનું પોલીસ માની રહી છે. આ જોતા ઇન્દ્રવદને પોલીસને ગુમરાહ કરવા માટે આ તુક્કો અજમાવ્યો હોવાનું પણ અનુમાન લગાવાઇ રહ્યું છે. જો કે આખરે પોલીસે અસલ યશપાલને ઝડપી પાડયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ