વડોદરા: સાંકરદા- મિરસાપુરા રોડના અંજના ફાર્મ પાસેથી બૂટલેગર સહિત 2 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતાં. બે પૈકી એક બૂટલેગરને અગાઉ પાસા થઇ હતી જ્યારે બીજો છેડતીના કેસમાં પકડાયો હોવાની વિગતો મળી છે. ધાર્મિક તહેવારો ટાણે શહેરમાં શાંતિ અને કોમી એખલાસ જળવાય તે માટે ગેરકાયદે હથિયારો રાખતી ટોળકી પર પોલીસે ખાનગી રાહે વોચ ગોઠવી હતી. ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ ડી.જે. ચુડાસમા સહિતની ટીમે રવિવારે સાંજે સાંકરદાથી મિરસાપુરા રોડ પર જવાના અંજના ફાર્મ હાઉસ પાસે બાઇક પર જતા 2 શકમંદોને અટકાવ્યા હતાં. પૂછતાછ કરતા લાલજીપુરાનો ભરત ઉર્ફે ભોલો પરમાર અને સોખડાનો સકીલમીયા કાલુમીયા મલેક હોવાનું કહ્યું હતું.
પોલીસે જડતી લેતા તેમની પાસેથી પિસ્તોલ મળી આવી હતી. બંને વિરૂદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં આમ્સ એક્ટનો ગુનો નોંધી પિસ્તોલ અને મોબાઇલ સહિત રૂા. 33500ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પિસ્તોલ સાથે પકડાયેલા બંને શખ્સો પૈકી ભરત ઉર્ફે ભોલા સામે કિશનવાડી અને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના જથ્થા સાથે અગાઉ ઝડપાયો હતો. આ ઉપરાંત તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પણ પકડાયો હતો. તેની અગાઉ પાસા હેઠળ પણ અટકાયત થઇ છે જ્યારે સકીલમીયા કાલુમીયા મલેક અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં છેડતીના ગુનામાં પકડાયો હતો. બંને પિસ્તોલ ક્યાંથી,કોની પાસેથી અને કેવી રીતે લાવ્યા હતા તેની પૂછતાછ હાથ ધરી છે. વધુમાં કારતૂસ તેમજ પિસ્તોલ રાખી કોઇ ગુનો આચર્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાઇ છે.